September 20, 2021
September 20, 2021

ગાંધીનગર : પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને આજીવન કારાવાસની સજા

પત્નીએ પ્રેમી પિતરાઇ સાથે મળીને પતિને ગળે ટુંપો દઇ પતાવી દીધો હતો

પ્રેમ સંબંધમાં અંધ બનેલી પત્નીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પતિને રસ્તામાંથી હટાવવા માટે હત્યા કરી નાખી. આ કેસમાં ગાંધીનગર કોર્ટે પત્ની અને તેના પ્રેમીને આજીવન કેદની સજા ફટકારી છે. ગાંધીનગર કોર્ટે પત્ની આસમા અને સમીર ખાનને આજીવન કેદની સજા ફટકારી છે.

ગાંધીનગરના બોરીજ ગામે મુસ્લીમ પત્નીએ મામાના દિકરા સાથે મળીને 19 એપ્રિલ 2018ના રાત્રે પોતાના પતિનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. ઘરમાંથી પુરાવાનો નાશ કરી લાશને અવવાવરુ જગ્યાએ નાખી દીધી હતી. પોતાની પર હત્યાનો આક્ષેપ ન લાગે તે માટે પત્નીએ પોલીસ સ્ટેશનમાં જઇ પતિ ગુમ થવાની ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં પત્ની અને પ્રેમીની સંડોવણી સામે આવતા બંનેની પોલીસે ધરપકડ કરી હતી. બે વર્ષ બાદ ગાંધીનગર કોર્ટે પત્ની અને તેના પ્રેમીને આજીવન કેદની સજા ફટકારી છે.

ગાંધીનગરના બોરીજ ગામે રહેતા વિનુભાઇ પંડ્યાએ મુસ્લીમ યુવતી આસમા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આસમાએ બે દિકરીઓને જન્મ આપ્યો હતો. પરંતુ ત્યારબાદ આસમા પોતાના દૂરના મામાના દિકરા સમીર ખાન પઠાણના સંપર્કમાં આવી હતી. સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો. બંને જણ એકબીજાને મળવા લાગ્યા હતા. આ વાતની જાણ વિનુભાઇને થતા તેમને આસમાને ટોકી હતી.

ત્યારબાદ આસમાએ છુટાછેડા માટે માંગણી કરી હતી. તેમજ વિનુ પંડ્યાને મુસ્લીમ ધર્મ અંગીકાર કરવા માટેનો પ્રસ્તાવ મુક્યો હતો. વિનુભાઇએ આ માંગણી સ્વીકાર ન કરતા અંતે વિનુભાઇની હત્યા કરવાનો પ્લાન કર્યો હતો. 18 એપ્રિલ 2018ના રોજ પત્ની આસમાએ પ્રેમી સમીરને બોરીજ બોલાવી રાત્રે વિનુભાઇ પંડ્યાને ઊંઘમાં જ ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી.

બાદમાં પુરાવાનો નાશ કરવા માટે કારમાં લાશ નાખીને સમીર સરદાર પટેલ રીંગરોડથી કરાઈ ગામ તરફ જતા રોડ પર બ્રાઈટ સ્કુલની નજીક પહોંચ્યો હતો. તે વખતે આસમાએ પલ્સર બાઇક પર કારનું પાયલોટિંગ પણ કર્યું હતું. અને ત્યાં અવાવરુ જગ્યામાં કાર મૂકીને બાઈક પર પરત બોરીજ આવી ગયા હતા. તે સમયે આસમા તેની દીકરીને પણ સાથે લઈ ગઈ હતી.

પોલીસને ગેરમાર્ગે દોરવા આસમાએ વિપુલ બીમારીના કારણે ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ પણ દાખલ કરાવી હતી. તે દરમિયાન પોલીસને વિપુલની લાશ મળી આવી હતી. તપાસને અંતે પ્રેમી પંખીડાએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે વકીલ તરફથી રજૂ કરવામાં આવેલા પુરાવાઓને આધારે બંને પ્રેમી પંખીડાને આજીવન કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

 32 ,  1