ખુશ્બુ ગુજરાત કીઃ હવે ફિલ્મોમાં પણ વધી રહી છે ગુજરાતની બોલબાલા

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 119 ફિલ્મોનું થયું શુટિંગ

એક સમય હતો જ્યારે કોઇ બોલીવૂડ ફિલ્મમાં ગુજરાતનું માત્ર નાનકડું દ્રશ્ય આવી જાય તો પણ દરેક ગુજરાતી ગર્વ લેતો હતો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ રહી છે અને હવે માત્ર બોલીવૂડ જ નહી હોલીવૂડ ફિલ્મોના શુટિંગ પણ ગુજરાતમાં થઇ રહ્યાં છે. ગુજરાતની પૃષ્ઠીભૂમિ પર ફિલ્મો બની રહી છે. ગુજરાતી કલાકારો પણ બોલીવૂડ, ટેલિવૂડ સહિતની જગ્યાએ પોતાનો દબદબો બનાવી રહ્યાં છે. ફિલ્મોના શુટિંગ માટે ગુજરાત હવે કશ્મીર, પંજાબનું સ્થાન લઇ રહ્યું છે.

ફિલ્મોના શુટિંગ માટે ગુજરાત પસંદગીનું સ્થળ બની રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નવી ફિલ્મ પોલિસી બાદ રાજ્યમાં ફિલ્મોના શુટિંગનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે છેલ્લા 2 વર્ષમાં 119 ફિલ્મોનું શુટિંગ ગુજરાતમાં થયું છે. માત્ર હિન્દી જ નહી તેલુગુ અને હોલીવૂડની ફિલ્મોના શુટિંગ પણ ગુજરાતમાં થઇ રહ્યાં છે. ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગના વ્યાપને કારણે ફિલ્મોના શુટિંગ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે. ગુજરાતમાં અનેકતામાં વિવિધતા જોવા મળે છે.

ગુજરાતની વિવિધતા પ્રવાસન અને ફિલ્મી ઉદ્યોગને આકર્ષવવામાં મહ્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ગુજરાતમાં રણ પ્રદેશ છે, વિશ્વના મોટા અને આકર્ષિત જંગલો છે, સપાટ મેદાનો છે, લાંબો દરિયા કિનારો છે, નદીઓ, ડેમ, નહેરો વગેરેના કારણે ફિલ્મો માટે એક પરફેક્ટ આકર્ષિત લોકેશન બની ગયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કારણે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતમાં આવી રહ્યાં છે. જેઓ ગુજરાતની સુંદરતાનો વિશ્વભરમાં પ્રચાર પ્રસાર કરે છે. જેથી હવે ગુજરાત વિદેશી પ્રવાસીઓ, ફિલ્મ બનાવતા લોકો માટે પસંદગીનું સ્થળ બન્યું છે.

ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ઉદ્યોગને પ્રસારવા માટે ‘ખુશ્બુ ગુજરાત કી’ જાહેરાતને કારણે ગુજરાત સમગ્ર વિશ્વની નજરમાં આવ્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સુઝબૂઝના કારણે આ જાહેરાતમાં અમિતાભ બચ્ચનને કાસ્ટ કરવામાં આવ્યા. અમિતાભ બચ્ચને પોતાની આગવી છટામાં ગુજરાતને એ મુકામ પર પહોંચાડી દીધું છે કે, જ્યાં વિશ્વભરના પ્રવાસીઓ માટે ગુજરાતના દ્વારા ખુલી ગયા છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 119 ફિલ્મોનું શુટિંગ થયું છે. વર્ષ 2019-20માં 23 ફિલ્મોનું શુટિંગ જ્યારે 2020-21માં 96 ફિલ્મોનું શુટિંગ ગુજરાતમાં થયું છે.

રાજ્ય સરકાર દ્વારા નવી ફિલ્મ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વધુ પ્રમાણમાં ગુજરાતી ફિલ્મો બને તે માટે રાજ્ય સરકારે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. ફિલ્મના પ્રમાણમાં 5 લાખથી 50 લાખ રૂપિયા સહાય આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ, કલાકારોને પણ મદદરૂપ થવા માટે વિવિધ કેટેગરીમાં એવોર્ડ અને પ્રોત્સાહન ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જો કોઇ ફિલ્મ નેશનલ કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં એવોર્ડ મેળવે તો તેને અલગથી 5 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે થિયેટર માલિકોને પણ પ્રોત્સાહન આપવા માટેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

 362 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી