કાળઝાળ ગરમી વચ્ચે આનંદના સમાચાર, આ તારીખે થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી!

દેશમાં કેરળ સહિત અનેક રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 13 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે. શનિવારથી પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. રાજ્યના નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે 12થી 13 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. જોકે, અરબી સમુદ્રમાં ઉભું થયેલું લો પ્રેશર વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે છે, જેના કારણે હવામાન વિભાગ આખી સિસ્ટમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. સાથે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થશે તો ગુજરાતમાં ચોમાસું વધારે પાછળ ધકેલાય શકે છે.

કાળઝાળ ગરમી બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેથી સ્થાનિક લોકોમાં ગરમીથી રાહતની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં બે દિવસ બાદ ગરમીમાં રાહત થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ સાથે જ ચોમાસાનું પણ આગમન થશે.

રાજ્યમાં સુરેન્દ્રનગરમાં સૌથી ઊંચું તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું હતું. ત્યાર બાદ રાજકોટ અને ગાંધીનગરમાં 44.6 ડિગ્રી, જ્યારે અમદાવાદનું તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના ચારેય ખૂણામાં ગરમીએ કહેર વરસાવ્યો હતો.

આ વર્ષે ગરમીનો પારો વધારે હોવાના કારણે ગુજરાતમાં પાક અને પાણી જેવી સમસ્યાઓથી લોકો પીડાયા છે. હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું કે, આ વખતે ચોમાસું સારું અને લાંબુ રહેવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતીઓ ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

 15 ,  1