ખોખરા પુલ..? છોડો ને યાર.., બોપલ કી બાત કરો..ફટાફટ કામ હો જાયેગા..?!

ખોખરા રેલવે પુલને બનવામાં 3 વર્ષ તો થયા હજુ કેટલા..?

પૂર્વમાં નથી કોઇ મંત્રી નથી કોઇ સંત્રી તો તંત્ર શું કામ ચિંતા કરે કામની..!

ખોખરા જેવો પુલ બોપલ કે સેટેલાઇટમાં બનાવવાનો હોત તો..?

લાખો લોકોને પુલના અભાવે વધારા કિ.મી.નું અતર કાપવુ પડી રહ્યું છે

ઇંધણ પાછળ એટલો ખર્ચ થયો કે પુલનો અડધો ખર્ચ નિકળી જાય..!

જાગો મોહન પ્યારે…જાગો પૂર્વ વિસ્તારવાલે..જાગો..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

અમદાવાદને ફલાયઓવર સીટી બનાવવામાં આવી રહ્યું છે. એક સમયે અમદાવાદમાં રેલવે લાઇનની ઉપર પુલ બનાવવામાં આવતા હતા. ક્યાંક ઓવર બ્રિજ માટે પૂરતી જગ્યા ના હોય તો અન્ડર પાસ બનાવવામાં આવતાં. અમદાવાદમાં હવે ટ્રાફિકની સરળતા માટે તમામ ચાર રસ્તે ફલાય ઓવરબ્રિજ બની રહ્યાં છે,. ક્યાંય રોકાવાનું જ નહીં..સડસડ..સડસડાટ અને ધમધમાટ થઇને પસાર થઇ જવુ. જુના રેલવે ઓવરબ્રિજમાં કાલુપુર બ્રિજની જેમ મણિનગર વિસ્તારમાં ખોખરા ઓવરબ્રિજ પણ રેલવે લાઇનની ઉપર છે. નીચેથી મુંબઇ અને તેથી આગળની ટ્રેનોની અવરજવર સતત ચાલુ રહેતી હોય છે. 50 વર્ષ જુના આ ખોખરા ઓવરબ્રિજને પં.દિનદયાલ પુલ એવુ નામકરણ થયું છે. પુલનો એક તરફનો ભાગ તૂટી જતાં તેને નવેસરથી બનાવવાનો નિર્ણય રેલવે અને અમ્યુકો દ્વારા લેવાયો. અમ્યુકોની જાહેર નોટિસ નંબર 64-2018-19 દ્વારા 25-11-2018થી ખોખરા રેલવે પુલ અવરજવર માટે બંધ કરીને તેને નવુ બનાવવાનું કામ શરૂ થયું…

કામ એવુ શરૂ થયુ….એવુ શરૂ થયું કે હજુ કામ ચાલે છે….!! 2018 અને 2021નું વર્ષ અડધુ પુરૂ થવામાં છે. લગભગ 3 વર્ષથી કામ ચાલે છે. કબૂલ કે નવો પુલ ટનાટન અને 6 લેનનો બનશે તેની ડિઝાઇન પ્રમાણે. પણ ક્યારે…? બેટા મોટો થા…પરણાવીશું…ની જેમ ખોખરા અને એ તરફ પૂર્વમાં રહેતા લાખો લોકોને હસીન સપને બતાવવામાં આવ્યાં. પણ મારા ભાઇ….હસીન સપને ક્યારે પૂરા થશે…? 3 વર્ષ થયાં અને કામ લગભગ 2 વર્ષમાં પૂર્ણ કરવાનું હતું. તેના બદલે 3 વર્ષમાં હજુ તો અડધુપડધુ જ કામ થયું. પુલ ચકાચક બનીને તૈયાર થઇ જાય ત્યાં સુધી….એ વિસ્તારના લોકોને પડતી હાલાકી અને હાડમારીનો વિચાર અમ્યુકો અને રેલવે મંત્રાલયે કરવો જોઇએ.

અત્યારે કોરોના કાળમાં રેલવે પણ પહેલાની જેમ ધડ..ધડ..ધડ… દોડી રહી નથી. રેલવે મંત્રી પિયુષ ગોયલ પાસે નવરાશ હશે જ. તેમણે આ નિર્માણઆધિન પુલની મુલાકાત લેવી જોઇએ. જેથી રેલવે તંત્ર હરકતમાં આવે અને સત્વરે પુલનું કામ પુરૂ થાય તો 25-11-2018થી ખોખરા અનુપમ સિનેમા તરફના છેડે રહેલા લાખો નાગરિકોને શહેરમાં આવવા માટે રોજેરોજ જે વધારાના કિ.મી.નું અંતર કાપવુ પડે છે તેના કિ.મી. ગણીએ તો આખા વિશ્વનું ભ્રમણ થઇ જાય અને તેની પાછળ વપરાતા ઇંધણની કિંમત ગણીએ તો…. આ નવો પુલ બનાવવા પાછળ જેટલો ખર્ચ થવાનો છે તેના અડધા જેટલી રકમ તો બિચ્ચારા લાચાર અને મજબૂર વાહનધારકોએ ખર્ચી નાંખી હશે…!

આ નાગરિકો અને આ વિસ્તારના વાહનધારકોને રોજેરોજ જે વધારાના કિ.મી.નું અંતર કાપવુ પડી રહ્યું છે અને સમય પણ બગડી રહ્યો છે તે નાગરિકો લાચાર એટલા માટે કે તેમનો વિસ્તાર આંબાવાડી, બોપલ, સેટેલાઇટ,માણેકબાગની જેમ પોશ વિસ્તાર નથી…! ખોખરા, હાટકેશ્વર, બાપુનગર, સીટીએમ અને એ તરફના વિસ્તારોમાં કોઇ મંત્રી-સંત્રી રહેતા નથી કે તેમને વધારાના કિ.મી.નું અંતર કાપવુ પડે. અમદાવાદને મધ્યમાંથી વહેતી સાબરમતી બે ભાગમાં વહેંચે છે. પેલી બાજુનો વિસ્તાર એટલે નદીને પાર…ઝીલ કે ઉસ પારની જેમ પોશ વિસ્તાર. જે નેહરૂબ્રિજથી શરૂ થાય અને છેક સાયન્સ સીટી સુધી જાય..સરકારના બધા મંત્રીઓ, વીવીઆઇપી, મોટા મોટા અધિકારીઓ પોશ વિસ્તારમાં રહે..ત્યાંથી ગાંધીનગર અવરજવર કરે એટલે એ વિસ્તારમાં ફલાયઓવર પુલ હોય…ક્રોસલેન પુલ હોય કે રેલવે લાઇન ઉપરનો પુલ હોય તે નિયત સમયમાં પૂર્ણ થાય અને વપરાશ માટે ખુલ્લુ પણ મૂકાઇ જાય..

પણ હે ખોખરા… તારા વિસ્તારમાં નથી કોઇ મંત્રી રહેતા..નથી કોઇ મોટા મોટા અધિકારીઓ રહેતા…નથી કોઇ વીવીઆઇપી રહેતા…એટલે તારા નશીબમાં તો એવુ જ છે કે ખોખરા રેલવેપુલનું કામ હોય કે. ન.ગ.ર.(નળ-ગટર-રસ્તા)નું કામ હોય…વહીવટીતંત્રની માનસિક્તા એટલી જ છે- હોતી હૈ…ચલતી હૈ…અહીં ક્યાં કોઇ પૂછવા આવવાનું છે..!!

વિદેશમાં આવા રેલવે પુલ કે અન્ય તમામ જાહેર હિતના કામો નિયત સમયમાં પૂર્ણ ના થાય તો ઠેકેદારનું આવી બને. આપણે ત્યાં…? કામમાં મોડુ થયું તો- સાહેબ શું કરૂ… આ જુઓ..સિમેન્ટના ભાવ વધી ગયા, મજૂરી વધી ગઇ…મોંઘવારી કેટલી વધી ગઇ…લો જરા વધારી આપો ને…! થયા હસ્તાક્ષર અને પછી “પ્રસાદ”ની વહેંચણી શરૂ થાય…! લે તારા આટલા….તમે આટલા લો…અને સાહેબ, કામમાં હજુ વાર લાગશે હોં… એટલે ફરીથી જરીક વધારી આપજો…! સામે જવાબ કેવો મળે- લહેર કરને ભાઇ…સહી તો અમારે જ કરવાની છે ને…બનાવ આરામથી બનાવ..અહીં કોઇને કાંઇ ઉતાવળ નથી…પુલ કે રસ્તો જલ્દી નહીં બને તો લોકો જશે ફરી ફરીને…કામ હમારા બનતા..ભાડ મેં જાય જનતા..!

લોકલાગણી તો એવી છે કે જે પુલ બે વિસ્તારોની લાખોની જનતાને જોડતો હોય અને મહત્વનું હોય ત્યારે મોટા અધિકારીઓએ માથે ઉભા રહીને નિયત સમયમાં કામ પૂર્ણ કરાવવુ જોઇએ. લેકિન ઐસા હોતૈ હૈ ક્યાં..? હમણાં મુંબઇમાં શિવસેનાના એક ધારાસભ્યે કામ બરાબર નહીં કરનાર ઠેકેદારને ભરાયેલા પાણીમાંથી ચાલવાની ફરજ પાડી અને તેના માથે કચરાના ટોપલાં નાંખ્યાં…! એ ઠેકેદાર પછી કામમાં ભૂલ કે વિલંબ કરે..? ખોખરા રેલવે પુલ નિયત સમયમાં નહીં બને તો ઠેકેદારનું શુ જવાનું છે…? ભારત જાપાન તો છે નહીં કે ટ્રેન અડધી મિનિટ મોડી પડે તો ખુલાસો માંગવામાં આવે…!

આપણાં કાયદામાં એવા કામો માટે કે જેમાં લાખો લોકોનું જાહેર હિત અને તેમના જીવન સાથે જોડાયેલી બાબતનું કામ હોય, જેમ કે ખોખરા રેલવે પુલ. જો એ નિયત સમયમાં નહીં બને તો લાખો વાહનચાલકોને ઠેકેદારની ધીમી કામગીરીને કારણે જે વધારાના કિ.મી.નું અંતર કાપવા ઇંધણ પેટ્રેલ અને ડિઝલનો ખર્ચ કરવો પડી રહ્યો છે તેના વળતર માટેની જોગવાઇ હોવી જોઇએ કે નહીં…?રોજે રોજ લાખો રૂપિયાનો વધારાનો ખર્ચ ખોખરા અને એ તરફ રહેતા અને આ તરફ પુલ આળંગીને આવનારા હજારો લોકો કરી રહ્યાં છે તેનું શું..?

કાશ,,,પૂર્વ વિસ્તારમાં કોઇ મુખ્યમંત્રી કે મંત્રી રહેતા હોય અને તેમને આ પુલ ઓળંગીને આવવુ પડતુ હોત તો…એ ય સરકીટ, યે તેરા વો ક્યા બોલતે હૈ રે..હાં વો .. ખોખરાવાલા રેલવે પુલ કબ કા બન ગયા હોત….! જાગો મોહન પ્યારે…જાગો ખોખરાવાલે..જાગો…!

 128 ,  1