September 23, 2021
September 23, 2021

ગોમતીપુરમાં યુવતીને બેભાન કરી લૂંટ ચલાવનાર કિન્નરની ધરપકડ

આશીર્વાદ આપવાનું કહી કિન્નર 67 હજારનો હાથ ફેરો કરી ગયો હતો

શહેરના ગોમતીપુર વિસ્તારમાં આશીર્વાદ આપવાનું કહી 67 હજારનો હાથ ફેરો કરી ગયેલા કિન્નરની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. ઘરમાં એકલી યુવતીને કિન્નરે બેભાન કરી 67 હજાર રૂપિયા ચોરીને ફરાર થઈ ગયો હતો. યુવતીને જ્યારે ભાન આવ્યું તો પોતે છેતરાઈ હોવાનું ધ્યાને આવતા ગોમતીપુર પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ કિન્નરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.

ગોમતીપુરમાં રહેતી 26 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ગત 3 સપ્ટેમ્બરની સાંજે તેના દીકરા સાથે ઘરમાં એકલી જ હતી. એ સમયે કોઈએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. યુવતીએ જોયુ તો તેના ઘર પાસે એક કિન્નર બક્ષિસ લેવા માટે આવ્યો હતો. યુવતીએ કિન્નરને ઘરમાં આવવાનું કહેતા તે અંદર આવ્યો હતો. બાદમાં કિન્નરે બાળકનો જન્મ થવા બાદ યુવતી પાસે બક્ષિસમાં પાંચ હજાર રૂપિયા માગ્યા હતા.

યુવતીએ કિન્નરને જણાવ્યું કે, તમારી પહેલાં પણ એક માસીબા આવ્યા હતા અને તેઓએ પણ રૂપિયા માગ્યા હતા. એટલે મેં તેને 500 રૂપિયા આપ્યા હતા. તો કિન્નરે યુવતીને જણાવ્યું કે, પહેલાં જે માસીબા આવ્યા હતા તે નકલી હતા, હું જ અસલી છું. આ વિસ્તારમાં હું જ ફરૂ છું. બાદમાં કિન્નરે ધમકી આપી ડરાવવાનું શરૂ કર્યુ. તેણે યુવતીને કહ્યું કે જો તે રૂપિયા નહીં આપે તો તે પોતાની સાડી ફાડી નાખશે અને એને દીકરાને આશીર્વાદ પણ નહીં આપે.

આ વાત સાંભળીને યુવતી ગભરાઈ ગઈ અને પોતાની સાસુને ફોન કરીને ઘરે બોલાવ્યા. એ સમયે કિન્નરે યુવતીના માથા પર હાથ મુકીને બેભાન કરી નાખી હતી. જ્યારે યુવતીને ભાન આવ્યું તો તે કિન્નર ઘરમાં હતો નહીં. જ્યારે યુવતીના સાસુ અને પતિ ઘરમાં આવ્યા તો જોયુ તો તિજોરી ખુલ્લી હતી અને તેમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ગાયબ હતી. કિન્નરે કુલ રૂપિયા 67 હજારની લૂંટ ચલાવી હતી.

આ ઘટના બનતા ગોમતીપુર પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં કિન્નરની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ કિન્નર દ્વારા અગાઉ કોઈ આ પ્રકારના ગુનાને અંજામ આપવામાં આવ્યો કે કે કેમ?

 29 ,  1