વસમી વિદાય..! ગુજરાતે પોતાનો જનનાયક ગુમાવ્યો

ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું હાર્ટ અટેક આવતાં નિધન થયું છે. તેમનું 92 વર્ષની વયે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમશ્વાસ લીધા હતા. કેશુબાપા નામે ગુજરાતના રાજકારણ અને જનમાનસમાં પોતાની આગવી છબી ઊભી કરનાર કેશુભાઇ પટેલ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા છે. ગુજરાતના આ દિગ્ગજ નેતાનું નિધન થતા રાજકારણમાં આવનારા સમયમાં તેમની મોટી ખોટ વર્તાશે. રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા હતા. કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોકચાહના અપાવી છે.

જનસંધથી લઈને ભાજપના મૂળિયા રાજકારણમાં ઊંડા ઉતારવામાં કેશુબાપાનો મોટો ફાળો છે. ભાજપના લાખો કાર્યકર્તાઓનો હાથ પકડીને તેઓએ રાજનીતિમા ચાલતા શીખવાડ્યા હતા. ગુજરાતે એક અઠવાડિયાના ગાળામાં ત્રણ દિગ્ગજ મહાનુભાવોને ગુમાવ્યા છે. મહેશ અને નરેશ કનોડિયા જેવા દિગ્ગજ કલાકારો બાદ કેશુભાઈ પટેલનું નિધન ગુજરાત માટે મોટી ખોટ સાબિત થઈ છે.

1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવી

કેશુભાઈ પટેલ 1945માં 17ની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. ત્યાર બાદ વર્ષ 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર તરીકે જોડાઈને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી તેમજ કટોકટી કાળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. કેશુભાઈ 1977માં રાજકોટથી લોકસભા ચૂંટણી લડ્યા. ત્યાર બાદ તેમણે 1978થી 1980 દરમિયાન બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં કૃષિમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. વર્ષ 1978થી 1995 દરમિયાન બાપા કાલાવડ, ગોંડલ અને વિસાવદર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. આ દરમિયાન વર્ષ 1980માં જનસંઘનું વિલીનીકરણ થતાં તેઓ નવી બનેલી બીજેપીમાં વરિષ્ઠ આયોજકની ભૂમિકામાં ઊભરી આવ્યા. કેશુભાઈએ કોંગ્રેસ સામે ચૂંટણીપ્રચારની જવાબદારી લીધી અને પરિણામે 1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવી.

8 મહિનામાં રાજીનામું આપવું પડ્યું

કેશુભાઈ માર્ચ-1995માં ગુજરાતના 10મા મુખ્યમંત્રી બન્યા, પરંતુ કેશુભાઈના એ સમયના સાથી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બળવો કરતાં કેશુભાઈને 8 મહિનામાં રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યાર બાદ 1998માં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને તેઓ મુખ્યમંત્રી બન્યા. ત્યાર બાદ 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવ્યો અને ઓક્ટોબર 2001માં સત્તાના દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ભૂકંપમાં નબળી રાહત કામગીરીના આરોપ બદલ કેશુભાઈએ રાજીનામું આપી દીધું. કેશુભાઈના રાજીનામાને પગલે ભાજપ હાઈકમાન્ડે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન બનાવ્યા હતા.

2012માં નવી પાર્ટીની સ્થાપના કરી

2002માં તેઓ વિધાનસભા ચૂંટણી ન લડ્યા અને રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા. ત્યાર બાદ ભાજપમાંથી રાજીનામું આપી કેશુભાઈએ ઓગસ્ટ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી(GPP)ની સ્થાપના કરી અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે વિસાવદર બેઠક પરથી જીત મેળવી. જોકે માત્ર બે વર્ષના સમયગાળામાં તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું. ત્યાર બાદ વર્ષ 2014ની શરૂઆતમા જ GPPના અધ્યક્ષપદેથી પણ રાજીનામું આપી રાજકીય સંન્યાસ લીધો. જોકે હાલ તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

ગુજરાતને મોટી ખોટ પડી : મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્ય મંત્રીએ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇ ને ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા.

કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યો થી ભાજપાને અપ્રતિમ લોક ચાહના અપાવી છે. એમ મુખ્ય મંત્રીએ સદગત કેશુભાઈના પ્રદાનની સરાહના કરતા જણાવ્યુ હતુ.

મુખ્ય મંત્રીએ કહ્યું કે કેશુભાઈના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. વિજય ભાઈ રૂપાણીએ સદગત કેશુભાઈ ના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે.

વડાપ્રધાન મોદીએ જતાવ્યો શોક, ક્યારેય પૂરી ન કરી શકાય તેવી ખોટ

કેશુ બાપાના નિધન પર દુઃખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેશુબાપાએ મારા અને મારા જેવા અન્ય યુવાન કાર્યકર્તાઓના ગુરુ રહ્યા. કેશુબાપાના પ્રેમાળ સ્વભાવ દરેક વ્યક્તિને ગમતો હતો. કેશુબાપાનું નિધન ક્યારેય પૂરી ન કરી શકાય તેવી ખોટ છે.

તેમણે જણાવ્યું હુતં કે, જનસંઘ અને ભાજપને મજબૂત બનાવવા માટે કેશુભાઈએ લાંબી સફર ખેડી હતી. ખેડૂતોની સમસ્યાઓ હંમેશા કેશુબાના દિલામાં રહેતી હતી. કેશુબાપા ભલે ધારાસભ્ય રહ્યા હોય, સાંસદ કે પછી રાજ્યના મુખ્યમંત્રી એમને હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણય લીધા. તેમણે કેશુભાઈ પટેલના પુત્ર ભરતભાઈ પટેલ સાથે ફોન પર વાત કરી હતી અને તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

કેશુબાપાએ ગુજરાતના ગામડાઓમાં વિકાસનો પાયો નાખ્યોઃ નીતિન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આગેવાન કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, નર્મદા યોજનાના શરૂઆતના પ્રશ્નોના નિરાકરણ માટે કેશુબાપાએ ખૂબ મહેનત કરી હતી.   કેશુબાપાએ ગુજરાતના ગામડાઓમાં વિકાસનો પાયો નાખ્યો હતો. કેશુબાપાના માર્ગદર્શન નીચે મારા જેવા હજારો કાર્યકરો આગળ વધ્યા છે.

પોલીસ પણ ડરતી હતી તે પોપટીયા વાડમાં કેશુ બાપાએ કર્યો હતો લલકાર

કેશુભાઈએ લતિફને પરચો બતાવીને મેળવેલી સફળતા આજના ભાજપની મજબૂતી માટે કારણભૂત ગણાય છે. અમદાવાદમા એક સમયે લતિફ નામના ગુંડાની ધાક હતી. ત્યારે અમદાવાદના દરિયાપુર, પોપટીયા વાર્ડ, જોર્ડન રોડ વગેરે વિસ્તારોમાં હિન્દુઓ તો ઠીક, પોલીસ પણ જઈ શક્તી ન હતી, ત્યાં લતિફની દાદાગીરી સામે કેશુભાઈએ અવાજ ઉઠાવ્યો, એટલુ જ નહિ લતીફના ગઢ સમાન પોપટીયા વાર્ડમાં લોકદરબારનો જાહેર કાર્યક્રમ યોજ્યો હતો. તેનાથી નીડર અને હિમંતવાન નેતા તરીકેને છબી રાજ્યસ્તરે ઉભરી આવી. એ પછી સ્થાનિક ચૂંટણીઓમા તેઓએ લતિફને મુદ્દો બનાવ્યો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કબજો કરીને ઈતિહાસ સર્જ્યો હતો. એ જ સફળતા આજના ભાજપની મજબૂતી માટે કારણભૂત ગણાય છે.

ડોન લતિફને ફેંક્યો પડકાર, લાલિયા દાદાને જાહેરમાં ફટકાર્યો

રાજકોટમાં એક સમયે લાલિયો નામના ગુંડાની ધાક હતી. આ ગુંડો લોકોને પરેશાન કરતો હતો અને તેમની પાસેથી હપ્તો ઉઘરાવતો હતો. ત્યારે કેશુભાઈએ ભર બજારમા તેને માર માર્યો હતો. ત્યાંથી તેમનો નેતા તરીકેનો સિક્કો પડી ગયો હતો. કેશુબાપાએ જાહેરમા તેની ધોલાઈ કરી હતી. 

જનસંઘથી પક્ષ સાથે સંકળાયેલા હતા. સૌરાષ્ટ્રના નેતા તરીકેની છાપ લાલિયાની ઘટના બાદ ઉભરી હતી. ત્યાર બાદ રાજકોટમાં આ દરમિયાન તેઓએ દૂધની ડેરી શરૂ કરી હતી. પછી 1980 થી ભાજપના ટોચના નેતા તરીકે રાજ્ય સ્તરે ગણતરી થવા લાગી. 

1990થી 1995 સુધીના ગાળામાં પણ અમદાવાદમાં લતિફનો આતંક છવાયેલો રહ્યો હતો. સમાજમાં લતીફના નામથી લોકો ફફડતા હતા. ગુડાઓનું રાજ થઈ ગયું હતું. ભાજપ અને કેશુભાઈ પટેલ તથા તેમના સાથીઓએ 1995ની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી લતિફ ગેંગનો આતંકનો મુદ્દો બનાવ્યો. ગુજરાતને ભય-ભૂખ અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાનું વચન અપાયું હતું. કેશુભાઈએ પોતાની સરકાર મજબૂત છે અને ગુંડાઓ સામે કડક હાથે કામ લે છે તે પુરવાર કરવા વિશ્વાસુ પોલીસ અધિકારીઓને તાબડતોડ કામે લગાવી કોઈ પણ ભોગે લતીફને પકડવાનું મિશન ગુપ્ત રીતે હાથ ધર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારી કુલદીપ શર્મા અને તેના ચુનંદા પોલીસકર્મીઓએ જાળ બિછાવીને લતિફને દિલ્હીમાં એક પીસીઓમાંથી પકડી પાડ્યો હતો. તેને બીજા જ દિવસે  વિમાન દ્વારા અમદાવાદ લાવીને મીડિયા સમક્ષ હાજર કરાયો હતો.

કેશુભાઈ પટેલે પોતાની સરકાર બચાવવા જે માફિયા ડોન લતીફને પકડ્યો તે લતિફ સામે અમદાવાદની કોર્ટમાં કેસ શરૂ થયા હતા. તેની સામે જુબાની આપવાની કોઈની હિંમત થતી નહોતી. પરિણામે લતીફ કેટલાક કેસોમાં પુરાવાના અભાવે નિર્દોષ છૂટતો હતો. 1997માં શંકરસિંહ વાઘેલાની સરકારમાં લતિફે વાઘેલાની પાર્ટીના એક લઘુમતી હોદ્દેદારની હત્યા કરાવીને મોટી ભૂલ કરી હતી કેમ કે તેના થોડાક જ સમયમાં લતીફ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. કોંગ્રેસના શાસનમાં ગેરકાયદે ધંધાઓ દ્વારા આગળ આવનાર લતીફ ભાજપ સરકારમાં પકડાયો અને વાઘેલા સરકારમાં ઠાર મરાતા અમદાવાદમાંથી સરેઆમ ગુંડાગીરી અને માફિયાગીરીનો એક રીતે જોતાં અંત આવ્યો હતો. તે પછી અમદાવાદમાં કોઈ નવી ગેંગ કે માફિયા પેદા થયો નથી.

બાપાએ કોરોનાને હરાવ્યો હતો

કેશુભાઈ પટેલના પરિવારમાં 5 પુત્ર અને 1 પુત્રીનો સમાવેશ થાય છે. 21 સપ્ટેમ્બર 2006ના રોજ તેમના પત્નિ લીલાબેન પટેલનું અમદાવાદ ખાતે અકસ્માતે મોત થયું હતું. અમદાવાદ ખાતે તેમના ઘરમાં આગ ફાટી નીકળતા પત્નિ લીલાબેન પટેલનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના 5 પુત્ર પૈકી 2 પુત્રના મોત થયા છે. ગત મહિને તેઓને કોરોના થયો હતો. જ્યાં તેઓએ કોરોનાને હરાવ્યો હતો.  કેશુભાઇ પટેલના નિધનથી સમગ્ર પાટીદાર સમાજ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ અને આગેવાનોમાં શોકની લાગણી છવાઇ ગઈ છે.

 43 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર