અમદાવાદનું કરણગઢ : એક જ વર્ષમાં 0 કનેક્શનથી 100 ટકા નળ કનેક્શન થયા

પાણી લેવા ગામની મહિલાઓને દૂર સુધી જવું પડતું હતું

અમદાવાદના વિરમગામ તાલુકાનું કરણગઢ ગામમાં એક જ વર્ષમાં 0 કનેક્શનથી 100 ટકા નળ કનેક્શન થયા છે. પહેલાં ગામની મહિલાઓને પાણી લેવા દૂર જવું પડતુ હતુ. પરંતુ પાણીની સમસ્યાથી મુક્ત થતા મહિલાઓમાં ખુશીની લાગણી ફરી વળી છે. કરણગઢ ગામના સરપંચ સુરજબેન મનજીભાઇ ભાંભરીયાને એ વાતનું ગૌરવ છે કે તેમના ગામમાં વર્ષોથી જે પાણીની સમસ્યા હતી તે હવે સામાજિક સહભાગીતાથી દૂર થઇ. હવે ગામમાં દરેક ઘરને પાણીનો પૂરતો જથ્થો મળી રહે છે.

કરણગઢ ગામ વિરમગામથી 42 કિમીના અંતરે સ્થિત છે. અહીં 120 મકાનોમાં કુલ 624 લોકો વસવાટ કરે છે. આ ગામમાં પહેલા પાણીનું કનેક્શન એક પણ ઘરમાં હતું જ નહીં. લોકોને દૂર દૂર સુધી પાણી લાવવા માટે જવું પડતું હતું. ઉનાળામાં તળાવો સુકાઇ જતા સ્થિતિ કફોળી બની જતી હતી. ખાસ કરીને મહિલાઓને પાણીની તંગીમાં લાંબુ અંતર કાપવુ પડતું હતું. ઘણી વખત આ કામ નાની બાળકીઓને સોંપી દેવામા આવતું હતું જેથી તેમના ઘરની મહિલાઓને ઘરના કામમાં સહાયતા મળે. તેના લીધે બાળકીઓનો પણ ખાસ્સો સમય બગડતો હતો અને સમસ્યાના લીધે મહિલાઓ પરેશાન રહેતી હતી.

જોકે આ પરિસ્થિતિ હવે બદલાઇ છે. વાસ્મોના અધિકારીઓએ આ સમસ્યાનું સમાધાન લાવવા માટે કામગીરી શરૂ કરી હતી. ગામમાં કમ્યુનિટી મિટીંગનું આયોજન કરવામા આવ્યું હતું અને ત્યાં સૌએ પાણી પુરવઠાની યોજના લાગૂ થાય તે જરૂરી હોવા અંગે સહમતિ દર્શાવી હતી.

ગ્રામસભામાં જલ જીવન મિશન અને એક્શન પ્લાન અંગે લોકોને માહિતી આપવામા આવી હતી. મહિલાઓને ગ્રામસભામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામા આવી હતી કારણ કે ઘરમાં તેઓ પાણીનું સંચાલન કરતી હતી. ગ્રામસભામાં પાણીનો મુદ્દો ચર્ચાનો વિષય હોવાથી મહિલાઓ પણ ઉત્સાહિત જણાતી હતી કારણ કે અત્યાર સુધી માત્ર રસ્તા અને પરિવહન અંગે જ ચર્ચા થતી હતી.

ગામમાં રહેતા મોટાભાગના લોકો ગરીબી રેખા હેઠળ આવે છે. મોટાભાગના લોકો રોજિંદી મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેથી આ મામલે લોકો પાસેથી ફાળો મેળવવું પણ એક મુશ્કેલ કાર્ય હતું.

ગામના લોકોને જણાવવામાં આવ્યું કે, “એવરેજ જોતા મહિલાઓ ઘરની જરૂરિયાત માટે દરરોજ ચાર કલાક, મહિનાના 120 કલાક અને વર્ષના 60 દિવસનો ઉપયોગ કરે છે. જો મહિલાઓને ઘરે જ પાણી મળી જાય, તો આ સમયનો ઉપયોગ તેઓ આર્થિક ઉપાજનની પ્રવૃત્તિઓ અને અન્ય કાર્યમાં લઇ શકે છે. જો દરેક ઘરેથી કનેક્શન માટે 500 રૂપિયા મળે, તો આ ગામમાં પાણીની સમસ્યાનું કાયમી નિવારણ આવી જશે. ” સમસ્યા અંગેનું આ વિવરણ જાણીને લોકો કનેક્શનની યોજના માટે તૈયાર થઇ ગયા હતા. ત્યારબાદ દરેક ઘરેથી ફાળો લેવામાં આવ્યો હતો. જે લોકો ચૂકવી ન શકે તેમનું ફન્ડિંગ વાસ્મો દ્વારા કરવામા આવ્યું હતું.

કલેક્શન બાદ પાણી સમિતીએ આ યોજના લાગૂ કરવા માટે કામગીરી શરૂ કરી. એક વર્ષમાં આ કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને આજે કરણગઢ ગામમાં ઘરે ઘરે પાણીનું કનેક્શન છે. ગામમાં પાણીનો પૂરવઠો સમયસર પહોંચતો રહે તેના માટે ગામના રહેવાસી નાનજીભાઇને દેખરેખની જવાબદારી સોંપવામા આવી છે.

ગુજરાતમાં 82 ટકા રહેણાકમાં નળ કનેકશન

કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કુલ રહેણાક 93 લાખ છે જેમાં આજ સુધી 77 લાખ મકાનોને ચાલુ હાલતમાં નળ કનેક્શન આપી દેવાયા છે. આ આંકડો કુલ મકાનોનો 82 ટકા જેટલો છે. 2020-21માં રાજ્યનો ટાર્ગેટ 11,15,240 કનેક્શન આપવાનો હતો જેમાંથી 91.14 ટકા કામગીરી થઇ ચૂકી છે. ગુજરાતમાં 5 જિલ્લા, 6676 પંચાયત, 8211 ગામડા અને 31 બ્લોકને 100 ટકા એફએચટીસી (ફન્ક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન) સ્ટેટસ મળેલું છે.

 26 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર