દિલ્હીથી અપહરણ, અમદાવાદમાં બચાવ, છેવટે પરિવાર સાથે મિલન

વસ્ત્રાપુર પોલીસે જ્યારે એક કિશોરની જીંદગી બચાવી…

અમદાવાદ પોલીસે દિલ્હીથી અપહરણ કરાયેલા એક કિશોરને બચાવીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કિશોરની કેફિયતના આધારે અપહરણકારોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

પરીક્ષા આપીને ઘરે જઈ રહેલા છોકરાનું દિલ્હીમાંથી ચાર યુવકોએ અપહરણ કર્યું હતું અને અમદાવાદમાં લઈ આવ્યા હતા. પરંતુ છોકરાએ કિડનેપર્સની નજર ચૂકવીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન તે સાલ હોસ્પિટલ પાસે ડરેલી હાલતમાં ફરતો હતો ત્યારે વસ્ત્રાપુરની SHE ટીમે તેને અટકાવીને પૂછપરછ કરતા તે પોતે દિલ્હીનો અને તેનું અપહરણ થયું હોવાનો ખુલાસો થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વસ્ત્રાપુર પોલીસની શી ટીમે સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો અને છોકરાની તેના માતા-પિતા સાથે ટેલિફોનિક વાત કરાવી હતી. તપાસ કરતા સામે આવ્યું કે, છોકરાની અપહરણની ફરિયાદ દિલ્હીના મોડલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોવાથી દિલ્હી પોલીસ અને છોકરાના માતા-પિતા અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે. આ દરમિયાન શી ટીમે કરેલી કામગીરી અંગે માહિતી રવિન્દ્ર પટેલે જણાવ્યું કે, વસ્ત્રાપુર પોલીસની શી ટીમના પીએસઆઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે સાલ હોસ્પિટલ પાસે એક છોકરો ડરેલી હાલતમાં ફરતો જોવા મળ્યો હતો.

ત્યારે પીએસઆઈ પી એસ રાવલે તેને અટકાવીને પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તે દિલ્હીનો રહેવાસી છે અને ગુરુ તેજબહાદુર સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે શાળામાં પરીક્ષા આપીને ઘરે જતો હતો ત્યારે ચાર યુવકોએ તેનું અપહરણ કર્યું હતું અને તેને ટ્રેનમાં અમદાવાદ લઈ આવ્યા હતા. ત્યારબાદ અમદાવામાં તેને અજાણી જગ્યાએ રાખ્યો હતો પરંતુ તક મળતા જ તે તેમની નજર ચૂકવીને ફરાર થ ગયો હતો. છોકરાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લાવ્યા બાદ તેના માતા પિતા સાથે ફોન પર વાત કરાવતા જાણ થઈ કે, દિલ્હીનાં પણ છોકરાના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે.

રવિન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદ પોલીસે તરત જ મોડલ ટાઉન પોલીસ મથકનો સંપર્ક કરીને છોકરો અમદાવાદમાં સલામત હોવાની જાણ કરી હતી. જેથી તેના માતા-પિતા અને દિલ્હી પોલીસ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે. આમ વસ્ત્રાપુર પોલીસની શી ટીમની તકેદારીથી દિલ્હીમાં અપહરણ કરાયેલા છોકરાનું માતા-પિતા સાથે મિલન શક્ય બનશે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી