ગાંધીનગર : ચીલોડા-હિંમતનગર હાઇવે પર દારૂની હેરફેરના નેટવર્કનો પર્દાફાશ

વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂા. 25.74 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરમાં ચીલોડા-હિંમતનગર હાઇવે પર મહુંધરા ગામ પાસે લોકલ ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂની ભરેલી કન્ટેનરને ઝડપી પાડી રૂ. 14.79 લાખની કિંમતના વિદેશી દારૂ-બિયરની 288 પેટીઓ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હરિયાણાથી ઈપીઈ ફોર્મ સીટોની આડમાં રૂ. 14.79 લાખની કિંમતના વિદેશી દારૂ-બિયરની 288 પેટીઓ ભરીને શામળાજી બોર્ડર ક્રોસ કરી કન્ટેનર ટ્રક ગાંધીનગરની હદમાં થઇ અમદાવાદ જતી હતી. એ દરમિયાન પોલીસે વોચ ગોઠવી કુલ રૂ. 25 લાખ 74 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાંચ વિદેશી દારૂની હેરફેરનાં નેટવર્કને ઝડપી લેવા પ્રયત્નશીલ હતી. એ દરમિયાન પીએસઆઇ પી ડી વાઘેલાને બાતમી મળી હતી કે હિંમતનગર તરફથી હરિયાણા પાર્સીંગની કન્ટેનર ટ્રકમાં દારૂના મસમોટા જથ્થાની હેરફેર થવાની છે. જે ટ્રક ચીલોડા-હિંમતનગર હાઇવે રોડ પરથી પસાર થઇ અમદાવાદ તરફ જવાની છે. જેનાં પગલે પીએસઆઇ એસ પી. જાડેજા સહિતના સ્ટાફના માણસો મહુંધરા હાઇવે રોડ પર વોચમાં ગોઠવાઈ ગયા હતા.

આ દરમિયાન બાતમી વાળી કન્ટેનર ટ્રક (નંબર HR-55M-2206) હિંમતનગર તરફથી આવી પહોંચતા તેને રોકી દેવાઈ હતી. બાદમાં એલસીબીની ટીમને કન્ટેનર ટ્રકની તલાશી લેતાં 317 નંગ ઈપીઈ ફોર્મ સીટોની આડાશમાં વિદેશી દારૂ-બિયરની 288 પેટીઓનો જથ્થો મળી આવતાં ડ્રાઈવર રાજેન્દ્ર છોટુરામ નેતરામ નાયકની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે ડ્રાઇવરે કબૂલાત કરી હતી કે ઉક્ત વિદેશી દારૂ-બિયરનો જથ્થો તેના ઘરની સામે રહેતા સંદીપસિંઘ જાટનો છે અને ટ્રકના માલિક કિશનસિંઘે આ દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. જે તે લઈને હરિયાણાથી શામળાજી-ગાંધીનગર થઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. જ્યાં અમદાવાદના અસલાલી પહોંચ્યા પછી તેને ફોન પર ડીલીવરી સ્થળની સૂચના મળવાની હતી.

બાદમાં એલસીબીએ રૂ. 14 લાખ 79 હજારની કિંમતનો દારૂ-બિયરની 288 પેટીઓમાં ભરેલ 7764 નંગ દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ ફોન, 317 નંગ ઈ પી ઈ ફોર્મની સીટો મળીને કુલ રૂ. 25 લાખ 74 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચીલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

 20 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી