લ્યો બોલો- કરીયાણાની દુકાનમાંથી ચોર મરચુ, તેલ, ચા સહિત 34 હજારનું કરીયાણુ ચોરી ગયો

ગોમતીપુર પોલીસ મથકમાં ફરિયાદ બાદ તપાસ શરૂ

મંદીના સમયમાં ચોરી, લૂંટના બનાવો વધી રહ્યાં છે. ત્યારે શહેરના ગોમતીપુરો વિસ્તારમાં ચોરીનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ચોર કરીયાણાની દુકાનમાં ધૂસી મરચુ, તેલ, ચા સહિત 34 હજારની મત્તાના કરીયાણાની ચોરી કરી પલાયન થઇ ગયો છે. જે પ્રમાણે ચોરી થઇ છે તે જોતા ચોર ચોરી કરવા રીક્ષા કે અન્ય વાહન લઇ આવ્યો હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. આ મામલે ગોમતીપુર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા વસંતભાઇ પ્રજાપતિ ગોમતીપુરમાં શ્રીનાથજી સ્ટોર્સ નોમનો કરીયાણા સ્ટોર ધરાવે છે. 4થી જાન્યુઆરીના રોજ તેઓ તથા તેમનો નોકર બન્ને સાઇડના શટરને લોક માર ઘરે જતા રહ્યાં હતા. બીજા દિવસે તેઓ સવારે પરત ફર્યા ત્યારે ચાર પૈકી એક બાજુના શટરનું લોક તુટેલુ હતુ. જેથી તેમણે અંદર જઇ તપાસ કરતા પૈસાનો ગલ્લો ખુલ્લો હતો અને કરીયાણાની વસ્તુઓ અસ્ત વ્યસ્ત હતી. જેથી તેમણે સ્ટોક ચેક કરતા તેલના ડબ્બા-3, તેલના કેરબા-4, હળદર, ચિક્કી, મરચુ, વિમઘી, કોલગેટ ટુથ પેસ્ટ, કાજુ, બદામ, સુકી દ્રાક્ષ, નાહવાના જુદા જુદા સાબુ, મરચુ, ધાણા દાળ, કચરીયુ, હેર ઓઇલ, મગની દાળ, વાઘ બકરી ચા સહિત કુલ 34 હજારની મત્તાનું કરીયાણું ગુમ હતુ. જેથી આ મામલે તેમણે પોલીસને જાણ કરતા ગોમતીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે આ મામલે ગુનો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં તાડુ ડુપ્લીકેટ ચાવીથી ખોલવામાં આવ્યું હતું. જેથી કોઇ જાણ ભેદુ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

 76 ,  1