યોગીરાજમાં ફરી યુપી સર કરવું ભાજપ માટે..

ગુજરાતમાં રાજકિય પ્રયોગ સફળ થયો-44માંથી 41…

યુપીમાં ગુજરાત પ્રયોગ અમલી થશે તો જ 403માંથી 375..

વડાપ્રધાન યુપી જિતવા વ્યૂહરચના બનાવે છે અને મંત્રીપુત્ર…?

પ્રિયંકાએ હાથમા સાવરણી લઇને સંદેશો આપ્યો..

કિસાનો કો રૌંદનેવાલી.. ઘટના અને ડેમેજ કન્ટ્રોલ

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ગુજરાત ભાજપમાં નવરાત્રિના બે દિવસ પહેલાં દિવાળી ઉત્સવ ઉજવાયો. જ્યાં આખી સરકાર બેસે છે તે ગાંધીનગર શહેરની મહાનગરપાલિકામાં મતદારોએ પંજાનો એકડો જ કાઢી નાંખ્યો. 44માંથી 41 બેઠકો દન દનાદન…લક્ષ્મીવર્ષા થાય તેમ ભાજપને મળી, પંજાવાળી પાર્ટીને ગણીને 2 અને એક હજાર કિ.મી. દૂરની ઝાડુવાળી પાર્ટીને સમ ખાવા પૂરતી એક જ બેઠક મળી છે. સુરત મનપામાં એક સાથે 27 બેઠકો મળી અને ગાંધીનગરમાં એક જ બેઠક મળવાનનો મતલબ કે પાટનગરના મતદારો ઇચ્છે કે વીર સાવરણીવાળો પાટનગરથી દૂર રહે અને સાથે સાથે પંજાને પણ કહી દીધુ કે પહેલા વિધાનસભા જીતો પછી પાટનગરની મનપામાં ડંકો વગાડો…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પંજાનો ડંકો વાગે કે ના વાગે પણ દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં જે ઘટનાઓ બની અને હમણાં જ કિસાનો પર થાર જીપ ચઢાવી દઇને 4 કિસાનોને કચડી નાંખવાની અને તેના પ્રત્યાઘાતમાં ભાજપના 4 કાર્યકરોની, હાથમાં જે આવ્યું તેનાથી તેમની ઘાતકી હત્યા કરવાનો બનાવના ભાવિ પડઘાને જોતાં ભાજપે યુપીનો ગઢ ફરી જીતવા માટે યોગીજીને ગોરખપુર મંદિરની ફરી સેવા કરવાનો મોકો આપવો જોઇએ…!

લખીમપુર ખીરીના તિનકોનિયા વિસ્તારમાં રોડ પર શાંતિથી ચાલી રહેલા આંદોલનકારી કિસાનો પર પાછળથી પૂરપાટ જીપ ચલાવીને તેમને ઉડાવી દેવાનો જે વિડિયો વાઇરલ થયો છે તેનો હજુ પ્રચાર પ્રસાર વિરોધીઓ કરશે. એક મંત્રીના પુત્રની સામે પોલીસ ફરિયાદ તો થઇ અને રાકેશ ટિકૈતને જે રીતે ભાજપે નિયંત્રણમાં રાખ્યા તે કાબિલે તારીફ છે. પણ ટિકૈતનો જવાબ માંગનારા બીજા કિસાનનેતાઓ છે. એટલે યોગી સરકારે મંત્રીપુત્રની ધરપકડ કરવી પડશે.

યુપી વિધાનસભાની 403 બેઠકો માટે 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 302 બેઠકો એકલાએ જીતી હતી. બાકીની બેઠકો પંજો(કોંગ્રેસ)-સાયકલ(સપા)-હાથી(બસપા)માં વહેંચાઇ ગઇ હતી. લખીમપુર ખીરીના બનાવનો રાજકિય લાભ લેવા કોંગ્રેસ અને સપાએ પૂરો પ્રયાસ કર્યો પણ તેઓ હાલમાં તો લખીમપુર ખીરી પહોંચી શક્યા નથી. છત્તીસગઢના કોંગ્રેસી સીએમ ભૂપેશ બઘેલને લખનૌ એરપોર્ટની બહાર જ જવા ન દેવાયા અને એરપોર્ટની અંદર જ તેમણે ધરણાં કર્યાં.

પ્રિયંકાને સીતાપુરના જે ગેસ્ટહાઉસમાં રાખ્યા ત્યાં તેમણે હાથમાં ઝાડુ લઇને સાફ સફાઇ કરવાનો વિડિયો વાઇરલ થયો. સ્વચછતાનો સંદેશો આપ્યો કે યુપીમાં આપના ઝાડુનો આ રીતે સફાયો કરી દઇશું ..કે પછી એવો સંદેશો આપ્યો કે હવે તો કોંગ્રેસે આ જ કરવાનું છે…? એ તો તેઓ જાણે પણ યોગી સરકારે તેમની અટકાયત અને પછી ધરપકડ કરીને પંજાને બિનજરૂરી મોકો આપ્યો છે.

આ પહેલા યોગીના ગોરખપુરમાં ભાજપના કાર્યકર અને વેપારી મનીષ ગુપ્તાની પોલીસ દ્વારા હોટેલના રૂમમાં પીટ પીટ કે હત્યાનો બનાવ તાજો જ છે. 40 લાખનું વળતર અને મૃતકના પરિવારને નોકરી તથા સમગ્ર બનાવની તપાસ માટે સીટની રચના. કિસાનોને કચડી નાંખવાના બનાવમાં પ્રત્યેકને 45 લાખનું વળતર અને તપાસ માટે નિવૃત જજ દ્વારા તપાસની જાહેરાત.

2018માં લખનૌમાં એપલ મોબાઇલ કંપનીના સેલ્સ મેનેજર વિવેક તિવારી પર સીધો ગોળીબાર કરીને હત્યા કરવાના બનાવમાં પરિવારને 45 લાખ અને એકને નોકરી અને તપાસની ખાતરી. . સીએમ યોગીના કાર્યકાળમાં ઉંચુ વળતર આપીને પિડિત પરિવારની સહાવુભૂતિ જીતવાની રીત ભલે સફળ હોય પણ જેઓ ભોગ બન્યા તે પરિવારો, જેમ કે મૃતક કિસાનોના પરિવારો 45 લાખનું વળતર લઇને ગુમાવેલા સ્વજનને વિસરી શકશે. ?

2024માં લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે યુપીની 80 બેઠકોમાંથી 70 કરતાં વધારે ફરી જીતવા યુપીમાં ગુજરાતનો રાજકિય પ્રયોગ અમલમાં મૂકવો જોઇએ. યોગીની સાથે આખુ મંત્રીમંડળ બરખાસ્ત અને નવી સરકાર હશે તો જેમ ગુજરાતમાં ગાંધીનગર મનપામાં નવી સરકારે પંજાને વિપક્ષના પદ માટે પણ લાયક રાખ્યુ નથી તેમ યુપી વિધાનસભામાં તેનુ પુનરાવર્તન થઇ શકે અને લોકો ભાજપને ફરી સત્તા આપશે. બધુ જ કાંઇ ઉંચા વળતરથી મેળવી શકાતુ નથી. મતદારોના મન જીતવા પડે અને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી યુપીને ફરી સર કરવા મથી રહ્યાં છે, ત્યાં કોઇ મંત્રીપુત્ર દ્વારા ગુસ્સામાં આવીને કિસાનો કો રૌંદનેવાલી… ઘટનાથી ખુદ વડાપ્રધાનને પણ આંચકો તો લાગ્યો જ હશે અને ડેમેજ કન્ટ્રોલ માટે મંત્રીપુત્રની સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઇ હોઇ શકે. ફરિયાદ તો નોંધાઇ પણ યોગી સરકાર ધરપકડ નહીં કરે તો ફરીથી ઘર્ષણ…

ભાજપ માટે જેમ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો મેળવવા ગાંધીનગર જીતવુ જરૂરી હતું તેમ 2024ની લોકસભા ચૂંટણીમાં ફરી જીતવા ભાજપ માટે યુપી પણ ફરી જીતવુ અનિવાર્ય. અને તે માટે યોગીને નિયંત્રણમાં રાખવા પડે અને જો નિયંત્રિત ન રહે તો તેમને તેમનું મૂળ કામ સોંપીને ભૂપેન્દ્રબાઇ પટેલની જેમ કોઇ નવાને જવાબદારી સોંપી દેવી જોઇએ..અને પછી જુઓ યુપીમાં નવી નેતાગીરીના નેતૃત્વમાં કેવા ફટ..ફટ.. ફટાફટ..ચૂંટણી પરિણામો આવે છે…ટીવી મિડિયામા ધમાધમ સંગીતની વચ્ચે એન્કરો કહી રહ્યા હશે- ઔર ઇસ વક્ત હમ આપ કો લે ચલતે હૈ લખનૌ ઔર સબ સે બડી ખબર હમ આપકે દિખાને જા રહે હૈ…ઉત્તરપ્રદેશ વિધાનસભા કે ચુનાવ મેં પ્રધાનમંત્રી મોદીજી કી અગુવાઇ મેં ભાજપા ને ફિર એકબાર પરચમ લહેરાયા હૈ…ઔર વિધાસભા કી 403 સીટોં મેં સે 375 સીટે ભાજપા કો મિલી હૈ… કોંગ્રેસ.સપા ઔર બસપા કા દૂર દૂર તક કોઇ ભી કહીં ભી અત્તાપત્તા નહીં હૈ…હાં કેજરીવાલ કી પાર્ટી કો કુછ કુછ સીટે જરૂર મિલી હૈ…!!

2024 મેં ભાજપા કો ફિર એકબાર લોકસભા જિતના હૈ..તો ફિર એક બાર યુપી ભી જિતના હૈ..ફિર એક બાર યુપી ભી જિતના હૈ તો ફિર એક બાર ગુજરાત પ્રયોગ ભી કરના હૈ..ફિર એક બાર ગુજરાત પ્રયોગ ભી કરના હૈ તો..એક હી બાર યોગી કો હટના હૈ…યોગી કો નહીં હટના હૈ તો…. તો…જયશ્રી રામ જાને…!

 61 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી