કિસાન આંદોલન- હમ તો જાતે અપને ગાંવ સબ કો રામ રામ..

ટીવી મિડિયાની પણ કસોટી થઇ આ આંદોલનમાં..

3 કાયદા-379 દિવસ-700 મોત…એક હત્યા..

કિસાન આંદોલન પર વિવિધ અભ્યાસ પણ થશે..

રાજકીય અસરો અંગે ચૂંટણીના પરિણામો કહેશે

હાઇવે પર ફરી ટ્રેક્ટરોની લાઇનો પણ ઘર તરફ…

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

દેશની રાજધાની દિલ્હીની બોર્ડર પરથી ડેરાતંબુ પૂરેપૂરા લઇ લીધા બાદ જે જગ્યા ખુલ્લી થશે તે જોઇને ઘણાંને નવાઇ લાગશે કે ઓહોહો..આટલી બધી જગ્યામાં કિસાન આંદોલન ફેલાયેલુ હતું…..જાણે એક મીની ટાઉનની જેમ કિસાનોએ દિલ્હીની બહાર ગાઝીપુર બોર્ડર, સિંઘુ બોર્ડર અને ટીકરી બોર્ડર પર કામચલાઉ વસવાટ કર્યો હતો. જે હવે ખાલી ખમ થઇ ગયો…પંજાબ-હરિયાણાના કિસાનો વિજયોત્સવ સાથે વાજતે ગાજતે હસતા હસતા રમતા રમતા અને બાજે-વાજે કે સાથ પોતાના ઘરે જવા રવાના થયા ત્યારે દિલ્હી સીમાઓ પર ફરી એકવાર ટ્રેકટરોની લાંબી લાઇનો સ્થાનિક લોકોને જોવા મળી…

ટ્રેકટરોની આવી લાઇનો, સ્થાનિક લોકોએ અને ટીવી સહિતના માધ્યમો દ્વારા દેશ આખાએ ગયા વર્ષે 26 , નવેમ્બર બાદ રોજે રોજ દિલ્હી બહાર અને દિલ્હી તરફ આવતી જોઇ હતી અને 379 દિવસ બાદ હવે ટ્રેક્ટરોનું સ્ટીયરીંગ ફરી ગયુ, એ ટ્રેક્ટરો દિલ્હીથી હમ તો ચલે અપને ગાંવ..ની જેમ ઘર તરફ જઇ રહ્યાં છે. ગયા વર્ષે 26 નવે.ના રોજ બંધારણ દિવસથી કિસાનોએ ત્રણ કૃષિ કાયદા સામે આંદોલન શરૂ કર્યુ ત્યારે કોઇએ વિચાર્યુ પણ નહોતુ કે આ આંદોલન એક વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલશે..!

15 નવે.2021ના રોજ દેવદિવાળીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 3 કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી અને તે સાથે કિસાન આંદોલન સમાપ્તની શરૂઆત થઇ. છેવટે એમએસપી અને અન્ય માંગણીઓ અંગે લેખિત ખાતરી મળી અને કિસાન ચલે ઘર કી ઓર…ખેત ખલિયાન કી ઓર…અપને ગાવ કી ઓર..અપને શહર કી ઓર…

દિલ્હી બોર્ડરના કિસાન આંદોલનને દેશના આંદોલનોમાં સૌથી લાંબા આંદોલન તરીકે માનવામાં આવી રહ્યુ છે. તેને શું શું મુશ્કેલી પડી તે કરતાં તેમની મુખ્ય માંગણી સંતોષાઇ ગયા બાદ યુપી-પંજાબ અને હરિયાણાની ચૂંટણીઓમાં તેની શું રાજકિય અસરો પડશે તેનું રાજકિય અવલોકન-મૂલ્યાંકન..અને લેખા-જોખાં શરૂ થયા છે. રાજકિય પક્ષોએ પણ તેનો અભ્યાસ મતવિસ્તાર પ્રમાણે હાથ ધર્યો હશે. વિશેષ કરીને યુપીની ચૂંટણીમાં કિસાન આંદોલનની નકારાત્મક અસરોને દૂર કરી ફરી દમદાર સરકાર બનાવવા ભાજપે ડેમેજ કન્ટ્રોલ કવાયત ધૂમધડાકા સાથે અમલમાં હાથ ધરી છે..

કિસાન આંદોલનમાં 700 કિસાનો પૈકી કોઇ આંદોલનના સ્થળે, કોઇ ઘરે જતા આવતા કે આપઘાત કરીને તો કોઇ અન્ય રીતે. 700ને બાદ કરતાં બાકીના તમામ કિસાન પરિવારોમાં ખુશહાલી હશે. કિસાન આંદોલનથી વિરોધ પક્ષો પણ ગેલમાં આવી ગયા હતા. અને તેમાંથી રાજકિય લાભ કઇ રીતે મળે તેની કદાજ ગણતરીઓ પણ મૂકાઇ હશે. પણ કિસાન આંદોલનના નેતાઓએ કોઇને પણ તેનો લાભ લેવા દીધો નથી. અને નેતાઓને મંચથી દૂર જ રાખ્યા.

કોઇ વળી સિક્કાની બીજી બાજુની જેમ એમ પણ વિચારે કે વડાપ્રધાને માફી માંગીને ત્રણ કાયદા પરત ખેંચીને આંદોલનકારી વધુ કિસાનોને મરતા બચાવ્યા તે બદલ પણ કિસાન નેતાઓએ તેમનો આભાર ના માનવો જોઇએ..?! જો આંદોલન હજુ 6 મહિના વધુ ચાલ્યુ હોત અને કિસાન નેતાઓ તો 2024 સુધી ચલાવવાના રાજકિય મૂડમાં હતા અને હજુ આંદોલન ચાલ્યુ હોત તો હજુ વધુ નિર્દોષ કિસાનો ભોગ બન્યા હોત. પણ મોદીજીએ ત્રણ કાયદા પરત ખેંચીને કિસાનો રાજી થઇને હસતા મોઢે ઘરે પરત જાય તેવી રાજ્યપાલ સત્યપાલ મલિકની વાત પણ કદાજ ધ્યાનમાં રાખી હશે. કેમ કે ભાજપના આ આખાબોલા નેતાએ કેન્દ્ર સરકારને વારંવાર હાથ જોડીને વિનતીઓ કરી હતી કે કિસાનોને મહેરબાની કરીને ખાલી હાથે પાછા ન મોકલશો અને મોદીજીએ એવુ જ કર્યુ અને કિસાનોને ખાલી હાથે પરત મોકલ્યા નથી.

સામાજિક સંશોધનો અને આંદોલનોના અભ્યાસ કરનારાઓ માટે દિલ્હી કિસાન આંદોલન તેમના અભ્યાસનો એક વિષય પણ બની શકે કે વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ કિસાનો ધરણાંના સ્થળોએ પોતાના લક્ષ સાથે ડટે રહે…ખેતરોથી દૂર હાઇવે પર સેંકડો કિસાનો માટે રહેવાની વ્યવસ્થા વીજળી-પાણી-લંગર,રાતવાસો-દિનચર્યા-ઠંડી-વરસાદ-ગરમી અને દુનિયાભરની મુશીબતો સહન કરીને કઇ રીતે ધાર્યુ મેળવ્યુ…!

કિસાન આંદોલન અને મિડિયા ખાસ કરીને ટીવી મિડિયા એ વિષય ઉપર પણ પત્રકારત્વની રીતે કોઇ વળી અભ્યાસ કરે કે કેટલાક ટીવી મિડિયાએ કિસાન આંદોલનને કઇ રીતે નકારાત્મક ચિતરવામાં શું શું કર્યુ અને ટીવી ડિબેટમાં કેવી કેટલાક એન્કરોની કેવી દલીલો થઇ..

અને છેવટે એક સમય એવો આવ્યો કે મુખ્ય ટીવી મિડિયાએ કિસાન આંદોલનને કવરેજ આપવાનું બંધ કર્યુ કે ઓછુ કર્યુ ત્યારે કેટલા યુટ્યુબર પત્રકારોએ રોજે રોજનું ધરણાંના સ્થળનું કવરેજ કરીને આંદોલનની રસપ્રદ માહિતી મહિનાઓ સુધી લોકોને આપી. આંદોલનની “સામે” પડેલા કેટલાક ટીવી મિડિયા અંગે આંદોલનકારી કિસાનો કેવી છાપ લઇને ધરણાંના સ્થળેથી ગયા હશે..?!

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી