બચ્ચે દો હી અચ્છે…! ચુનાવ પરીણામ કિતને સચ્ચે..?! 2022 આને દો…

યુપીમાં નવો કાયદો આવે છે-બે હશે તો લાભો મળશે…

એક બાળક વાળાને બોનસમાં વધારા લાભોનો ખજાનો…

વીએચપીએ વિરોધ કર્યો પણ મામલા ગરબડ હૈ…

શરમાળ ભારતની વસ્તી 100 વર્ષમાં કેટલી વધી…?

યુપીની ચૂંટણીમાં ગૂંજશે અને ગાજશે-કિતને બચ્ચે હૈ…?

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નવુ સૂત્ર આપ્યું હતું-હમ દો હમારે દો..જો કે તેઓ કાંઇ પરણેલા નથી કે પરિવાર નિયોજનનું સૂત્ર અપનાવે. પણ તેમણે જે સંદર્ભમાં કહ્યું હતું તેનો જવાબ પણ તેમને જે તે વખતે અપાયો હતો. રાહુલનું એ સૂત્ર ભલે કોઇને ન ગમ્યું હોય પણ દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય યુપીમાં હવે પછી જેમણે સરકારી નોકરી લેવી હોય, સરકારી રાહતો મેળવવી હોય, નોકરીમાં બઢતી મેળવવી હોય, સ્થાનિક ચૂંટણીઓ લડવી હોય તો યુપીના પરીવાર નિયોજન મંત્રાલયનું સૂત્ર અપનાવવુ પડશે- હમ દો હમારે દો…બચ્ચે દો હી અચ્છે…!

મોંઘવારી એટલી બધી છે કે સરકાર કહે કે ના કહે પતિ-પત્ની બન્ને અંદરોઅંદર સમજૂતિ કરી લે છે કે, પહેલુ હમણાં નહી.. પહેલા પછી બીજુ નહીં… અને એક હોય તો બીજુ હમણાં નહીં…કેમ કે એક બાળક આવે એટલે તેના જન્મથી લઇને ભણતર સુધી એટલો ખર્ચ થાય છે કે તેને પહોંચી વળવુ ખૂબ અઘરૂ બની જાય છે.

યુપીમાં એકાદ વર્ષ પછી વિધાનસભાની 403 બેઠકોની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. કદાજ તેને ધ્યાનમાં રાખીને અથવા તો યુપીમાં વધતી જતી વસ્તીને નિયંત્રિત કરવા યોગી સરકાર બે બાળકો વાળો કાયદો લવી રહી છે. બે બાળકો વાળાને જ સરકારી લાભો મળશે અને જો એક જ બાળક હશે તો બોનસમાં વધારાના સરકારી લાભો જ લાભો…! યુપીની જેમ ગુજરાતમાં પણ આવા કાયદાની વિચારણાનો ઇશારો આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો છે. ગુજરાતમાં જો કે સ્થાનિક ચૂંટણીઓ લડવા માટે બે બાળકોની જોગવાઇ વાળો કાયદો 2005થી જ અમલમાં છે. યુપીમાં હવે 2021માં આવો કાયદો બનવા જઇ રહ્યો છે.

યુપીની વસ્તી હાલમાં 22 કરોડ જેટલી છે. ગુજરાતની લગભગ 6 કરોડથી સહેજ વધારે.એટલે લગભગ 4 ગુજરાત જેટલી વસ્તી એકલા યુપીની છે. અને તેમાં કોઇ ઘટાડો થઇ રહ્યો નથી….માત્ર યુપીમાં જ નહીં ભારતમાં વસ્તી વધારાને લઇને એ..ય મોજે દરિયા….જેવુ છે.યોગી બોલ્યા તે પહેલા આસામમાં ભાજપના સીએમ હિંમતા વિસ્વા સર્માએ પણ આસામમાં બે બાળકોનો કાયદો લાવવાની વાત કરી હતી તો હમણાં જેમને રાજીનામુ આપવુ પડ્યું તે ઉત્તરાખંડના તિરથસિંહ રાવતે હિન્દુઓને આડકતરો ઇશારો કર્યો હતો કે સરકારી અનાજ સહાય વધારે જોઇતી હોય તો પરિવારની સંખ્યા વધારો…! એક બાળક હશે તો 5 કિલો મળશે અને 5 હશે તો 25 કિલો….!

તિરથસિંહ જેવી લાગણી સંઘ પરિવારની ધાર્મિક પાંખ વિશ્વ હિન્દુ પરિષદે વ્યકત કરી છે. વીએચપીના અધ્યક્ષ આલોકકુમાર કહે છે કે એક બાળક ધરાવનારને વધારે સરકારી લાભોથી યુપીનો વસ્તી નકશો બદલાઇ જશે, હિન્દુ સમુદાય પર તેની ખરાબ અસરો પડશે. તેમણે દાખલો આપ્યો કે આસામ અને કેરળમાં મુસ્લિમોની સંખ્યા હિન્દુઓ કરતાં વધી ગઇ છે. યુપીમાં પણ એવુ થઇ શકે.

પરિવારમાં કેટલા બાળકો હોવા જોઇએ અને કેટલા રાખવા જોઇએ એ બધુ અંગત પારિવારિક સમસ્યા અને વિષય છે. પરંતુ યુપીમાં ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતોના ધ્રુવીકરણ માટે આ રાજકિય કવાયત થઇ રહી હોય એમ રાજકિય રીતે માનવામાં આવી રહ્યું છે.નોંધનીય છે કે યુપીમાં બીજા રાજ્યો કરતાં ચોક્કસ ધર્મના લોકોની વસ્તી વધારે છે.

વીએચપીએ હમ દો હમારે દો…ની નીતિનો વિરોધ કર્યો કે નોંધાવ્યો અને તેને કેટલુ મહત્વ મળે છે એ તો યુપીના પરિણામો જ કહેશે. પણ વસ્તી વધારો અભિશાપ નહીં આશિર્વાદરૂપ નિવડી શકે, એ ચીને કરી બતાવ્યું છે. વિશ્વમાં સૌથી વધારે 140 કરોડની વસ્તી ધરાવનાર ચીને એક બાળકની નીતિ અપનાવી અને તેના જે પરિણામો આવ્યાં તે પછી હવે વધુ એક બાળક પેદા કરવાની મંજૂરી આપી છે…! કારણ..? ચીનમાં કામ કરવા માટે યુવાનોની સંખ્યા ઘટતી ગઇ અને બીજી તરફ વૃધ્ધોની સંખ્યા વધતી ગઇ…! વર્ક ફોર્સ ઘટી રહ્યો જોઇને પોતાના નાગરિકોને કહ્યું-મોજે દરિયા…બીજુ બાળક પણ આવવા દો…! /સોશ્યલ મિડિયામાં હમણાં કોઇએ એવી પણ નોંધ લીધી કે વધુ વસ્તી ધરાવવા છતાં ચીન આર્થિક રીતે અમેરિકા પછી બીજા નંબરે છે. વધુ વસ્તીનો ઉપયોગ દેશના વિકાસ માટે કઇ રીતે કરી શકાય એવા ઉપાયો ચીન અપનાવે છે. ભારતે પણ એવા ઉપાયો અજમાવવા જોઇએ….

અર્વાચીન ઇતિહાસ એમ કહે છે કે પરિવાર નિયોજનની જવાબદારીમાં પડવા જેવુ નથી. 1975ની કટોકટીમાં કોંગ્રેસે નાગરિકોના પરિવાર નિયોજનની જવાબદારી પોતાના માથે લેવાનો જે પ્રયાસ કર્યો તેના પરિણામો જગજાહેર છે. તે પછી નાનુ કુંટુંબ સુખી કુંટુંબ.. અને લાલ ઉંધો ત્રિકોણ ક્યારેય જાહેર દિવાલો પરથી ગાયબ થઇ ગયો…!

શરમાળ ભારતમાં 1800ની સાલમાં વસ્તી 16 કરોડ હતી. 1900ની સાલમાં વધીને 23 કરોડ થઇ. 1921માં એટલે કે 100 વર્ષ પહેલા ભારતની વસ્તી હતી 25 કરોડ 13 લાખ 21 હજાર અને 213…! 100 વર્ષ પછી વર્લ્ડોમીટરના આંકડા પ્રમાણે, 13 જુલાઇ, 2021માં વસ્તી હતી-139 કરોડ 39 લાખ 38 હજાર અને 700…! ભારત આઝાદ થયું ત્યારે 1947માં 39 કકોડ હતી.

શરમાળ ભારતની મોજે દરિયા… માનસિકતા એવી છે કે ભલે સરકારી નોકરી ના મળે પણ બેમાંથી કોઇ એક બાળકને કંઇક થઇ ગયું તો…! અને બે બાળકોમાં એક છોકરો અને એક છોકરી જ હોય એવુ ક્યાં નક્કી હોય છે…? પહેલું બાળક છોકરી આવી અને બીજુ બાળક પણ છોકરી આવે તો..? બન્ને છોકરીઓ જ હોય તો…? ભારતમાં દિકરી કરતાં દિકરાનું વધારે મહત્વ છે અને દિકરાની આશામાં પરિવારની સંખ્યા વધતી જાય છે… “હમ દો હમારે દો”નો કાયદો, જાને ભી દો… યા ઉસ પર મુહર માર દો….? 403 બેઠકોનું પરિણામ કહેશે…!

 53 ,  1