અનૈતિક સબંધમાં ખેલાયો ખૂની ખેલ, જમાઇને મોતને ઘાટ ઉતારી લાશ કુવામાં ફેંકી દીધી

સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધમાં સાસરિયાઓએ જમાઈને પતાવી દીધો!

ત્રણ મહિલા સહિત છ લોકોની ધરપકડ

જામનગરમાં બે દિવસ પહેલા ધરારનગર નજીક કુવામાંથી મળી આવેલ યુવકની લાશનો ભેદ ઉકેલાયો છે. સાળાની પત્ની સાથે અનૈતિક સબંધમાં 6 શખ્સોએ હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. આ મામલે પોલીસે ૩ મહિલા સહિત 6 સામે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

જામનગરના ધરારનગર વિસ્તારમાં એક અવાવરૂ કૂવામાંથી મોડી રાત્રે સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની પોલીસે શરૂ કરેલી પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કરેલી તપાસમાં હત્યા સાસરિયા પક્ષના સભ્યો દ્વારા જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૃતકની પત્ની સાસુ-સસરા સહિતના છ સભ્યોએ જ યુવકનું ઢીમ ઢાળી દઈને મૃતદેહને કૂવામાં નાંખી સળગાવી દીધો હતો. અનૈતિક સંબંધોના કારણે આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

પોલીસે કરેલી તપાસ દરમિયાન મૃતક યુવક લલિત પોતાના સસરા પાલાભાઈ અરજણભાઈ કંટારીયા સાથે સિદ્ધાર્થનગરમાં ઘર જમાઈ તરીકે રહેતો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે પાલાભાઇના ઘરમાં તપાસ શરૂ કરી હતી. પોલીસની ઉંડાણપૂર્વકની તપાસમાં અનૈતિક સંબંધને પગલે લલિતની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ હત્યા બીજા કોઈ નહીં પરંતુ સાસરિયા પક્ષ દ્વારા જ કરવામાં આવી હોવાનું જાણીને પોલીસ પણ ચોંકી હતી.

મળતી માહિતી પ્રમાણે લલિતને તેના સાળા વિપુલની પત્ની ભાનુબેન સાથે અનૈતિક સંબંધ હતા. આ વાતનો ભાંડો ફૂટી જતા સમગ્ર પરિવારે જમાઈનું કાસળ કાઢી નાંખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. પ્લાન મુજબ 18 માર્ચ, 2021ના લલિતની પત્ની વાસંતીબેન ઉપરાંત લલિતના સસરા પાલાભાઈ, સાળો વિપુલ અને અશ્વિન, સાસુ જયાબેન, વિપુલની પત્ની ભાનુબેન સહિતના 6 સભ્યોએ સાથે મળીને ગળેટૂંપો દઈને લલિતને ઘરમાં જ પતાવી દીધો હતો. જે બાદમાં પુરાવાનો નાશ કરવાના હેતુથી મૃતદેહને ધરારનગર વિસ્તારમાં આવેલા અવાવરૂ કૂવામાં જઈને ફેંકી દીધો હતો.

કોઈને ખબર પડી ન જાય તે માટે મૃતદેહ ઉપર ડીઝલ રેડીને દીવાસળી ચાંપીને લાશને સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે, આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. સિટી બી ડિવિઝન પોલીસે સતત ત્રણ દિવસની ઊંડાણપૂર્વકની તપાસ પછી મૃતદેહની ઓળખ કરી હત્યાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે. મૃતક લલિતના ભાઈ સંજય રામજીભાઈ સોંદરવાએ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈની પત્ની, સાસુ-સસરા, બે સાળા સહિત છ શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ગુનો નોંધ્યો છે. પોલીસેના કહેવા પ્રમાણે બહુ ઝડપથી તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.

 46 ,  1