સુરતમાં વેપારીના પુત્રનું અપહરણ કરી રૂ. 3 કરોડની ખંડણી માંગનાર ચારની ધરપકડ

ઉમરા પોલીસની પ્રશંસનીય કામગીરી, ગણતરીની કલાકોમાં અપહરણકર્તાને ઝડપ્યા

સુરતમાં જીમ જવા નિકળેલા વેપારીના પુત્રનું અપહરણ કરી રૂ. 3 કરોડની ખંડણી માંગનાર ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના ઘોડદોડ રોડના કરીમાબાદ ખાતે રહેતા ખોજા સમાજના વેપારી અનવર દૂધવાલાના પુત્ર કૌમીલ દૂધવાલા (ઉ.વ.32)નું અપહરણ કરવામાં આવ્યા બાદ ગત રોજ મોડી સાંજે છૂટકારો થયો હતો. અપહરણકર્તાઓએ 3 કરોડની ખંડણી પણ માંગી હતી. અપહરણમાં સંકળાયેલા ચાર ઈસમોને બે રિવોલ્વર સાથે ભરૂચ ટોલનાકા પાસેથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

યુવક ઘરથી જીમ જવા માટે બાઈક પર નીકળ્યો હતો. તે દરમિયાન ઘરથી સાત મીટર દૂરના અંતરેથી રસ્તામાં આંતરીને બાઈકને સાઈડમાં કરીને અપહરણકારો ફોર વ્હિલર કારમાં અપહરણ કરી ગયા હતાં. અપહરણ સ્થળેથી યુવકનું બાઈક અને બૂટ પણ મળી આવ્યાં હતાં. ખોજા સમાજના વેપારી અને બેગના હોલસેલરના પુત્રના અપહરણને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવાની સાથે પરિવારની પણ પૂછપરછ હાથ ધરી હતી.

એકાદ કલાક પછી અપહરણકર્તાઓએ વેપારીના પુત્રના મોબાઇલથી તેના પિતાને કોલ કરી 3 કરોડની ખંડણી માંગી હતી. અપહરણકર્તાઓએ સવારે 8.30 વાગ્યેથી કોલ કરવાના શરૂ કર્યા અને લગભગ ખંડણીના 7 થી 8 કોલ કર્યા હતા. ખંડણીમાં 3 કરોડની માંગણી કરી પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. જો કે અપહરણકર્તાઓ બપોરે 04.30 બાદ કૌમીલને કામરેજ છોડી નાસી ગયા હતાં. છૂટકારા બાદ કૌમીલે વરાછા આવી રિક્ષા ચાલકના મોબાઇલમાંથી પરિવારજનોને જાણ કરી હતી.

અપહરણકર્તાઓ હિંદીમાં વાત કરતા હતા. શરૂઆતમાં 3 કરોડની ખંડણી માંગી પછી પરિવારે આટલી મોટી રકમ ન હોવાની વાત કરી તો પછી 2 કરોડ પર આવ્યા છેવટે 1 કરોડ ખંડણી માંગી હતી. વેપારીના પુત્રને અપહરણકર્તાઓએ કારમાં સુરત જિલ્લાના ગામડાઓમાં કીમ, માંડવી, કઠોર, તડકેશ્વર જેવા વિસ્તારોમાં ફેરવતા રહ્યા હતા. અપહરણ કર્તાઓ પાસે હથિયાર હોવાને કારણે વેપારીનો પુત્ર ડરી ગયો હોય જેના કારણે તે કંઈ બોલી શકતો ન હતો.

મહત્વની વાત એ છે કે, આ અપહરણના સીસીટીવી ફૂટેજ પોલીસને મળી આવ્યા હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે.

 44 ,  1