અભિનેતા નરેશ કનોડિયાની આખરી વિદાય..! પંચમહાભૂતમાં થયા વિલિન

અંનત યાત્રાએ ‘નરેશ કનોડિયા’, ચોધાર આંસુએ રડી પડ્યા પુત્ર હિતુ કનોડિયા

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનુ કોરોનાને કારણે 77 વર્ષની વયે નિધન થયુ છે. નરેશ કનોડિયાના મૃતદેહને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલથી ગાંધીનગર સેકટર 30 ખાતેના સ્મશાનગૃહ ખાતે લઈ જવાયા હતા. સ્વર્ગસ્થ નરેશ કનોડિયાના અંતિમ દર્શન માટે સગા સંબધીઓ સ્નેહીઓ, શુભેચ્છકોએ ભારે ભીડ લગાવી હતી. પરિવારજનોના હૈયાફાટ રૂદન વચ્ચે નરેશ કનોડીયાની આખરી વિદાય લીધી છે. નરેશ કનોડીયાની અંતિમ વિધીમાં ફિલ્મ અને નાટ્યક્ષેત્ર, રાજકીય તેમજ સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ ઉપરાંત અનેક ચાહકો જોડાયા હતા.

છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતે મહેશ નરેશની જોડી ગુમાવી દીધી છે. ત્યારે કનોડિયા પરિવાર પર આવેલી આ દુ:ખદ ઘડીમાં પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. તેવામાં પિતાના અવસાન બાદ જ્યારે હિતુ કનોડિયાએ પિતાને અંતિમ વિદાય આપી અને અંતિમ સંસ્કાર આપ્યા ત્યારે તેઓ રડી પડ્યા હતા.

પિતાને અંતિમ સંસ્કાર આપ્યા બાદ હિતું કનોડિયાએ કહ્યું કે, આજે હું તેમનાં ગીતની બે લાઈન સંભળાવા માંગુ છું. તુ મારો મેરૂ, હુ તારી માલણ..તે ગીતમાં શબ્દો હતા..નાના છીએ..મોટા થઈશું.. તોય કદીય ના છેટા રહીશું..સાથે હરશું સાથે ફરશુ.. સાથે જીવશુ અને સાથે મરશુ. આ મારા મહેશભાઈ અને નરેશભાઈ સાથે જીવ્યા અને સાથે મર્યા..આ સાથે હિતુ કનોડિયાએ ફેસબુક પર પિતા નરેશ કનોડિયાના મૃત્યુ પર એક પોસ્ટ મુકી છે. જેમા તેમણે લખ્યું છે કે. ઓમ શાંતી…

પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ 

ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે પોતાના ટ્વિટર પર લખ્યું કે, ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાના અવસાનથી હું વ્યથિત છું. મનોરંજન તથા સમાજ સેવા ક્ષેત્રે તેમનુ યોગદાન હંમેશા યાદ રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને તેમના વિશાળ ચાહકવર્ગને મારી સાંત્વના… ઓમ શાંતિ. 

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મજગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી જણાવ્યું હતું કે કે સ્વ. નરેશ કનોડિયાએ ગુજરાતી ચલચિત્રજગતમાં અભિનયના ઓજસ પાથરીને દસકાઓ સુધી લોકમાનસમાં એક આગવું સ્થાન મેળવેલું, તેમનું સ્મરણ કરતાં કહ્યું હતું કે તેમનું આ યોગદાન ગુજરાતી ચલચિત્રજગતમાં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે. રૂપાણીએ દિવંગત આત્માની પરમશાંતિની પ્રાર્થના કરીને તેમના શોકાતુર પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે.

નરેશ કનોડિયાએ અત્યારસુધીમાં 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી હતી.

નોંધનિય છે કે, બે દિવસ પહેલા નરેશ કનોડિયાના મોટાભાઇ મહેશ કનોડિયાનું મૃત્યું થયું હતું. ગુજરાતી સિનેમામાં મહેશ-નરેશ બેલડીની ખોટ કોઇ પૂરી શકશે નહીં.

 156 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર