લોકડાઉન નહિ આવે, આપણે ફરીથી કોરોનાને હરાવીશું – CM રૂપાણી

પરીક્ષા રદ કરવા મામલે હવે પછી નિર્ણય લેવાશે : મુખ્યમંત્રી

ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયાને એક વર્ષ પૂર્ણ થયું છે. રસી પણ આવી ગઈ, છતાં એક વર્ષ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. લેટેસ્ટ સ્થિતિ મુજબ, દર કલાકે ગુજરાતમાં 46 લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હવે કોરોના મામલે ઢીલાસ નહિ ચાલે. લોકોને બિનજરૂરી હેરફેર ન કરવાની મુખ્યમંત્રીએ અપીલ કરી છે. સાથે જ લોકડાઉનની શક્યતા વચ્ચે તેમણે સ્પષ્ટતા કરી કે, લોકડાઉન નહિ આવે. આમ, તેમણે લોકડાઉનની વાતો અને અફવા પર પૂર્ણવિરામ મૂક્યું છે. સાથે જ કહ્યું કે, પરીક્ષા રદ કરવા મામલે હવે પછી નિર્ણય લેવાશે. 

તેમણે કહ્યું કે, પહેલા વ્યવસ્થાઓ હતી, તે રીતે જ બેડ તૈયાર છે. કેસ વધે તેની સરખામણીમાં છ ગણા બેડ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. ખાનગી હોસ્પિટલમાં પણ બેડ ઉપલબ્ધ કરાવવા કહ્યું છે. ખાનગી હોસ્પિટલમાં આવશ્યકતા મુજબ વ્યવસ્થા કરીશું. આરોગ્ય ખાતાને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે, કડકાઈ કરાવવામાં આવશે. સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. એસઓપીનું ભંગ ન થાય તે જોવાશે. પણ હાલ લોકડાઉનની વાત નથી. ભૂતકાળમાં કર્યું હતું, પણ હાલ લોકડાઉન નહિ લગાવાય. શાળા-કોલેજ ચાલુ રાખવા કે નહિ તે નિર્ણય આગામી સમયમાં લેવાશે. 

CM રૂપાણીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતુ કે,  ગયુ આખુ વર્ષ આપણે કોરોના સામે જંગ ખેલ્યો. જનતાએ પૂરેપૂરો સરકાર આપ્યો હતો. પણ ફેબ્રુઆરીમાં ખુબ ઓછા કેસ થઈ જતા, લોકોમાં બેફીકરાઈ જોવા મળી હતી અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં ઢિલાસ આવતા કોરોનાના કેસ વધ્યા છે. હવે ઢિલાસ નહીં ચાલે. ગુજરાત સરકારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોથી લઈને તમામ તબક્કે તૈયારીઓ દર્શાવી છે અને હાલ સંપૂર્ણ રીતે આપણે ફરીથી કોરોનાને હરાવીશું. 

વધુમાં CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, જેટલા કેસ છે તેના કરતા 5 ગણા બેડ તૈયાર છે. હાલ 5000 બેડ તૈયાર છે. ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં બેડ તૈયાર છે. ખાનગી હોસ્પિટલમાં મનપા દ્વારા સહાય મળતી હતી તે અંગે નિર્ણય લઈશું. શાળા-કોલેજો અંગે નિર્ણય લેવાશે. અને લોકડાઉન કોઈ સંજોગોમાં નહીં આવે. હાલ 3 લાખ વેક્સિનેશન આપવામાં આવે છે. હજુ વધારે રસીકરણ કરવામાં આવશે. 

 158 ,  1