એન્ટેલિયાની જેમ આર્યન કેસમાં પણ ધામ-ધૂમ અને ધડાકા-ભડાકા..

બન્ને કેસોમાં સમાનતા અને વિસંગતતા..

પરમબીર લાપતા..દેશમુખ લાપતા..ગોસાવી લાપતા..

પ્રભાકરે અનેકના વટાણા વેરી નાંખ્યાં…

100 કરોડ-25 કરોડ-18 કરોડ અને 8 કરોડ…!

મહારાષ્ટ્રમાં દિવાળી પહેલા ફટાકડાંની લૂમો…તડતડતડ..

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

એન્ટેલિયા અને આર્યન. બન્નેની એક જ રાશિ મેષ છે. ભારતના ધનપતિ સિંહ રાષિવાળા મુકેશભાઇ અંબાણીએ મુંબઇમાં આલિશાન રહેઠાણ બાંધીને તેનું નામ એન્ટેલિયા રાખ્યું હશે ત્યારે કદાજ તેમને પણ ખ્યાલ નહીં હોય કે આગળ જતાં તેમનું ઘર પોલીસ વિવાદમાં આવશે અને કોઇ કેસ મુંબઇ પોલીસના દફતરે એન્ટેલિયા વિસ્ફોટક કેસ તરીકે આળખાશે.

બોલીવુડના અભિનેતા કુંભ રાષિવાળા શાહરૂખખાને પોતાના પુત્રનું નામ મેષ રાશિ પર આર્યન રાખ્યુ હશે ત્યારે તેમને પણ મુકેશભાઇની જેમ ખ્યાલ નહીં હોય કે આગળ જતાં આર્યનના નામે કોઇ કેસ સિંહ રાષિવાળા મુંબઇ શહેરમાં એનસીબીના ચોપડે નોંધાશે… એન્ટેલિયા કેસમાં મુકેશભાઇને દુખ નહીં થયું હોય કેમ કે તેમાં તેમને કાંઇ લેવા કે દેવા નથી. પણ આર્યન કેસમાં તેના પિતા શાહરૂખખાન ચોક્કસ દુખી હશે. કેમ કે તેનો પુત્ર દિવસોથી એનસીબીની પોલીસ કસ્ટડીમાં છે.

મુંબઇમાં અને મહારાષ્ટ્રના રાજકારણમાં આ બે કેસો ખૂબ જ રસપ્રદ થઇ રહ્યાં છે. ફેબ્રુઆરી-2021માં મુંબઇ પોલીસના સચિન વાઝેએ જીલેટીન વિસ્ફોટક સામગ્રી ભરેલી તેમના મિત્ર મનસુખ હિરેનની એસયુવી કાર અંબાણીના નિવાસસ્થાન એન્ટેલિયાની બહાર મૂકી તે પછી પોલીસ વિભાગમાં જ નહીં પણ મહારાષ્ટ્ર સરકાર અને રાજકારણમાં એવો ખળભળાટ મચ્યો છે કે મહારાસ્ટ્રના સીએમ ઠાકરેએ કહ્યું તેમ તેમની સરકારના પૂર્વ હોમ મિનિસ્ટર અનિલ દેશમુખની સામને ફરિયાદ કરનાર મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંઘ ફરિયાદ નોંધાવીને લાપતા છે… કોઇ તો આરોપી ગાયબ થાય પણ આ કેસમાં તો ફરિયાદી ગુમ છે..!

જો કે ઠાકરેએ એ ના કહ્યું કે પરમબીરે જેમની સામે 100 કરોડની વસૂલીનો આરોપ મૂક્યો તે અનિલ દેશમુખ પણ એનઆઇએથી નાસતા ફરી રહ્યાં છે. ફરિયાદી પરમબીરની જેમ તેઓ પણ લાપતાગંજ છે..! એકને (પરમબીરને) મહારાસ્ટ્ર પોલીસ શોધી રહી છે તો બીજાને ( એનસીપીના દેશમુખને )ભારત સરકારની તપાસ એજન્સી એનઆઇએ શોધી રહી છે અને બન્ને છૂમંતર છે…

ચાલુ માસની શરૂઆતમાં મુંબઇથી ગોવા જતા ક્રુઝ પર એનસીબીએ દરોડો પાડ્યો અને રેવ પાર્ટી..માદક પદાર્થ…હાઇપ્રોફાઇલ આર્યનખાન…બીજા આવા આરોપીઓની ધરપકડ અને ટીવીનાકેમેરા થાકી જાય એટલી જલ્દી ફટાફટ આર્યન અને અન્ય આરોપીઓને બાવડ઼ેથી ઝાલીને લઇ જવાના દ્રશ્યો અને ઇસ વક્ત કી સબ સે બડી ખબર… શાહરુખખાનનો દિકરો ડ્રગ્સમાં પકડાયો…પકડાયો..પકડાયો..કહી કહીને લોકોને આર્યનના જન્મની આખી કુંડળી કહી નાંખી…અને હવે એ જ કેસમાં એન્ટેલિયાની જેમ હવે નવા નવા ફણગા દિવાળીના ફટાકડાંની જેમ ફૂટી રહ્યાં છે….

આર્યન ક્રુઝ રેવ પાર્ટી ડ્રગ્સ કેસમાં સૌથી પહેલાં ઠાકરે સરકારના મંત્રી નવાબ મલિકે ફટાકડો ફોડ્યો…એનસીબીની કાર્યપધ્ધતિ સામે પોલખોલ જેવુ કર્યું. લોકોને લાગ્યું કે નવાબ રાજકારણ રમી રહ્યા છે. છેલ્લે તેમણે એનસીબીના વડા સમીર વાનખેડેને જેલમાં નાંખી દેવાની ધમકી પણ આપી દીધી…! અને એ ફટાકડાનો અવાજ અને ધૂમાડો વિખરાઇ જાય તે પહેલાં પાંચસો પંચાવનિયો બોંબ ફોડ્યો- કે.પી. ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સેઇલ નામની વ્યક્તિએ….! તેમણે નોટરાઇઝડ સોગમદનામા પર ધડાકો કર્યો કે આ કેસમાં પંચ તરીકે તેમની કોરા કાગળ પર સહી લઇ લેવામાં આવી છે અને તેઓ જેના બોડીગાર્ડ છે તે ગોસાવીએ આર્યનના કેસમાં આર્યનના પિતા પાસેથી 25 કરોડ માંગ્યા હતા. અને છેલ્લે 18 કરોડમાં વાત પાકી થઇ હતી. શાહરૂખખાનની મેનેજર પૂજા દદલાણી સાથે વાત થઇ હતી, 18માંથી 8 કરોડ સમીર વાનખેડેને આપવાની વાત થઇ હતી..!! કહેવાય છે કે કે.પી. ગોસાવી કોઇ પ્રાઇવેટ ઇનવેસ્ટીગેટર છે અને એનસીબીને માહિતી આપતો હશે. એનસીબીની ઓફિસમાં આર્યન સાથેની તેની સેલ્ફી વાઇરલ થયા બાદ તે પણ લાપતા છે. અને તેનો બોડીગાર્ડ હવે ખુલીને બહાર આવ્યો છે..

આવો ખુલાસો થાય પછી નવાબ અને શિવસેના છોડે..?. પ્રભાકર સેઇલના મિડિયા ધડાકા બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે એનસીબીની ઓફિસની અંદરનો એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં એનસીબીની કસ્ટડીમાં આર્યન ખાન દેખાઈ રહ્યો છે અને તેની સાથે કેપી ગોસાવી દેખાઈ રહ્યો છે. એનસીબીનો દાવો છે કે, કેપી ગોસાવી એ સ્વતંત્ર સાક્ષી છે. સંજય રાઉતે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો. રાઉતે લખ્યું છે કે, આર્યન ખાન કેસમાં સાક્ષી પાસે કોરા કાગળ પર એનસીબીએ સહી કરાવી, જે અત્યંત ચોંકાવનારી બાબત છે.”

જ્યારે એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે પોતાની પ્રતિક્રિયામાં ટ્વિટમાં લખ્યું છે કે, ‘સત્યની જ જીત થશે. સત્યમેવ જયતે.’ ક્રુઝ પર રેડ સમયનો જે વીડિયો સામે આવ્યો હતો તેમાં બે અજાણ્યા શખ્સ જોવા મળ્યા હતા. આ બે શખ્સ કોણ છે તેની ચર્ચા આમ પણ ચાલી હતી. અને એવુ બહાર આવ્યું કે, આમાંથી એકનું નામ કેપી ગોસાવી છે અને બીજાનું નામ મનીષ ભાનુશાળી છે. તે ભાજપના ઉપાધ્યક્ષ છે. એનસીબીની ઓફિસની અંદર ગોસાવીની સેલ્ફી પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાં. નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સમાં તે વખતે કહ્યુ હતું કે, તપાસ થવી જોઈએ કે સેલ્ફીમાં દેખાઈ રહેલી આ વ્યક્તિ કોણ છે? ત્યારપછી સમીર વાનખેડેએ ખુલાસો કર્યો કે, તે આર્યન કેસમાં સ્વતંત્ર સાક્ષી છે.

રાઉતે એક કદમ આગળ વધીને ટ્વિટ કરીને એવો પણ દાવો કર્યો કે, આર્યન ખાનને છોડી દેવા માટે તેના સુપરસ્ટાર પિતા શાહરૂખ ખાન પાસેથી મોટી રકમની ખંડણી માગવામાં આવી હોઈ શકે છે.. પ્રભાકરે કરેલા નોટરાઇઝડ દાવા બાદ એનસીપીના વડા સમીર વાનખેડે પરમબીરની જેમ દોડતા થઇ ગયા અને મુંબઇ પોલીસ કમિશ્નરને જાણ કરી કે તેમને હવે ખોટા કેસમાં ફસાવી દેવાશે એટલે મહેરબાની કરીને મારી ધરપકડ ના કરતાં..! પણ વાનખેડે એ કેમ ભૂલી ગયા કે મહારાષ્ટ્રમાં હાલમાં કોની સરકાર છે..?! જે સરકારે મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરને દેશમુખ પર કરેલા ારોપો બાદ દોડતાં કરી નાંખ્યા, એ સરકાર દ્વારા મૂકાયેલા મુંબઇના પોલીસ કમિશ્નર ઉપર દબાણ આવે તો તેઓ અર્નબ ગોસ્વામીની જેમ કોઇની પણ ધરપકડ કરી શકે..

એન્ટેલિયા કેસમાં જેમ તપાસ થતાં થતાં મનસુખ હિરેનની હત્યાનો ગંભીર મામલો બહાર આવ્યો અને વાત છેક ક્યાંથી ક્યાં પહોંચી ગઇ…તેમ આર્યન કેસમાં કોઇ હિરેન જેવુ ના થાય તો સારૂ…! ભગવાન સૌનું ભલુ કરે…એક રેવ પાર્ટીએ કેટલાયની રેવડીઓ રસ્તા પર નાંખી દીધી..! પરમબીરસિંઘ લાપતા છે…અનિલ દેશમુખ લાપતા છે..આર્યન કેસમાં મનીષ ભાનુશાળી લાપતા છે…ગોસાવી લાપતા છે…તો શું ફરીથી લાપતાગંજ સિરિયલ બનશે..? યે બંબઇ શહર હાદસો કા શહર હૈ…યહાં મોડ મોડ પર રોજ રોજ હોતા હૈ કોઇ ન કોઇ હાદસા…હાદસા..

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી