સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, બે તબક્કામાં યોજાશે મતદાન

મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન તો નગરપાલિકા અને પંચાયતોનું 28 ફેબ્રુઆરીએ મતદાન

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી. જે પ્રમાણે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી તેમજ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. આ મતદાનની મતગણતરી મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરી અને નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની મતગણતરી 2જી માર્ચ રાખવામાં આવી છે.

હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, એની સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ યોજવામાં આવશે. જેમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવાની થતી તૈયારીઓ, પોલીસ સ્ટાફ, મતદાન મથકો, ચૂંટણી સ્ટાફ વગેરે બાબતો પર પરામર્શ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

વર્ષે 2015માં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે રાજ્યમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીના આંદોલનની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં થઈ હતી. જેના પરિણામે રાજ્યમાં છેલ્લા બે દશકાથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીને અનેક જગ્યાએ હારનો સામનો કરવો પડ્યો હતો. કૉંગ્રેસને આ આંદોલનનો સીધો જ ફાયદો થયો હતો. પરંતુ હવે ગુજરાતનું રાજકીય વાતાવરણ બદલાયું છે. વર્ષે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં ફરી 26માંથી 26 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારબાદ યોજાયેલી પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો વિજય થયો હતો. સામા પક્ષે કૉંગ્રેસ પોતે જીતેલી બેઠકો પણ સાચવી શકી ન હતી.

વર્ષે 2015ની ચૂંટણી બાદ યોજાયેલી પેટા ચૂંટણીના અંતે વર્તમાન સમયમાં જો સ્થાનિક સ્વરાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત કરવામાં આવે તો ભાજપ પાસે મહાનગરપાલિકાની 664 બેઠકોમાંથી 473 બેઠકો છે. એટલે કે મહાનગરપાલિકામાં ભાજપના 71.23 પ્રતિનિધિઓ ચૂંટાયા છે.

જ્યારે નગરપાલિકાના 4,987માંથી ભાજપના 3,099 પ્રતિનિધિઓ ચૂંટાયા છે. એટલે કે 62.14 ટકા ઉમેદવાર ચૂંટાયા છે. જિલ્લા પંચાયતના કુલ 1,098 ઉમેદવારમાંથી ભાજપના 512 પ્રતિનિધિ છે. એટલે કે 46.63 ઉમેદવાર ચૂંટાયા છે. જ્યારે તાલુકા પંચાયતની 5,218 બેઠકમાંથી 2,593 બેઠક ભાજપ પાસે છે, એટલે કે 49.69 ટકા ઉમેદવાર જીત્યા હતા.

હવે જ્યારે વર્ષે 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજ્યમાં કોઈ પણ પ્રકારના આંદોલનો નથી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના પેજ પ્રમુખ ફોર્મ્યુલાથી વિધાનસભાની આઠમાંથી આઠ બેઠકોની પેટા ચૂંટણી પર ભાજપે જીત મેળવી છે. બીજી તરફ ભાજપ કાર્યકરો પણ રિચાર્જ થઈ ગયા છે.

આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 11 હજાર જેટલી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોમાંથી વધુમાં વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે કાર્યકરોને આપ્યો છે. બીજી તરફ કૉંગ્રેસ હજુ પણ પોતાની જૂની પદ્ધતિથી ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. આથી હવે જોવાનું એ રહેશે કે ભાજપ પોતાની ઐતિહાસિક જીત કેવી રીતે મેળવે છે અને કૉંગ્રેસ પોતાની બેઠકો કેવી રીતે જાળવી શકે છે.

 90 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર