સુભાષબાબુની જેમ મમતાદીદી ચલો દિલ્હી…ની રાહ પકડશે તો…? ફરી ખેલા હોબે..?!

2021માં બંગાળ જીત્યા બાદ દીદી “દાદા”ને પડકારવા 2024માં ઉતરશે તો..?

દીદીની જીતથી સોનિયા ટેન્શનમાં- રાહુલ હવે વડાપ્રધાન બનશે કે કેમ..?

દીદીએ કહ્યું- એક પગે બંગાળ અને બીજા પગે દિલ્હી જીતીશ…

મમતાદીદી હવે “દેશ કી દીદી” વડાપ્રધાનપદનો વિપક્ષી ચહેરો બનશે..?

વડાપ્રધાનપદની લાઇનમાં છે- અખિલેશ-માયાવતી-રાહુલ…


(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

પાંચ રાજ્યોમાં ચૂંટણીઓની તમામ પ્રક્રિયાઓ સંપન્ન થઇ છે. આસામમાં ભાજપનું કમળ ફરી ખીલ્યુ અને ભાજપ ફરી સત્તામાં, કેરળમાં લાલ બિરાદર સામ્યવાદી સરકાર સીએમ વિજયનના નેતૃત્વમાં ફરી સત્તામાં અને તામિલનાડુ તથા પોંડીચેરીમાં પરિવર્તન થયું છે. તામિલનાડુમાં જયલલિતાની પાર્ટી એઆઇએડીએમકે હવે વિપક્ષમાં બેસશે અને જયલલિતાના કટ્ટર રાજકિય હરિફ કરૂણાનિધિની પાર્ટી ડીએમકે સત્તામાં આવી રહી છે.

પરંતુ પાંચ રાજ્યોમાં જેના પર ભાજપ સહિત સૌની નજર હતી તે પ.બંગાળમાં ઓસલ પોરિબોર્તન… તો ઠીક પણ કોઇ પોરિબોર્તન ના જ થયું અને બંગળના મતદારોએ ફરીથી બંગાળની દિકરી મમતાદીદીના હાથમાં ત્રીજીવાર બંગાળની બાગડોર સોંપીને ભાજપને 77 બેઠકો સાથે વિપક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે. રાજકારણમાં આ પરિણામોના પગલે જે હોટ હોટ ચર્ચા અને વિશ્લેષણો શરૂ થયા છે તે એ છે કે ભાજપની તમામ તાકાત સામે શક્તિમાનની જેમ ઉભરી આવેલા મમતાદીદી શું હવે “દેશ કી દીદી” બનીને 2024માં લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદનો વિપક્ષી ચહેરો બનશે..?

બંગાળમાં એક ચૂંટણી પ્રચારમાં ઘાયલ મમતાદીદીએ ઇશારો કર્યો હતો કે એક પગે તેઓ બંગાળ જીતશે અને બીજા પગે દિલ્હી..! પ્રચારમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સામે ખૂબ આરોપો અને આક્ષેપો લગાવ્યા હતા. બંગાળ સાથે કઇ રીતે મોદી સરકાર અન્યાય કરે છે તેના અનેક દાખલા અને દલીલો કરી હતી. પરિણામ દર્શાવે છે કે મતદારોએ પોતાની દિકરી પર ફરી વિશ્વાસ મૂક્યો અને ગઇ વખતની 211 કરતાં થોડીક વધારે બેઠકો આપીને માત્ર દીદીની આબરૂને જ નથી બચાવી પણ જાણે કે એમ પણ કહ્યું હોય કે, દિકરી.. તમે બંગાળની ચિંતા ના કરશો, દિલ્હીની તૈયારીઓ કરો…! યાહોમ કરીને પડો ફતેહ છે આગે…

મમતાદીદી માટે દિલ્હી કાંઇ નવુ નથી. તેમણે રેલવે મંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં કામ કર્યું છે. રેલવેને દુરન્તો એક્સપ્રેસ ટ્રેન તેમની ભેટ છે. પણ એટલા અનુભવથી કાંઇ તેઓ રાષ્ટ્રીય ચહેરો બની શકે..? બંગાળમાં જે રીતે તેમણે એકલાએ તાકતવર ભાજપને પરાસ્ત કરી બતાવ્યું તે જોઇને તેમનું રાજકિય કદ ચોક્કસ વધ્યું છે પણ તેને વિપક્ષના વડા પ્રધાનપદના ઉમેદવાર સુધી લઇ જવા માટે તમામને વિશ્વાસમાં લેવા પડે અને તે કાંઇ એટલુ સરળ નથી. કેમ કે વિપક્ષમાં તમામને વડાપ્રધાન થવાના અભરખા છે. જેમાં સૌથી મોટુ વિઘ્ન કોંગ્રેસ છે.

વિપક્ષના નેતૃત્વના ચહેરાની તપાસ કરીએ તો, પહેલું નામ વાયનાડના સાંસદ રાહુલ ગાંધી છે. 51 વર્ષિય રાહુલ ગાંધીના નામે કોઈ એવી કોઇ ઉપલબ્ધી નથી કે જેને બીજા વિપક્ષી રાજકીય નેતાઓ સ્વીકારી શકે. સતત બે લોકસભા ચૂંટણીમાં તેમની ખરાબ હાર થઈ છે. અમેઠીમાં તેમની હાર કોંગ્રસ માટે મોટી ઘટના હતી. અમેઠી છોડીને તેમને કેરળમાં વાયનાડ જવુ પડ્યું અને ત્યાંથી જીત્યા.રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ કોઈ વિધાનસભા ચૂંટણીમાં પણ કોઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી. આ સિવાય રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જેમ તેમ સરકાર બનાવવામાં સફળ રહી હતી. જેમાં મધ્યપ્રદેશ અને કર્ણાટકામાં થોડા મહિના બાદ ભાજપ તોડફોડ કરીને સત્તામાં આવી ગઇ..રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાય છે એ પરંપરાના ભાગરૂપે કોંગ્રેસને સત્તા મળી પણ સીએમ અશોક ગહેલોત અને સચિન પાઈલટ વચ્ચે ખેંચતાણની સ્થિતિ છે. જેનાથી પ્રજામાં સ્પષ્ટ સંકેત જઈ રહ્યા છે કે પાર્ટી પોતાના ધારાસભ્યોને એક રાખવામાં સક્ષમ નથી.

ભારતની રાજનીતિમાં બીજા રાજકિય પક્ષોમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતી, જેડીએસના આગેવાન એચડી કુમારસ્વામી, સામ્યવાદી પાર્ટીના સીતારામ યેચુરી સહિત તમામ નેતાઓમાંથી કોઈ પણ એવા અને એટલા સક્ષમ નથી કે જે ભાજપની સામે મમતાદીદીની જેમ તાકાતથી પોતાનો પક્ષ રજૂ કરી શકે, એટલે કે અહીં ભાજપ સામેની સીધી ટક્કરમાં મમતા બેનર્જી સફળ થઈ રહ્યા હોય તેમ જણાઇ રહ્યું છે.

આ વિપક્ષી નેતાઓમાં વડાપ્રધાન બનવાની અદમ્ય ઇચ્છા તો છે પણ મમતાદીદીની જેમ ભાજપનો સામનો કરવાની રાજકિય ઇચ્છાશક્તિનો અભાવ જણાય છે. માયાવતી સુપ્રિમ કોર્ટના કેસોને કારણે દબાઇને શાંત બેઠા છે. અખિલેશ યુપીમાં યોગી સરકારનો મુકાબલો કરવામાં બિનકાર્યક્ષમ પૂરવાર થઇ રહ્યાં છે. કુમારસ્વામીના પિતા એચડી દેવગોવડા નશીબના જોરે અલ્પ સમય માટે વડાપ્રધાન બન્યા હતા. કુમારસ્વામી કર્ણાટકથી બહાર નિકળી શકવા અસમર્થ છે.

બીજી તરફ, રાજ્ય વિધાનસભા ચૂંટણી પ્રચાર હોય કે પછી કોઈ રાષ્ટ્રીય મુદ્દો, તમામ રીતે મમતા બેનર્જી વિપક્ષની એકમાત્ર નેતા છે કે જે સીધે-સીધી વડાપ્રધાન મોદીને પડકાર આપતી દેખાઈ છે. વડાપ્રધાન મોદી જે રીતે ભાષણ કરીને વિરોધ કરતા હતા તે જ અંદાજમાં મમતા બેનર્જી પણ ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા દેખાતા હતા. કલમ 370થી લઈને એનઆરસી, સીબીઆઈની રાજ્યમાં કાર્યવાહી, મા દુર્ગા મૂર્તિ વિસર્જન, જય શ્રીરામના નારા વગેરે તમામ મુદ્દા સામે મમતા બેનર્જી મજબૂત રીતે ભાજપને નિશાના પર લેતા રહ્યા છે અને બંગાળ ફરી જીતીને પૂરવાર કર્યું છે કે ભાજપને તેઓ જ જોરદાર ટ્ક્કર આપી શકે તેમ છે.

2015માં વિધાનસભા ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમારે હાથ મિલાવીને જબરજસ્ત જીત મેળવી હતી. ચર્ચા હતી કે નીતિશ કુમાર કેન્દ્રમાં વિપક્ષનો ચહેરો બની શકે છે. પરંતુ લગભગ એક જ વર્ષમાં ફરી તેઓ એનડીએમાં જોડાઇ ગયા અને લાલુ જેલમાં…! 3 વર્ષ બાદ લાલુ હવે જામીન પર જેલની બહાર આવ્યાં છે પણ તેઓ કાંઇ વિપક્ષનો ચહેરો બની શકે તેમ નથી. વિપક્ષ સર્વસામાન્ય ચહેરો શોધવામાં છે ત્યારે બંગાળના પરિણામોના પગલે હવે “બંગાળની દિકરી” હવે “ભારતકી બેટી”..બનીને ભાજપની સામે આવી શકે. કેમ કે રાજકારણમાં કાંઇપણ અશક્ય નથી..

સવાલ એ પણ બને કે વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાનપદના ચહેરા તરીકે કોને પસંદ કરશે- રાહુલ ભૈયા કે મમતાદીદી..? અને આમ પણ મમતાદીદીનું મૂળ અને રાજકિય કૂળ તો કોંગ્રેસ જ છે. કોંગ્રેસમાંથી અલગ થઇને તેમણે તૃણમૂલ કોંગ્રેસ નામનો નવો પ્રાદેશિક રાજકિય પક્ષ બનાવ્યો અને 10 વર્ષ પહેલાં બંગાળમાં સામ્યવાદીઓની સરકારને એકલા હાથે ઉખાડી ફેંકીને સત્તા મેળવી હતી. 2011, 2016 અને હવે 2021માં હેટ્રીક નોંધાવીને તેઓ ફરીથી વ્હીલચેર પર બેસીને બંગાળીબાબુ અને આઝાદ હિંદ ફૌજના પ્રણેતા સુભાષચંદ્ર બોઝની જેમ ચલો દિલ્હી…ની રાહ પકડશે તો…? ખેલા હોબે…? પોરીબોર્તન..? ભાજપ સાવધાન…2024 કાંઇ દૂર નથી. મમતા કદાજ દિલ્હી માટે આ ગીત ગાવાનું શરૂ કરી દે-દિવસો જુદાઇના જાય છે..એ જશે જરૂર દિલ્હી સુધી..મારો હાથ ઝાલીને લઇ જશે મુજ શત્રુઓ ખુર્સી સુધી…!! પણ તે પહેલાં 2022માં યુપી, ઉત્તરાખંડ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં બંગાળની જીતની હવા ના પહોંચે…! જો જો..સંભલ કે કમલબાબુ…!

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર