નામ ગુમ જાયેગા ચહેરા યે બદલ જાયેગાં..આપકી આવાજ હી પહચાન..

ભારતની કોકિલકંઠી લતાતાઇએ 91 વર્ષ પૂરા કર્યા…

લતા મંગેશકરે ફિલ્મમાં પણ કામ કર્યું છે..

લતાદીદીને હવે આઇડીપ્રુફની જરૂર જ નથી..

36 ભાષામાં અધધ..50 હજાર ગીતો..સલામ છે એમને

એક સમયે લતા સાથે સંગીતકારો કામ કરવા તૈયાર નહોતા..

91 વર્ષે પણ ટ્વીટર સાથે સોશ્યલ મિડિયામાં કાર્યરત..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ચાલો આજે એક એવી હસ્તીને યાદ કરીએ કે જેમને ભારત રત્ન મળ્યું છે, પદ્મ વિભૂષણ મળ્યું છે, પદ્મ ભૂષણ પણ મળ્યું છે, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પણ મળ્યો છે કોઇને ન સન્માન મળ્યું હોય એવા સહિત અનેક સન્માનથી જેમને નવાજવામાં આવ્યા છે, દેશ-વિદેશમાં ગીત-સંગીતનો એવો કોઇ સ્ટેજ નહીં હોય કે જ્યાં તેમના કાર્યક્રમો ન થયા હોય અને જેમણે હિન્દી-ગુજરાતી-બંગાળી-ભોજપુરી- મલયામલમથી લઇને લગભગ 36 ભાષાઓમાં અધધ…50 હજારથી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો હોય એ હસ્તી છે ભારતની બુલબુલ કંઠીલ ગળુ ધરાવનાર લતા મંગેશકર….!

આજે 28 સપ્ટેમ્બર,2021ના રોજ તેમણે પોતાના જીવનના 91 વર્ષ પૂરા કરીને 92માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. લતા..લતાજી…લતાદીદી…અને હવે લતાતાઇના હુલામણાં નામથી ઓળખાતા લતા મંગેશકરને હવે આઇડીપ્રુફની જરૂર જ નથી..તેઓ પોતે ભારતનો એક એવો વારસો બન્યા છે કે તેમના જ એક ગીતના શબ્દોમાં કહીએ તો- રહે ના રહે હમ મહંકા કરેંગે બન કે કલી..બન કે સબા..બાગે વફા મેં…

જન્મ વિષે જોઇએ તો 28 સપ્ટેમ્બર 1929 ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં લતાજીનો જન્મ થયો. પિતા સહિત સમગ્ર પરિવાર ગીત સંગીત અને નાટ્ય ક્ષેત્રે સંકળાયેલુ એટલે ગાયકી તો તેમને વારસામાં મળી અને ગાયકી ક્ષેત્રે તેમની જે સફર શરૂ થઇ તે સાત દાયકા સુધી અવિરતપણે ચાલી…..એક પછી એક ગીત…એક પછી એક ફિલ્મ એમ કરતાં કરતાં 36 ભાષામાં 50 હજાર કરતાં વધારે ગીતોને તેમણે પોતાનો કોકિલકંઠ આપ્યો અને તેમના જ એક ગીતના શબ્દોમાં કહીએ તો- નામ ગુમ જાયેગા…ચહેરા યે બદલ જાયેગાં..મેરી આવાજ હી પહચાન હૈ…ગર યાદ રહે…ની જેમ તેમનો સુમધુર..કર્ણપ્રિય અને તન-મનને અનેરો દિવ્ય અહેસાસ કરાવે એવો જે અવાજ આપ્યો છે તે અતુલ્ય ભારતનો અતુલ્ય કંઠ છે…!

ફિલ્મોમાં પોતાનો અવાજ આપવાની કારકિર્દી શરૂ કરતાં પહેલાં લતાદીદીએ એક ફિલ્મમાં પણ કામ કર્યું હતું..તેમની પહેલી ફિલ્મ હતી-પેહલી મંગલા ગૌર…! તે એક મરાઠી ફિલ્મ હતી.

1940ના દાયકામાં મરાઠી ફિલ્મોમાં જેમનું ઘણું મોટુ નામ તે વખતે હતું તે માસ્ટર વિનાયકની ફિલ્મ કંપનીમાં લતાજી જોડાયા અને લતાજી કહે છે તેમ તે વખતે તેમનો પગાર હતો 200 રૂપિયા….તેમના મતે તે વખતે આટલો પગાર તો ઘણો સારો હતો. આજે 200 રૂપિયામાં બે કે સવા બે લીટર પેટ્રોલ આવે છે….! સમય સમય કી બાત હૈ…તો લતાજીનો એવો પણ સમય હતો કે જ્યારે તે વખતના સંગીતકારોએ તેમની સાથે કામ કરવાની ના પાડી હતી…આ નાનકડી છોકરી શું ગાશે…પરિણામે લતા મંગેશકરને શરૂઆતના વર્ષોમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, ઘણા ફિલ્મ નિર્માતાઓ અને સંગીત દિગ્દર્શકોએ તેમને ગાવાની તક આપવાનો ઇનકાર કર્યો.

પરંતુ લતાજીના જીનમાં ભાગ્ય સિતારો લખાયેલો હશે એટલે તેમનો સિતારો પ્રથમ વખત 1949માં ચમક્યો… તે જ વર્ષે ચાર ફિલ્મો રજૂ થઈ, ‘બરસાત’, ‘દુલારી’, ‘મહેલ’ અને ‘અંદાઝ’. ‘મહેલ’ માં તેમના દ્વારા ગવાયેલા ગીત ‘આયેગા આને વાલા આયેગા’ ગીત પછી તરત જ, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને થયું કે યે લડકી કમાલ કી હૈ.. આ નવો અવાજ ઘણો આગળ વધશે..ખૂબ દૂર સુધી સંભળાશે ..! લતાજીએ જ્યારે આ ગીતો ગાયા ત્યારે બોલીવુડમા તે સમય એવો હતો જ્યારે હિન્દી ફિલ્મ સંગીત પર શમશાદ બેગમ, નૂરજહાં અને ઝોહરાબાઈ અંબાલેવાલી જેવી ખેરખાં હસ્તીઓ રાજ કરતી હતી….તેમના નામના સિક્કા પડતા હતા..ગાયકી ક્ષેત્રે તેમનો ભારે દબદબો અને એકચક્રી શાસન હતું…

લતાએ પોતાના અવાજના જોરે એ એકચક્રી શાસનમાં પોતાના એવા સિક્કા પાડ્યા કે પાછા વળીને જોયુ જ નહીં….ગાયકી ક્ષેત્રે લતા એક્સપ્રેસ એવી ચાલી કે 70 વર્ષ સુધી ફિલ્મોમાં લતા…લતા…અને લતા….! ફિલ્મમાં દમ ના હોય, નાયિકા બરાબર ના હોય પણ લતાજીના ગીતો હોય તો એવી ઘણી ફિલ્મો તેમના ગીતોના કારણે પૂરપાટ ચાલી હોવાના ઘણાં દાખલા અને કિસ્સા છે.

લતા મંગેશકરે ઓપી નૈયર સિવાય દરેક મોટા સંગીતકાર સાથે કામ કર્યું, મદનમોહનની ગઝલો અને સી રામચંદ્રના ભજનોએ લોકોના મન અને દિમાગ પર લતાજીના કોકિલ કંઠની અમીટ છાપ છોડી છે…


પચાસના દાયકામાં નૂરજહાં પાકિસ્તાન ગયા પછી, લતા મંગેશકરે હિન્દી ફિલ્મ પ્લેબેક સિંગિંગમાં મોનોલિથિક સામ્રાજ્ય સ્થાપ્યું…


અજોડ અને હંમેશા ટોચ પર હોવા છતાં, લતાએ શ્રેષ્ઠ ગાયન માટે હંમેશા રિયાઝના નિયમનું પાલન કર્યું,


દરેક સંગીતકાર જેમણે લતાદીદી સાથે કામ કર્યું તેમણે કહ્યું કે લતાજીએ ગીતને ચમકાવવા માટે હંમેશા મહેનત કરી છે…

13 વર્ષની ઉંમરે પોતની કરિયરની શરૂઆત કરી અને આજે પણ તેઓ ભલે ફિલ્મોમાં ગાતા નથી પરંતુ સોશ્યલ મિડિયામાં મર્યાદિત સક્રિય છે. ખાસ કરીને ટ્વીટરના માધ્યમથી જોડાયેલા છે.
તેમના લોકપ્રિય-બેસ્ટ કે ખૂબ જ વખણાયેલા સુમધુર ગીતોની એક ઝલક-

હોઠો પે ઐસી બાત કો દબા કે ચલી આઇ…

એક પ્યાર કા નગમા હૈ….મોજો કી રવાની હૈ…

લગ જા ગલે કી ફિર યે હસી રાત હો ન હો…

તેરે બિના જિંદગી સે કોઇ સિકવા તો નહીં…સિકવા નહીં..

આજ ફિર જીને કી તમન્ના હૈ..આજ ફિર મરને કા ઇરાદા હૈ…

અલ્લાહ તેરો નામ..ઇશ્વર તેરો નામ….

પિયા તો સે નૈના લાગે રે..

તું જહાં જહાં ચલેગા..મેર સાયા સાથ હોગા..

હમેં ઔર જિને કી ચાહત ન હોતી અગર તુમ ન હોતે..

કોરા કાગજ થા યે મન મેરા…લિખ દિયા નામ ઇસ પર તેરા..

આપ કી નજરોં ને સમઝા પ્યાર કે કાબિલ હમે…

યે કહાં આ ગયે હમ યુહીં સાથ સાથ ચલતે…

તુઝે દેખા તો યે જાના સનમ પ્યાર હોતા હૈ દિવાના સનમ..

જિયા જલે જાં જલે નૈનો તલે…

મેરી સાંસો મેં તું હૈ સમાયા..કભી ખુશી કભી ગમ..

મેરે હાથોં મેં નૌ નૌ ચુડિયા હૈ…

અને….
અય મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની…

આ ગીત સાંભળતી વખતે જો આંખો અશ્રુભીની ના થાય તો બોસ, ચોક્કસ માનજો કે તમે લતાજીના કંઠને પિછાણી શક્યા નથી…!

નામ ગુમ જાયેગા..ચહેરા યે બદલ જાયેગા…ગર યાદ રહે…દેશ કી આન-બાન ઔર શાન લતાતાઇજી… આપ કી આવાજ હી પહેચાન હૈ…હમ યાદ રખેંગે…આપ કે ગીતો કે બિના જીવન સુના..રે સુના..

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી