September 20, 2021
September 20, 2021

અફઘાનિસ્તાનમાં 10 સપ્તાહ હાઉસફુલ રહી હતી ‘ખુદા ગવાહ’

બોલિવૂડની આ ફિલ્મોનું શુટિંગ થયું હતું અફઘાનિસ્તાનમાં

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જાએ દુનિયાને હચમચાવી નાખી છે. અફઘાનિસ્તાનની સરકારે તાલિબાન સામે ઘૂંટણિયા ટેકી દીધા. આ મુશ્કેલ સમયમાં દુનિયાભરમાંથી અફઘાનિસ્તાનના લોકો માટે દુઆઓ થઈ રહી છે. અફઘાનિસ્તાન જેવો ખુબસુરત દેશ એક સમયે પર્યટકોથી ભરેલો રહેતો હતો. ત્યાંનું કુદરતી સૌંદર્ય એવું જબરદસ્ત છે કે અનેક બોલીવુડ ડાયરેક્ટર્સે પણ અફઘાનિસ્તાનની ધરતી પર ફિલ્મ શૂટ કરવાનું જોખમ ઉઠાવ્યું હતું.

અફઘાનિસ્તાનમાં શૂટ થયેલી ફિલ્મોની વાત કરીએ તો ફિરોઝ ખાનની ફિલ્મ ‘ધર્માત્મા’ ચોક્કસ યાદ આવશે. જેમાં એક્ટ્રેસ હેમા માલિનીએ એક અફઘાન યુવતી રેશમાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ બાદ હેમા માલિની અફઘાનિસ્તાનમાં ખૂબ પોપ્યુલર થઈ ગઈ હતી. આ ફિલ્મનું ઘણું શૂટિંગ અફઘાનિસ્તાનમાં થયું હતું.

કાબુલમાં 10 અઠવાડિયા હાઉસફુલ રહી હતી ‘ખુદા ગવાહ’
અમિતાભ બચ્ચન સ્ટાર 1992માં આવેલી ફિલ્મ ‘ખુદા ગવાહ’નું મોટાભાગનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં થયું હતું. જેથી અમિતાભ બચ્ચન અને શ્રીદેવી અફઘાનિસ્તાનમાં ખૂબ પોપ્યુલર થયા હતા. અફઘાનિસ્તાનના કાબુલમાં થિયેટર્સમાં ‘ખુદા ગવાહ’ 10 અઠવાડિયા સુધી હાઉસફુલ રહી હતી.

એજન્ટ વિનોદ
સૈફ અલી ખાન અને કરીના કપૂરની ફિલ્મ એજન્ટ વિનોદના શરૂઆતના દ્રશ્યો અફઘાનિસ્તાનમાં શૂટ થયા છે. શ્રીરામ રાઘવનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અનેક દ્રશ્યો દસ્ત એ મર્ગોમાં ફિલ્માવવામાં આવ્યા હતા. રેતના ટીલાથી ભરેલા આ ખુબસુરત નજારાને દર્શકોએ ખુબ પસંદ કર્યા હતા.

તોરબાજ
નિર્દેશક ગિરિશ મલિકની ફિલ્મ તોરબાજ ગત વર્ષ રિલીઝ થઈ હતી. સંજય દત્ત, નરગિસ ફખરી, રાહુલ દેવ જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા. ફિલ્મની કહાની અફઘાનિસ્તાનના ચાઈલ્ડ સ્યૂસાઈડ બોમ્બર્સ પર બની છે. તેનું શુટિંગ પણ અફઘાનિસ્તાનમાં થયું હતું.

જાનશીન
ફરદીન ખાન અને સેલેના જેટલીની થ્રિલર ફિલ્મ જાનશીનનું શુટિંગ પણ અફઘાનિસ્તાનમાં થયું હતું. એકવાર અફઘાનિસ્તાનમાં ફિલ્મ બનાવ્યા બાદ એક્ટર ડાયરેક્ટર ફિરોઝ ખાને ફરીથી આ જોખમ લીધુ હતું. જે સમયે આ ફિલ્મ બની તે વખતે અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચે જંગનો માહોલ હતો. આટલા મોટા જોખમ છતાં ફિરોઝ ખાને અફઘાનિસ્તાનમાં પોતાની ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો હતો. વાત બની ગઈ અને ફિરોઝ ખાને કેટલાક દ્રશ્યો ત્યાં ફિલ્માવ્યા.

અફઘાનિસ્તાનમાં શૂટ થયેલી છેલ્લી ફિલ્મ ‘કાબુલ એક્સપ્રેસ’
બોલિવૂડ ડિરેક્ટર કબીર ખાને 2006માં ફિલ્મ ‘કાબુલ એક્સપ્રેસ’ બનાવી હતી. જેમાં જૉન અબ્રાહમ અને અરશદ વારસી પત્રકારના રોલમાં જોવા મળ્યા હતા. ‘કાબુલ એક્સપ્રેસ’ ફિલ્મનું શૂટિંગ અફઘાનિસ્તાનના કાબુલના ગ્રીન પેલેસ, બાલા હિસાર ફોર્ટ, દારૂલ અમાન પેલેસ અને પંજશીર વેલીમાં થયું હતું. આ ફિલ્મ બાદ કોઈ પણ ફિલ્મનું અફઘાનિસ્તાનમાં શૂટિંગ થયું નથી.

 105 ,  3