પરીક્ષા આપવા ગયેલ વિદ્યાર્થીને અપહરણ બાદ મરાયો ઢોર માર, મેવાણીએ ટ્વીટ કરી ઘટનાને વખોડી

મહેસાણાના ધિણોજની એન.એચ.સાર્વજનિક સ્કૂલમાં ધોરણ-12નું અગ્રેજીનું પેપર આપવા ગયેલા મહેસાણાના વિદ્યાર્થીનું શાળા સંકુલમાંથી બે શખ્સો દ્વારા બાઇક પર અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ ખેતરમાં ઝાડ સાથે બાંધી ધોકાથી અસહ્ય માર મારવાની ઘટનાથી ચકચાર જોવા મળી છે . આ અંગે શરીર પર પડેલા મારના નિશાન જોઇ તેની માતાએ વિદ્યાર્થીને પૂછતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

વિદ્યાર્થીને મહેસાણા સિવિલમાં સારવાર માટે દાખલ કરી ચાણસ્મા પોલીસે તેનું નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરીને ઘટનાને વખોડી છે.તેણે કહ્યું કે ચોકીદાર ઉંધી ગયો છે.

સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર મહેસાણામાં સોમનાથ રોડ સ્થિત પંડિત દિનદયાળ નગર (ગુજરાત હાઉસિંગ બોર્ડ)માં રહેતો મિત નરેશભાઇ ચાવડા લણવા હાઇસ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરે છે. બોર્ડની પરીક્ષામાં તેનો ધિણોજ એન.એચ. સાર્વજનિક સ્કૂલમાં નંબર આવેલો હોઇ સોમવારે બપોરે 12-15 વાગ્યે ગણિતનું પેપર આપવા ઘરેથી નીકળ્યો હતો.

શાળા પ્રવેશ પહેલાં લાઇનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓનું ચેકિંગ ચાલતું હતું, તે સમયે એક યુવાન તેની પાસે આવી આમ આવ તારું કામ છે તેમ કહી શાળાના ઝાંપા સુધી લઇ ગયો હતો

ત્યાં અહીં અગાઉથી ઉભેલા તેના અન્ય એક સાગરિત સાથે મળી તેનું બળજબરી પૂર્વક બાઇક પર અપહરણ કરી લઇ ગયા હતા. નોંધનીય છે કે ધિણોજથી ગોરાદ વચ્ચેના એક ખેતરમાં લઇ જઇ તેને ઝાડ સાથે દોરડાથી બાંધી ધોકા વડે અસહ્ય માર માર્યો હતો. અને અજાણ્યા બે શખ્સોએ બીજા બે પેપર આપવા આવ્યો તો તને અને તારા મા-બાપને મારી નાખીશું તેવી ધમકી આપી તેને રોડ પર દોડાવી- દોડાવીને માર્યો હતો.

ત્યારબાદ અપહરણકારોથી માંડ બચીને નેળિયાના માર્ગે મહેસાણા ઘરે પહોંચેલા મિતે ભયભીત હાલતમાં પરિવારને ઘટનાની જાણ કરવાનું ટાળ્યું હતું. પરંતુ, બુધવારે ન્હાઇને બહાર આવતાં તેની પીઠ, હાથ અને પગની જાંઘો પર પડેલા મારના નિશાન જોઇ તેની માતા ચીસ પાડી ઉઠી હતી અને પૂછપરછમાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. ગંભીર હાલતમાં સિવિલમાં લવાયેલા વિદ્યાર્થીનું ચાણસ્મા પોલીસે મોડી સાંજે નિવેદન લઇ બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

તો આ સમગ્ર બાબત અંગે ચાણસ્મા પીએસઆઈએ કહ્યું કે મહેસાણા સિવિલમાં દાખલ મિત ચાવડાનું નિવેદન લીધું છે અને તેને આધારે એટ્રોસીટી, મારામારી સહિતની કલમો મુજબ બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાશે. બે આરોપીઓ પૈકી એકનું નામ રમેશ કંડકટર હોવાનું ખુલ્યું છે. ત્યારે હાલના તબક્કે વિદ્યાર્થી પર હુમલાનું કારણ જાણી શકાયું નથી

 52 ,  3