પેરાશુટીયા ઉમેદવારોથી આખરે મતદારોને જ સહન કરવું પડે છે…!

અમદાવાદની લોકસભાની બે બેઠકો પૈકી અમદાવાદ પૂર્વ માટે હજુ ભાજપ કે કોંગ્રેસ બેમાંથી કોઈ પક્ષે ઉમેદવારો જાહેર કર્યા નથી. 2014માં ભાજપે હરિન પાઠકની ટિકિટ કાપી પેરાશુટીયા ઉમેદવાર તરીકે પરેશ રાવલને ઉતર્યા હતા. 5 વર્ષ સંસદ રહ્યા બાદ હવે ફિલ્મની ભાષામાં કહીએ તો બાબુ ભૈયાએ એમ કહ્યું કે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી. તેમના સ્થાને ભાજપ માંથી અન્ય અભિનેતા મનોજ જોશીનું નામ ચર્ચામાં છે. હરિન પાઠક પણ ટિકિટ ઈચ્છી રહ્યા છે. કોંગ્રેસે હજુ એક પણ નામ જાહેર કર્યું નથી. દાવેદારોમાં પણ કોણ કોણ છે તે પણ નક્કી નથી.

ભાજપ કે કોંગ્રેસ ચૂંટણીઓમાં ફિલ્મ કલાકારોને ટિકિટ આપે ત્યારે જે તે મત વિસ્તારના સામાન્ય મતદારોને સહન કરવું પડતું હોય છે. પરેશ રાવલે 5 વર્ષમાં એટલી વાર મત વિસ્તારની મુલાકાત લીધી અને કેટલા મતદારોના ઘરે ગયા એ પણ જગ જાહેર છે. ગઈ વખતે હરિન પાઠકે ભાજપના નેતૃત્વને કહ્યું હતું કે ભલે મને ટિકિટ ણ આપો પરંતુ કોઈ સ્થાનિકને ટિકિટ આપશો તો મતદારો અડધી રાત્રે પણ તેના ઘરે જઈને ઉભા રહી શકશે. તેમની વાત માનવામાં ન આવી અને અમદાવાદ પૂર્વની બેઠક પરેશ રાવલને ફાળવવામાં આવી ત્યારે તેનું પરિણામ એ આવ્યું કે હવે ખુદ પરેશ રાવલે જ ફરીથી ચૂંટણી લડવાનું ઈનકાર કર્યો છે. આ 5 વર્ષ દરમિયાન સામાન્ય મતદારોને જે સહન કરવું પડ્યું તે માટે કોને જવાબદાર ગણીશું?

જો આ વખતે પણ પેરાશુટની બહારના ઉમેદવારને ઉભા રાખવામાં આવશે તો વધુ 5 વર્ષ સામાન્ય મતદારોએ મનોજ જોશી કે અન્ય સાંસદનું ઘર શોધવું પડશે. માત્ર ભાજપમાં જ છે તેવું નથી કોંગ્રેસ પણ ઘણીવાર જીતી શકે એવા ઉમેદવારના માપદંડને ધ્યાનમાં રાખીને સ્થાનિકને બદલે કોઈ સેલિબ્રિટીને મેદાનમાં ઉતારે છે. પરંતુ આખરે તો સામાન્ય મતદારોને જ ત્યારબાદ સહન કરવાનું વારો આવતો હોય છે.

 104 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી