રાજભવન- રાજ્યપાલ-રાજ્ય સરકાર-રાડારાડ…રામરામ-જયશ્રીરામ…!!

4 રાજ્યોમાં રાજ્યપાલો અને રાજ્ય સરકારે વચ્ચે તનાતની-ધનાધની...

કેજરીવાલ-મમતા-ઠાકરે-વિજયનની એક જ ફરિયાદ-ગવર્નરને પાછા બોલાવો..

ઠાકરેએ રાજ્યપાલને વિમાનના આપ્યુ- કેજરીવાલને ઉપરાજ્યપાલ ગાંઢતા નથી..

1977માં નવી સરકારે ઇન્દિરાના રાજ્યપાલો હટાવ્યા-1980માં ઇન્દિરાએ….

બંગાળમાં રાજ્યપાલ પેન-કાગળ લઇને તૈયાર જ બેઠા છે…

આનંદીબેન ભોપાલથી ગયા બાદ શિવરાજસિંહ ફરી સીએમ બની શક્યા…?

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

મહારાષ્ટ્રમાં હમણાં જ ઠાકરે સરકાર અને  મોદી સરકાર દ્વારા નિયુક્ત રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની વચ્ચે ફરી એકવાર ટગ ઓફ વોર એટલે કે રસ્સા ખેંચની રમતની જેમ સ્થિતિ સર્જાઇ. રાજ્યપાલ ઉત્તરાખંડ જવા માંગતા હતા. તેમણે સરકારી વિમાન માટે સુચના આપી. વિમાનમાં બેઠા પરંતુ વિમાન ચાલુ જ ના થયું. રાજ્યપાલના એડીસીએ તપાસ કરી તો જેમને જાણ થઇ કે સરકારે રાજ્યપાલને મહારાષ્ટ્રની બહાર વિમાન કે હેલિકોપ્ટર લઇ જવા પર પ્રતિબંધ મૂક્યો છે….રાજ્યપાલને નીચે ઉકરી જવુ પડ્યું અને બીજી વ્યવસ્થા કરીને રવાના થયા.

દિલ્હી રાજ્યને પૂર્ણકક્ષાનો દરજ્જો મળ્યો નથી. તેથી ત્યાં રાજ્યપાલ-ગવર્નરને બદલે ઉપ-રાજ્યપાલ અથવા લેફ. ગવર્નર ફરજ બજાવે છે. દિલ્હીમાં કેજરીવાલની સરકાર પહેલીવાર સત્તામાં આવી ત્યારથી લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈંજલ  સીએમ કેજરીવાલને લેફ્ટ-રાઇટ…કરાવી રહ્યાં છે…. કેજરીવાલ જે  નિર્ણય કરે તેને લેફ. ગવર્નર મૂકી રાખે. લેફ. આદેશ આપે તો કેજરીવાલ રિસામણું મોઢુ કરીને ફેરવી લે..આવી ખેંચાખેંચી..તનાતની…એકબીજા સામે એવી ચાલે છે કે એકવાર કેજરીવાલ અને તેમના મંત્રીએ ઉપ-રાજ્યપાલના સત્તાવાર નિવાસસ્થાનમાં ધરણાં કર્યા હતા અને ત્યાં જ ઉંઘી ગયાના દ્રશ્યો ટીવી પર  જોવા મળ્યા હતા.

અન્ના આંદોલનમાં કેજરીવાલની સાથે રહીને તિરંગો લહેરાવનાર પૂર્વ આઇપીએસ કિરણ બેદી ત્યારબાદ ભાજપમાં જોડાયા અને તેમને પુડીચેરીના લેફ.ગવર્નર બનાવ્યા. તેમની નિમણૂંક બાદ તેમણે શું કર્યું… પુડીચેરીના કોંગ્રેસી સીએમ દ્વારા કેજરીવાલની જેમ ફરિયાદ- લેફ. ગવર્નર અમને કામ કરવા દેતા નથી અને અમારા નિર્ણયોને મૂકી રાખે છે….

એવી જ ફરિયાદ કેરળમાં સામ્યવાદીઓની સરકારના સીએમ પી. વિજયનની છે. રાજ્યપાલ આરીફ મોહમ્મદખાન કેરળ સરકારને કામ કરવા દેતા નથી, એવી ફરિયાદ છે. આરિફખાનનું રાજકીય મૂળ કોંગ્રેસ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને તેમને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યાં.

પ.બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને સીએમ મમતા બેનર્જીની સરકાર વચ્ચેના ખટરાગિયા સંબંધો પરાકાષ્ટા પર છે. બની શકે કે બંગાળમાં કાયદો-વ્યવસ્થાને બનાવી રાખવા રાજ્યપાલ મમતાની સરકારને ઘરે બેસાડી દે. સીએમ મમતા પણ જો કે એવુ જ ઇચ્છે છે…!! પણ ભાજપના નેતાઓ મમતાને એવો રાજકિય લાભ આપવા માંગતા નથી. પણ રાજભવન અને રાજ્ય સરકાર વચ્ચે સામ સામે યુધ્ધ રેખા દોરાયેલી જ છે. રાજ્યપાલ જગદીપ મિડિયા સામે જઇને સરકારની કામગીરીને ઉઘાડી પાડી રહ્યાં છે અને મમતા સરકાર રાજ્યપાલને મંચ પર બેસવા દેતી નથી…..!

ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલને ત્યારબાદ 2015-16માં મધ્યપ્રદેશના  રાજ્યપાલ બનાવાયા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તા મળતા મળતા રહી ગઇ અને કોંગ્રેસના કમલનાથ સીએમ બન્યા. ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોમાં ગાબડા પાડ્યા. પણ….છેવટે આનંદીબેન પટેલને યુપીના રાજ્યપાલ બનાવીને ભોપાલમાંથી લખનૌ મોકલ્યા અને માર્ચ-2020માં કોરોના લોકડાઉન લાદવામાં આવે તેના એકબે દિવસ પહેલાં જ શિવરાજસિંહ સીએમ બની શક્યા…. કમલનાથે રાજ્યપાલ પટેલ સામે કોઇ ફરિયાદ કરી નહોતી. યુપીના સીએમ યોગીની પણ રાજ્યપાલ પટેલ સામે કોઇ ફરિયાદ નથી. અને હોય પણ નહીં. કેમ કે બન્ને એક જ રાજકિય કૂળના છે.

આવુ કેમ થાય છે અને કેમ થયું..? 1977માં ઇન્દિરા ગાંધીની સરકારને ભારતના મતદારોએ ઇમરજન્સીનો જવાબ વોટથી આપીને સત્તા પરથી દૂર કર્યા તે પછી નવી સરકારે ઇન્દિરાએ જ્યાં જ્યાં પોતાના વફાદારોને  રાજ્યપાલપદે મૂક્યા હતા તે તમાને ઘર ભેગા કરી દેવાયા. નવી સરકારના નવા રાજ્યપાલો નિમાયા-મૂકાયા. 1980માં ભારતના એ જ મતદારોએ ફરી ઇન્દિરા ગાંધીને પસંદ કર્યા અને તેમણે પૂરોગામી સરકારે જેમને રાજ્યપાલપદે મૂક્યા તેમને ઘર ભેગા કરી નાંખ્યાં, ભલે તેમની મુદત પાંચ વર્ષની હોવા છતાં.

ત્યારથી એક પ્રથા-પરંપરા શરૂ થઇ. બીજા પક્ષની સરકાર આવે તો, જેમ કે 2014માં ભાજપની સરકાર આવી તો મનમોહનની કોંગ્રેસ સરકારે મૂકેલા રાજ્યપાલો પોટલાબિસ્તરાં બાંધીને સીધા ઘરે…મતબલ સાફ હૈ- હમ આયે તો આપ નિકલ લો…એમાં કોંગ્રેસ કે કેજરીવાલ કાંઇ કરી શકે તેમ નથી. કેમ કે રાજ્યોમાં રાજ્યપાલની  મિમણૂંક બંધારણની કલમ 153 હેઠળ કેન્દ્ર સરકાર જે નામોની ભલામણ કરે તેમને  રાષ્ટ્રપતિ જે તે રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરે છે.

ગુજરાત પણ એમાં બાકાત નથી. નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે કેન્દ્રમાં મનમોહનસિંહની સરકાર હતી  કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં રાજ્યપાલપદે મૂકાયેલા રાજસ્થાની  કમલા બેનીવાલે એવુ જ કર્યું જેવુ દિલ્હીના ઉપરાજ્યપાલ, જેવુ પુડીચેરીના ઉપરાજ્યપાલ કરી રહ્યાં છે, જેવું મહારાષ્ટ્રમાં કોશ્યારી કરી રહ્યાં છે. તુ ડાલ..ડાલ… તો મૈં પાંત…પાંત…જેવુ ચાલી રહ્યું હતું.. જો કે મોદી સરકારે તે વખતે ઠાકરેની જેમ કમલા બેનીવાલને સરકારી વિમાનનો ઉપયોગ કરતાં રોક્યા નહોતા. જયપુર જવા કમલા બેનીવાલ ટેક્સીની જેમ હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ કરતાં હતા.

મોદી જેટલી ઉદારતા ઠાકરેમાં નથી તેના કારણોમાં જોઇએ તો શિવસેના તે માટે રાજ્યપાલ ભગતસિંહને જવાબદાર માને છે.. ઠાકરેનું સીએમ પદ જોખમમાં મૂકાય તે રીતે રાજ્યપાલે ઠાકરેને એમએલસી-વિધાનસભાનું ઉપલુ ગૃહ-ના સભ્ય બનતા અટકાવ્યાં હતા અને ઠાકરેએ દિલ્હી ફરિયાદ કરી તે પછી મંજૂરી મળી. નહીંતર ઠાકરે આજે સીએમ પદે ના હોત. શિવસેના કહે છે કે રાજભવન રાજકિય પ્રવૃતિઓનું કેન્દ્ર ના બને તો જ હિતાવહ છે.

તેનો અંત ક્યારે….સવાલનો જવાબ એ છે કે  આખા રાજ્યોમાં અને કેન્દ્રમાં એક જ પક્ષની સરકાર હશે તો આવી બનાવો નહીં બને. પણ આખા રાજ્યોમાં અને કેન્દ્રમાં એક પક્ષની સરકાર હવે ભૂતકાળ બની ગયું છે. એક સમયે આખા રાજ્યોમાં કોંગ્રેસની સરકારો હતી અને કેન્દ્રમાં પણ. પણ તે પછી એવું આજ દિન સુધી બન્યું નથી.

હવે એવુ ક્યારે બનશે…? અને નહીં બને ત્યાં સુધી કેન્દ્રમાં એક પક્ષની સરકાર જેમ કે હાલમાં ભાજપની અને કેટલાક રાજ્યોમાં કોંગ્રેસ કે  કેજરીવાલ કે સામ્યવાદીઓની સરકારો હશે તો, યે તો હોના હી હૈ….ઐસા તો ચલના હી હૈ….ક્યાંકી  યે એક  ઐસી રાજનીતિ હૈ જિસકી કોઇ નીતિ હી નહીં હૈ…..!!  ભાજપ પણ જાણે છે કે કેન્દ્રમાં તેમને 2024માં કદાજ કિસાન મતદારો  ઉંચનીચ કરે તો તેમના દ્વારા મૂકાયેલા રાજયપાલોનું એવુ જ થશે, જેવુ 1977માં થયું, જેવુ 1980માં થયું…!! 2024માં 2014 જેવુ થશે કે 2019 જેવું…? બંગાળ બબાલ .આસામની  ચા પીતી પીતા તમિલનાડુની લુંગી બાંધી કેરળના હોડકામાં બેસીને દેખતે રહીયે…પીતે રહીયે…સાવન કો આને દો…અરે ભઇ..ચુનાવ તો આને દો…!!

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર