લોકસભાને લઇને વડા પ્રધાન મોદીનો પાટીદાર મતો માટે આ છે માસ્ટર સ્ટ્રોક

દેશમાં હવે લોકસભાની ચૂંટણીનો માહોલ ઉભો થયો છે ત્યારે ભાજપ , કોંગ્રેસ સહિતના દરેક રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડી ચોટી જોર લગાવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં એક કરોડથી વધુ પાટીદાર મતો હોવાથી બન્ને રાજકીય પક્ષોએ ભાજપ અને કોંગ્રેસ પાટીદાર આગેવાનોને ટિકિટ આપવા માટેની હિલચાલ શરૂ કરી છે, ત્યારે 2015 બાદ વિમુખ થયેલા પાટીદાર મતદારોને ખેંચવા માટે ભાજપે સૌરાષ્ટ્રમાંથી ખોડલધામના પ્રણેતા નરેશ પટેલને અને ઉત્તર ગુજરાતમાંથી વિશ્વ ઉમિયાધામના પ્રણેતા સી.કે.પટેલને ચૂંટણી લડાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે

લેઉવા અને કડવા એમ બે જૂથમાં વહેંચાયેલા પાટીદારોને મતદારોની સંખ્યા મુજબ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પટેલ મતો મેળવવા માટે ભાજપે નવી રણનીતિ અપનાવી છે. પાટીદારો જે રીતે ભાજપથી વિમુખ થઈ રહ્યા છે તેને લઇ ભાજપ માટે ચિંતાનો વિષય ઉભો થયો છે . ઉલ્લેખનીય છે કે 2014માં ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીની વિદાય બાદ તેમના અનુગામી તરીકે આવેલા આનંદીબેન પટેલ અને રૂપાણીના શાસનમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થતાં પાટીદાર સમાજનો કેટલોક હિસ્સો ભાજપ વિરોધી થઈ ગયો હતો. જેના કારણે 2015 બાદ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને પાટીદાર મતોનો મોટો ફટકો પડ્યો હતો. એટલું જ નહીં, 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ પાટીદાર મતોના કારણે ભાજપને અપેક્ષા કરતા ઓછી બેઠકો મળી હતી.

ત્યારે હવે આ સમગ્ર બાબતને લઇ હવે સી.કે.પટેલ-નરેશ પટેલને લડાવવા માટે નરેન્દ્ર મોદી ખુદ સક્રિય થયા છે જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 10 બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ રહેલું છે ત્યારે આ બેઠકો પર વિજય મેળવવા માટે ભાજપે ફરી એકવાર નવી રણનીતિ બનાવી છે. જેમાં લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ અને કડવા પાટીદાર સમાજના આગેવાન સી.કે.પટેલ ભાજપ કરતા પણ વધુ પીએમ મોદી સાથે ઘરોબો ધરાવતા હોવાથી લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજના બન્ને આગેવાનોને ભાજપમાંથી ચૂંટણી લડવા માટે નરેન્દ્ર મોદી દ્વારા સીધો જ સંપર્ક કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ બન્ને આગેવાનોને ભાજપમાંથી ચૂંટણી લડાવીને સૌથી વધુ લેઉવા પાટીદાર મતદાર ધરાવતા સૌરાષ્ટ્ર અને સૌથી કડવા પાટીદાર મતદાર ધરાવતા ઉત્તર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે અગાઉ સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજના ખોડલધામના કાર્યક્રમમાં ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલવવાના હતા પરંતુ ખોડલધામના કેટલાક પ્રશ્નો અને આગેવાનોની એવી લાગણી હતી કે ખોડલધામના ઉદ્ઘાટનમાં માત્ર પાટીદાર હોય તેવા નેતાઓને જ આમંત્રણ આપો. જેના કારણે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને બોલાવવાનું કેટલાક પાટીદારોનો સપનું અધુરું રહી ગયું હતું, એટલું જ નહીં નરેન્દ્ર મોદીને ખોડલધામમાં નહીં બોલાવવા મુદ્દે નરેશ પટેલે જે તે સમયે ટ્રસ્ટમાંથી રાજીનામું પણ ધરી દીધું હતું.
જોકે વિશ્વ ઉમિયાધામના પ્રણેતા સી.કે.પટેલ ભાજપના આગેવાન છે,જેથી સી.કે.પટેલે લોકસભા ચૂંટણી પહેલા ઉમિયાધામના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવામાં સફળ થયા હતા. જેના આધારે હવે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપમાંથી સી.કે.પટેલની ટિકિટ લગભગ નક્કી થઈ ગઈ છે.તેવું માનવામાં આવી રહ્યું છે

 139 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી