કર્ણાટક: કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારનું પતન, વે ભાજપ પાસે સરકાર બનાવવાનો મોકો

કર્ણાટકના નાટકનો છેવટે અંત આવ્યો છે. બહુમત સાબિત ન કરી શકતા કુમારસ્વામી સરકાર પડી ગઇ છે. વિશ્વાસ મત માટે આજે સાંજની ડેડલાઇન સ્પીકર રમેશ કુમારે આપી હતી. કુમારસ્વામીએ વોટીંગ પહેલા ભાષણ આપી રાજીનામું આપવાની વાત કરી હતી. ત્યારબાદ વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિપક્ષમાં 105 વોટ પડ્યા હતા. જ્યારે સરકારના સમર્થનમાં 99 વોટ પડ્યા હતા.

કુમારસ્વામી સરકારનું પતન થયા પછી બીજેપીના ધારાસભ્યોને યેદીયુરપ્પાને અભિનંદન પાઠવ્યા હતા. 14 મહિનામાં જ કોંગ્રેસ અને જેડીએસની સરકાર પડી ગઈ છે. વિશ્વાસ મત દરમિયાન 204 સભ્યો હાજર રહ્યા હતા. કર્ણાટક વિધાનસભાની બહાર મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. કોઈ અણગમતી ઘટનાને કારણે પોલીસ સચેત છે.

કર્ણાટક વિધાનસભામાં હવે ભારતીય જનતા પાર્ટી બહુમતમાં આવી ગઈ છે. ભાજપની પાસે 105 સભ્યો છે. વિધાનસભામાં વિશ્વાસ મતનું સ્પીકર દ્વારા પરિણામ જાહેર કરાયા પછી ભાજપના સભ્યો ખુશ થઈ ગયા હતા. ભાજપના ધારાસભ્યો તેમના નેતા બી.એસ. યેદીયુરપ્પા પાસે દોડી આવ્યા હતા અને બધા સભ્યોએ વિક્ટરીની સાઈન દર્શાવી હતી.

ગૃહમાં જ્યારે ચર્ચા શરૂ થઈ તો સત્તા પક્ષ (ટ્રેઝરી બેંચ)માં મોટા ભાગે ધારાસભ્યો ગેરહાજર હતા. આ અંગે સ્પીકર રમેશ કુમારે નારાજગી વ્યક્ત કરી. તેઓએ પૂછ્યું કે ગઠબંધન સરકારના ધારાસભ્યો ક્યાં છે? આ પહેલાં રાજીનામું આપનારા બળવાખોર ધારાસભ્યોએ સ્પીકરને એક પત્ર લખ્યો જેમાં તેઓએ માગ કરી કે તેમને મુલાકાત માટે 4 સપ્તાહનો સમય આપવામાં આવે.

વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સીએમ કુમારસ્વામીએ કહ્યું હતું કે મેં ખેડૂતોને દગો આપ્યો નથી. બજેટ દરમિયાન સિદ્ધારમૈયા સરકારે જે પણ જાહેરાત કરી હતી તેમાંથી કોઈ ફંડમાં કાપ કર્યો નથી. અમે ખેડૂતોના દેવા માફી વિશે વાયદો કર્યો હતો અને તે પ્રમાણે રાષ્ટ્રીયકૃત બેન્કો સાથે બેઠક કરી હતી. ફંડને પણ મંજૂરી આપી હતી.

ફ્લોર ટેસ્ટ બાદ યેદીયુરપ્પાએ કહ્યું, ”આ લોકતંત્રની જીત છે. કુમારસ્વામી સરકારથી લોકો ત્રાસી ગયા હતા. હું કર્ણાટકની જનતાને આશ્વસ્થ કરું છું કે હવે વિકાસના નવા યુગનો પ્રારંભ થશે. ”

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી