શ્વાનને રોટલી ખવડાવાના વિવાદમાં આર્મી જવાન સાથે મારા મારી

અમને કૂતરાં કહ્યા કહી યુવકોએ હુમલો કર્યો, નિકોલ પોલીસમાં ફરિયાદ

શહેરના નિકોલ વિસ્તારમાં એક બહેન કૂતરાને રોટલો ખવડાવતાં હતાં. ત્યારે નિવૃત્ત આર્મી જવાને બહેનને કહ્યું કે બીજાં કૂતરાંને પણ રોટલો નાખો. આ સમયે ત્યાં ઊભેલા બે યુવકોને અમને કૂતરા કહ્યા તેવું લાગતાં તેની અદાવત રાખી નિવૃત્ત આર્મી જવાનને માર મારી લોહીલુહાણ કરી દીધા હતા. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ મામલે નિવૃત્ત જવાને ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

દસક્રોઈ ખાતેના ગોકુલ ગેલેક્સીમાં નિવૃત્ત આર્મી જવાન મનોજકુમાર રાજપૂત પરિવાર સાથે રહે છે. મનોજકુમારના ઘર બહાર રોજ એક બહેન મનોજકુમારના બ્લોક પાસે આવી કૂતરાંને રોટલા નાખતાં હોય છે. ત્યારે રોજ બીજા કૂતરાં ભસતાં હોય અને તેનો અવાજ આવતો હોય છે. જેથી ગઈ કાલે પણ કૂતરાં ભસતાંનો અવાજ આવતાં મનોજકુમારે તેમના ઘરમાંથી નીકળીને બહેનને કહ્યું કે બીજાં કૂતરાંને પણ રોટલો નાખો.

મનોજકુમારે આમ કહેતાં તેમની સોસાયટીમાં રહેતા કરશનભાઇ ભુવાજીના ઘરે આવતા બે અજાણ્યા યુવકો ત્યાં ઊભા હતા, જેથી આ બંને યુવકોને એવું લાગ્યું કે અમને કૂતરા કહ્યા છે, જેથી બંને યુવકો ઉશ્કેરાઈ જઈ મનોજકુમારને ગાળો બોલવા લાગ્યા હતા. જોત જોતામાં બંને યુવકોએ મનોજકુમારને માર મારીને ક્યાંકથી લાકડી લઇ આવી તેમના પર હુમલો કરી લોહીલુહાણ કરી દીધા હતા.

જો કે તેમની પુત્રી વચ્ચે પાડતા તે પણ આ મારા મારીમાં ઇજાગ્રસ્ત થઈ હતી. આ દરમિયાન આસપાસના લોકો આવી જતાં બંને યુવકો ભાગી ગયા હતા. મનોજકુમારને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મનોજકુમારે સારવાર દરમિયાન ફરિયાદ નોંધાવતાં પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 59 ,  1