આઓ તુમ્હે ચાંદ પર લે જાયેં., પ્યારભરે સપને દિખાયેં..? કબ તક..?

કોર્ટ- જો આ રીતે બધુ જ મફતમાં અપાશે તો લોકો આળસુ બની જશે..!

તો પરપ્રાંતના લોકોના હાથ નીચે સ્થાનિકોએ કામ કરવુ પડશે..!

ગેસ-સોલાર સગડી- મહિને 1500 રૂ.- પ્રસુતાને 24 હજાર અને 12 મહિનાની રજા..!

કેબલ કનેકશન મફત-વોશિંગ મશીન મફત- અને મચ્છરદાની પણ મફત…..!!

મત માટે નેતાઓ મતદારના ઘરે બાવર્ચી બને તો પણ નવાઇ નહીં..!

મફત લ્હાણી ઉત્તરભારત પહોંચે તો- આમ્રપાલીની ફિલ્મોની મફતમાં ટિકિટો આપવી પડે..!

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

“તામિલનાડુમાં એ દિવસો દૂર નથી કે જ્યારે બહારથી આવેલા પરપ્રાંતના સ્થળાંતરિત શ્રમિકો સ્થાનિક મિલકતોના માલિક બની જશે અને તામિલનાડુના ધરતીની છોરૂ એવા સ્થાનિક લોકો પરપ્રાંતના લોકોના હાથની નીચે મજૂરી કરી રહ્યાં હશે…!”

આ શબ્દો છે મદ્રાસ હાઇકોર્ટની ડીવીઝન બેંચના જજ એન.કીરૂબકરન અને જજ બી.પુગલેંધી દ્વારા કરાયેલી એક જાહેર હિત માટેની રીટ પીટીશનની સુનાવણી દરમ્યાનના. હાલમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીઓની મૌસમ ચાલી રહી છે. તેવા માહૌલમાં આ અવલોકનનું મહત્વ વધી જાય તે સ્વાભાવિક છે.

કોર્ટે જનપ્રતિનિધિત્વ ધારામાં સુધારો કરીને જે તે રાજકિય પક્ષો દ્વારા લોભામણાં આપેલા વચનોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેની માન્યતા ચૂંટણી પંચ દ્વારા કેમ રદદ કરવામાં ન આવે..? એવો ચૂંટણી પંચને સવાલ કર્યો છે.રાજકિય પક્ષો જે ચૂંટણી વચનો આપે છે તેની પાછળ થનાર ખર્ચના 10 ટકા રકમ ચૂકવવાને પાત્ર કેમ ન બનાવી શકાય..? કોર્ટે ચૂંટણી પંચનો આ મામલે જવાબ માંગ્યો છે. કોર્ટે ચૂંટણી ઢંઢેરામાં અપાતા લોભામણા વચનોને રોકવા માટે કાયદો બનાવવાની હિમાયત કરી છે. અને લોભામણાં વચનોને કપટયુક્ત પગલુ માનીને તેના પર પ્રતિબંધ કેમ ના મૂકી શકાય તેવો ઘણાં સવાલો પણ કર્યો છે.

મદ્રાસ હાઇકોર્ટને આ પ્રકારની ગંભીર ટીપ્પણી અને ચેતવણી એટલા માટે કરવી પડી કેમ કે તામિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોમાં મતદારોને પોતાની તરફ ખેંચવા માટે રોકડ રકમ, ઘરવપરાશની મોંઘી ચીજવસ્તઓ, ટીવી-લેપટોપ અને સોનાની વસ્તુઓ આપવાના ભરપૂર વચનોના લ્હાણી કરવામાં આવે છે.

પાંચ રાજ્યોની સાથે તામિલનાડુમાં પણ હાલમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. જેમાં વિપક્ષ ડીએમકે પાર્ટીએ વચનોની લ્હાણી કેવી કરી..એક નજર-મફતમાં અમ્મા વોશિંગ મશીન.. પ્રત્યેક પરિવારને વર્ષમાં 6 રાંધણગેસના બાટલા મફત..સોલાર સગડી મફત, મચ્છરદાની મફત…સુવાવડ માટે 12 મહિનાની પગાર સાથેની રજા અને પ્રસુતાને 24 હજારની મદદ…!!

સત્તાપક્ષ એઆઇએડીએમકે પક્ષે શિક્ષણ લોન માફ, કોલેજ છાત્રને વર્ષ દરમ્યાન 2જી ડેટા મફત, શ્રીલંકાના શર્ણાર્થીઓને બેવડુ નાગરિકત્વ, મફતમાં કેબલ કનેક્શન, સરકારી બસમાં મહિલાઓને ભાડામાં 50 ટકાની રાહત, ખેડૂતો માટે ટેકાના ભાવથી ખરીદી અને રેશનીંગનું અનાજ હોમ ડીલીવરી..તથા સુવાવડ માટેની રજા એક વર્ષની આપવાનું વચન આપવાની સાથે ઘરદીઠ એક જણને સરકારી નોકરી આપવાનું પણ વચન આપ્યું છે.

બન્ને પક્ષોએ પેટ્રોલ અને ડિઝલમાં ઘટાડો કરવાનું પણ વચન આપ્યું છે. અને એક પક્ષે ઘરદીઠ મહિલાને મહિને એક હજાર અને બીજા પક્ષે 1500 રૂપિયાની સહાય દર મહિને આપવાનું વચન આપ્યું છે. કોર્ટે એવી નોંધ પણ કરી છે કે આવા લોભામણાં વચનોને જોતાં પછી એક દિવસ એવો આવશે કે રાજકિય પક્ષો મતદારોને એવુ કહેશે કે અમે તમારા ઘરે આવીને તમારૂ ભોજન બનાવી દઇશું…અને હુંસાતુંસીમાં વળી બીજા પક્ષ દ્વારા એવુ પણ કહેવાશે અમે માત્ર ભોજન જ નહીં બનાવી આપીએ પણ અમારા હાથે તમને ભોજન પણ કરાવીશું…!!

મદ્રાસ હાઇકોર્ટે એવુ પણ નોંધ્યું કે આ રીતે રોકડ સહાયના બદલામાં વોટ આપવો એ એક પ્રકારની ગેરરીતિ જ છે અને કેટલાક મતદારો બિરયાની અને ક્વાર્ટર ( પવ્વો- 250 મી.લિ.દારૂની બોટલ)ના બદલામાં પોતાનો વોટ વેચી નાંખે તો પછી લોકો સારા નેતાની આશા કઇ રીતે રાખી શકે..? જે મતદારો આ રીતે પોતાનો વોટ વેચી નાંખે તેઓ તેમના નેતાને સવાલ કરવાનો નૈતિક અધિકાર ધરાવે છે ખરા.? આવી રોકડ સહાય અને લલચામણી વસ્તુની લ્હાણીના વચનો વખતે કરદાતાઓ મૂકપ્રોક્ષક બની જાય છે. અને જો આવી જ લાલચો અપાતી રહેશે તો તામિલનાડુના સ્થાનિક લોકો આળસુ બની જશે અને રોજીરોટી માટે તામિલનાડુમાં આવતાં ઉત્તર ભારતના અને પૂર્વોત્તરના લોકો હોટેલ, ઉદ્યોગ, દુકાનો અને સલૂનોમાં અને ખેતીકામમાં તેઓ રોજગારી મેળવી લેશે….!!

એક કોર્ટ અને તે પણ હાઇકોર્ટ દ્વારા ચૂંટણી વચનોની લ્હાણી સામે કરાયેલી ટીપ્પણીઓ કે ચેતવણીની રાજકિય પક્ષો પર કોઇ અસર થાય છે ખરી..? હાઇકોર્ટે તો પોતાની ફરજ બજાવી અને હવે સરકાર અને ચૂંટણી પંચે નક્કી કરવાનું છે કે મતદારોને પોતાની તરફ ખેંચવાના આવા લોભામણાં વચનોને કઇ રીતે રોકી શકાય અથવા તો રોકશે ખરાં..?

કોર્ટના અવલોકનમાં દમ છે. જો આ રીતે બધુ જ મફતમાં કંઇ જ કર્યા વગર વીકલી માલામાલ..ની જેમ મળ્યા કરે તો પછી લોકો આળસુ જ બની જાય ને…? મફતમાં અનાજ, મફતમાં રાંધણ ગેસ, મફતમાં વોશિંગ મશીન, મફતમાં આખુ વર્ષ 2જી ડેટા, મફતમાં રોકડ સહાય, લોન માફી, સરકારી નોકરી…બખ્ખેબખ્ખાં…!

કોઇ વળી એમ કહે કે આટલી મોંઘવારીમાં માણસ કરે તો શું કરે..? રાજ્ય સરકારોએ મોંઘવારીમાં ઘટાડો થાય એવા પગલા લેવા જોઇએ. પેટ્રોલ-ડિઝલમાં ઘરખમ ઘટાડો કરો, રોકડ સહાયમાં મહિને હજાર કે પંદરસો મળે તો તે કાંઇ વધારે નથી… રાંધણ ગેસના બાટલા ભલે મફતમાં ન આપે તો પણ બસ ભાડામાં 50 ટકા રાહતની જેમ ગેસના સરકારી ભાવ કરતાં અડધા ભાવે આપે તો પણ લોકોને ફાયદો થાય. એક ભારત-નેક ભારતની એક વિશેષતા એ પણ છે કે દક્ષિણના રાજ્યોમાં પ્રાદેશિક રાજકિય પક્ષો દ્વારા જે લલચામણાં વચનો આપવામાં આવે છે એવા લોભામણાં વચનો ઉત્તર ભારતના રાજ્યોમાં મુખ્ય રાજકિય પક્ષો દ્વારા અપાતા નથી. કારણ એ જ હોઇ શકે કે દક્ષિણ ભારતમાં પ્રાદેશિક પક્ષોએ મતો મેળવવા માટે મતદારોને પહેલાંથી જ એવી ટેવ પાડી છે અને એ ટેવ હવે કૂટેવ ના બને તો સારૂ. દક્ષિણના રાજ્યોની આ ટેવ-કૂટેવ ઉત્તરના રાજ્યોમાં પહોંચી તો બિહારમાં તો ભોજપુરી ફિલ્મોની મફતમાં ટિકિટોની લ્હાણી જ કરવી પડશે. જય આમ્રપાલી…જય હો નિરૂહા…જય હો મનોજભૈયા ઔર જય હો રવિ કિસનભૈયા…!!

 59 ,  1