આકાશી આફતનો કહેર: વીજળી પડવાના કારણે UP સહિતના ત્રણ રાજ્યોમાં 67 લોકોના મોત

CM યોગી આદિત્યનાથ અને અશોક ગેહલોતે આર્થિક સહાયની કરી ઘોષણા

દેશમાં હજુ ચોમાસાનો માહોલ જામ્યો નથી ત્યાં દેશના જુદા-જુદા વિસ્તારોમાં વીજળી પડવાના બનાવો સામે આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિવિધ જિલ્લામાં વિજળી યમરાજ બનીને ત્રાટકી છે. યુપીમાં 41 લોકોનાં વીજળી પડવાથી મોત થયા છે જ્યારે રાજસ્થાનમાં 20 લોકોનાં મોત થયા અને એમપીમાં 7 જણના વિજળી પડવાથી મોત નિપજ્યા છે. આમ એક જ દિવસમાં કુલ 67 લોકોનાં મોત નિપજી ચૂક્યા છે.

ઉત્તર પ્રદેશમાં આકાશી વીજળીએ ભયંકર વિનાશ વેર્યો છે. ફક્ત પ્રયાગરાજમાં જ 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. પ્રયાગરાજ હોય​કે ફિરોઝાબાદ, આકાશી વીજળીનો કહેર બધે જ જોવા મળ્યો. ફિરોઝાબાદ જિલ્લામાં ભારે ઉકળાટ પછી ભારે વરસાદે દસ્તક આપી હતી. પરંતુ તે સમયે લોકોને ખબર ન હતી કે આ વરસાદ આપત્તિ લાવશે, તે ગામમાં અરાજકતા પેદા કરશે. ફિરોઝાબાદમાં ત્રણ ગામમાં ત્રણ લોકોએ વીજળી પડતા જીવ ગુમાવ્યા.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આકાશમાંથી વીજળી પડતા તેની ઝપેટમાં આવીને મૃત્યુ પામેલા લોકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે.

બીજી બાજુ રાજસ્થાન સરકારે પણ પીડિત પરવિવારને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની એલાન કર્યું છે જે પૈકી 4 લાખ ઈમરજન્સી રિલીફ ફન્ડમાંથી અને 1 લાખ સીએમ રિલીફ ફંડમાંથી આપવામાં આવશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે આકાશમાંથી વીજળી પડતા થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે કોટા, ધૌલપુર, ઝાલાવાડ, જયપુર અને બારામાં વીજળી પડવાથી થયેલી જાનહાનિ ખુબ જ દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે.

 56 ,  1