તાલિબાનો ફરી બંદૂક પકડશે તો કાશ્મિરમાં જોખમ હો શકતા હૈ..!

અમેરિકાએ અફઘાનમાં પોતાનું મિશન પુરૂ થતાં ઘર વાપસી…

લાદેનને હણવા અમેરિકાને 10 વર્ષ લાગ્યા, દાઉદને હણવા…?

20 વર્ષ બાદ અફઘાનની ધરતી પરથી અમેરિકી સૈન્ય પરત ફરશે

ભારતે તાલિબાનો સાથે ગોપનીય સંમજૂતિ કરવી જોઇએ- એક્સપર્ટ

તાલિબાનો સખણાં નહીં રહે અને કાશ્મિરના આતંકીઓને ટેકો આપશે તો..?

કંદહારમાં ભારતનું વિમાન તાલિબાનોના કબજામાં જ હતું..!

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

1947 પહેલાં અખંડ ભારતની સીમા છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી હતી. મીઠી મીઠી જબાનમાં.. હમ તુમકો કીશમીશ ખિલાયેંગા…બોલનાર અફઘાની પઠાણોને અને ખાસ કરીને ત્યાંની મહિલાઓને હવે ફરી એકવાર કટ્ટરપંથી તાલિબાનોના તાબા હેઠળ જીવવુ પડશે. આતંકી સંગઠન અલ-કાયદા દ્વારા 9-11ના રોજ વિમાનો દ્વારા અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવરો પર આતંકી હુમલો કર્યા બાદ અલ કાયદાના ખૂંખાંર આતંકી ઓસામા બિન લાદેનને ખતમ કરવા અફઘાનની ધરતી પર સૌ પ્રથમ પોતાના સેંકડો સૈનિકોને તમામ પ્રકારની શ્રેષ્ઠ સૈન્ય સાધન-સામગ્રી સાથે ઉતાર્યા ત્યારે અમેરિકાને તો એમ જ હતું કે બે-ચાર મહિનામાં તો લાદેનને ચપટી વગાડતાં વગાડતા આ માર્યો ઠાર…. અને આપણાં સૌનિકો પરત….લેકિન ક્યા ઐસા હુવા..?!

અમેરિકામાં 11-9-2001ના રોજ થયેલો આતંકી હુમલો નાઇન-ઇલેવન તરીકે ઓળખાય છે. જેમાં 3 હજાર લોકો માર્યા ગયા હતા અને 25 હજાર લોકોને ઇજા પહોંચી હતી. અમારા દેશ પર ક્યારેય આતંકી હુમલો નહીં થાય એવા અહંકારમાં રાચનાર અમેરિકાનું પાણી નાઇન-ઇલેવન બાદ ઉતરી ગયું અને અફઘાનની ધરતી પુર અમેરિકાએ શરૂ કર્યું લાદેનને શોધીને હણી નાંખવાનું મિશન. કેમ કે તે વખતે લાદેન તાલિબાનોના રક્ષણમાં અફઘાનની ધરતી પર છુપાયેલો હતો. અલ-કાયદા અને તાલિબાન સામે લડતા લડતા 10 વર્ષ બાદ પાકિસ્તાનમાં અબોટા નામના નાકડા શહેરમાં છુપાઇને રહેતો લાદેનને અમેરીકી સૈનિકો દ્વારા હણી નાંખવામાં આવ્યો ત્યારે તે સમગ્ર ગોપનીય જીવંત કાર્યવાહી તત્કાલિન રાષ્ટ્રપતિ ઓબામા અને તેમની સરકારના સાથીઓએ વ્હાઇટ હાઉસમાં બેઠા બેઠા નિહાળી હતી.

પહેલા અફઘાન અને પછી પાકિસ્તાનમાં છુપાઇને રહેનાર લાદેનનો અતો-પતો મેળવવામાં અને હણી નાંખવામાં અમેરિકા જેવા અમેરિકાને 10 વર્ષ લાગ્યા હોય તો પાકિસ્તાનમાં છુપાઇને રહેતો ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદને હણી નાંખવામાં ભારતને હજુ વર્ષો લાગે તે સ્વાભાવિક છે. કેમ કે અમેરિકાએ તો લાદેનનો પત્તો મેળવવા પાકિસ્તાનના નાક-કાન-ગળુ અને ઘણુ બધુ દબાવવાની સાથે આર્થિક સહાય પણ આપી. ત્યારે 10 વર્ષે મેળ પડ્યો, ભારતે દાઉદ માટે પાકિસ્તાનમાં દિલ્હીના ઇશારે ચાલે એવી સરકાર આવે ત્યાં સુધી રાહ જોવી પડશે.

પાકિસ્તાનને અડીને આવેલા અફઘાનની ધરતી પર રહેતા રહેતા અમેરિકાના સૈનિકોને 20 વર્ષ થઇ ગયા અને હવે ત્યાંથી તેમને ઘરવાપસીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. મે-2021 સુધીમાં અફઘાનમાંથી અમેરિકી સૈન્યની છેલ્લી ટુકડી રવાના થયા બાદ સત્તાની બાગડોર કદાજ તાલિબાનોના હાથમાં આવી જાય તેમ છે. અમેરિકાએ અખાતના દેશોને સાથે રાખીને તાલિબાનો સાથે શાંતિ સમજૂતિ કરી છે. અમેરિકી સૈન્ય ત્યાંથી નિકળ્યા બાદ તાલિબાનો ફરી બંદૂક નહીં ઉઠાવે એવી સમજૂતિનો કેટલો અમલ થશે એ તો વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન પણ સારી રીતે જાણે છે. પણ તાલિબાનો હવે ફરી બંદૂક ઉપાડે તો તેનાથી અમેરિકાને શું ફર્ક પડવાનો છે..? કેમ કે ત્યાં તો તેઓ કોઇ અમેરિકી સૈન્ય પર હુમલો કરવાના નથી અને લાદેનને ઠાર માર્યા બાદ અલ -કાયદા પણ હવે ક્યાં છે…?

રાષ્ટ્રપતિ જો બાઇડન ઉવાચ- અફઘાનમાં અમારૂ લક્ષ્ય પૂરુ થઇ ગયું છે. લાદેનને ખતમ કરી નાંખ્યો અને ઇરાક તથા અફઘાનમાં તાલિબાનો સીધાસટ્ટ થઇ ગયા છે. એક અંતહિન યુધ્ધના અંતની શરૂઆત થવી જોઇએ. અફઘાનની ધરતી પર તાલિબાનો સાથેના યુધ્ધમાં અમેરિકાના અંદાજે 4 હજાર જાંબાઝ કમાન્ડો ટાઇપ જવાનો શહીદ થઇ ગયા છે. અમેરિકા અફઘાનમાં પોતાના વધુ સૈનિકોને ગુમાવવા તૈયાર નથી.અને એવુ હોવુ જ જોઇએ.

ચાલો, અફઘાનમાંથી અમેરિકાની વિદાય બાદ શું થશે અને ભારત પર તેની શું અસર થશે…તે અંગે દેખા જાય તો આપણને વાજપેયી સરકાર વખતની કંદહાર વિમાન હાઇજેકની ઘટના યાદ જ છે. પાકિસ્તાની આતંકીઓએ ઇન્ડિયન એરલાઇન્સની ફલાઇટ નંબર આઇસી-814ના વિમાનનું નેપાળથી હાઇજેક કરીને વાયા અમૃતસર થઇને લાહોર અને છેવટે તે વખતે તાલિબાનોના ગઢ સમાન કંદહારમાં લઇ ગયા હતા. વિમાનમાં રહેલા 135 કરતાં વધારે મુસાફરોના બદલામાં ભારતને મસૂદ અઝહર સહિત બે આતંકીઓને છોડવાની ફરજ પડી હતી.

એ કંદહારમાં ફરીથી તાલિબાનો એકે-56 રાઇફલ સાથે જીપ્સીમાં ફરતાં નજરે પડી શકે. તાલિબાનોએ ભલે શાંતિ માટે અમેરિકાને હા પાડી હોય પણ અમેરિકી સૈન્યની ગેરહાજરીમાં સત્તાની લાલસા અને પાકિસ્તાનનો સાથ તેમને અફઘાનમાં ફરીથી પોતાનું સામ્રાજ્રય સ્થાપવામાં મદદ કરશે અને આ આતંકી સંગઠન પાકિસ્તાનના ઇશારે ભારતના કાશ્મિરમાં અશાંતિ ફેલાવી શકે. ભારત એ જાણે છે અને અમેરિકાને, ભારતે પોતાની ચિંતા પણ બતાવી છે કે તેઓ તાલિબાનો સાથે એવા કરાર કરે કે તે ભારતને હેરાન પરેશાન ન કરે. પરંતુ અમેરિકાને ભારત કરતાં પોતાના સૈનિકોની વધારે ચિંતા હોય તે સ્વાભાવિક છે. અમેરિકાએ લાદેનને મારવા માટે અને તાલિબાનો સામે લડવા માટે 20 વર્ષમાં 2 ટ્રિલિયન ડોલર એટલે કે બે લાખ કરોડ ડોલરનો ખર્ચ કર્યો પણ લાદેનને ઠેકાણે પાડી દીધો. હવે અફઘાનની અને કાશ્મિરની અમેરિકાને શુ કામ ચિંતા હોય…?

રાજકિય કૂટનીતિ એમ કહે છે કે ભારતે તાલિબાનો સાથે મિત્રતા કરી લેવી જોઇએ. 2018માં તાલિબાનોએ અમેરિકા સાથે શાંતિ મંત્રણા શરૂ કરી તે પછી અફઘાનમાં અમેરિકી સૈન્ય પર કોઇ હુમલો થયો નથી. બની શકે કે તાલિબાનો અમેરિકાની વિદાયની રાહ જોતા હશે. અમેરિકાની વિદાય બાદ નજીકમાં આવેલ દેશ રશિયા તૈયાર જ છે અફગાન પર નિયંત્રણ કરવા માટે…! વાસ્તવમાં એક સમયે અફઘાનમાં રશિયાની પક્કડ હતી, બોલબાલા હતી. ભારતે અફઘાન સરકારને છેલ્લાં કેટલાક વર્ષોથી તેના નવ નિર્માણ કાર્યમાં ઘણી મદદ કરી છે. છતાં અફઘાનમાં ભારતની કચેરીઓ તાલિબાનોના નિશાન પર જ હોય છે. 2014માં ભારતમાં સત્તાપરિવર્તન બાદ પણ કાબુલમાં ભારતની એમ્બેસી નજીક બોંબ ધડાકા થયા હતા.

ભારતથી અફઘાન ભલે દૂર છે પણ અમેરિકાની વિદાય બાદ ત્યાં જેમના હાથમાં સંભવિત સરકાર આવવાની છે તે તાલિબાનો પાકિસ્તાનના ઇશારે કાશ્મિરમાં સક્રિય આતંકી સંગઠનોને ટેકો અને તમામ સહાય આપે તો ભારતે કાશ્મિરમાં શાંતિમય વાતાવરણ માટે રાહ જોવી પડે અને તે ભારતને પોષાઇ શકે તેમ નથી. તેથી જેમ હમણાં જ પાકિસ્તાન સાથે મધ્યસ્થી દ્વારા મંત્રણા યોજાઇ તેમ તાલિબાનો સાથે પણ ગોપનીય સમજૂતિ કરશે તો કાશ્મિરમાં કાશ્મિરી પંડિતોની ઘરવાપસી જલ્દી થઇ શકશે. અને જે લોકો કાશ્મિરમાં માલમિલ્કત ખરીદીને કશ્મિર કી હસીન વાદીયોં મેં રહેવા માંગે છે એવા લોકોના સપના પણ સાકાર થઇ શકે.અન્યથા જુની ફિલ્મોમાં આવરી લેવાયેલા કાશ્મિરના પહાડો- લીલાછમ ખુલ્લા મેદાનો, ચિનારના ઘટાદાર વૃક્ષો, તેની આસપાસ વિંટળાઇને પ્રેમ ગીત ગાતા હીરો-હિરોઇન અને બરફના પહાડોની સાથે શ્રીનગરના દલ લેકના શિકારાના દ્રશ્યો જોઇને કહેવુ પડશે- કિતની ખૂબસૂરત યે તસ્વીર હૈ… યે કશ્મિર હૈ…યે કશ્મિર હૈ…!!

દિનેશ રાજપૂત

 70 ,  1