રેમડેસિવિર ઇન્જેક્શન માટે ઝાયડસ હોસ્પિટલમાં લાંબી લાઈનો…!

રાજ્ય સરકારના દાવા વચ્ચે લોકોને ઈનજેક્શનની અછતનો ડર

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધારો થઈ રહ્યો છે જેને લઇને લોકોમાં ભયંકર ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં કોરોના સંક્રમિત દર્દીઓને કોરોના સામે જંગમાં દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવે છે. ત્યારે બજારમાં આ ઇન્જેક્શન ખુબજ ઓછા મળે છે. એવામાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે અમદાવાદમાં વહેલી સવારથી જ લોકોની લાઈનો લાગી રહી છે.

ઝાયડસ હોસ્પિટલના ગેટ પર ઇન્જેક્શન લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ડોક્ટકના પ્રિસ્ક્રિપ્શન સાથે અમદાવાદ સહિત શહેર બહારથી પણ લોકો ઇન્જેક્શન લેવા માટે ઉમટી રહ્યા છે. લાઈનમાં ઉભેલા લોકોનુ કહેવું છે કે, બજારમાં રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહ્યા નથી અને જો મળે છે તો તેના ભાવ વધારે લેવામાં આવી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા રેમડેસિવીરનો પુરતો સ્ટોક ઉપલબ્ધ હોવાના દાવા વચ્ચે લોકોની લાઈનો અને ધસારો જોવા મળી રહ્યો છે. શનિવારે રાજ્યના એફડીસીએ કમિશનર, ડો.એચ. જી. કોશિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં 28,119 ઇન્જેક્શન ઉપલબ્ધ છે. રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં પાછલા અઠવાડિયામાં ઈન્જેક્શનની તીવ્ર અછત નોંધાઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જે હોસ્પિટલોમાં કોવિડ -19 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે, ત્યાં સ્ટોકનું સંચાલન કરવામાં આવે છે. તેમ છતાંય દર્દીના સંબંધીઓને ઘણીવાર ઈન્કેક્શનની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આવી દવાઓ કેવી રીતે પ્રાપ્ત કરવી અને ક્યાંથી મળે છે તે સુવ્યવસ્થિત કરવાની જરૂરિયાત છે.

રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે સંક્રમિત વ્યક્તિનો રિપોર્ટ, ડોક્ટરનું લખાણ, દર્દીના પુરાવા સાથે લોકો લાઈનમાં ઉભા છે. 1 વ્યક્તિને 6 ઇન્જેક્શનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. કેડીલાએ બનાવેલા ઇન્જેક્શનની કિંમત 899 છે અને ટેક્સ સાથે અંદાજે લોકોને 950 રૂપિયામાં મળી રહી છે. અમદાવાદ અને શહેર બહારથી પણ લોકોની રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લાંબી લાઈનો લાગી છે.

 18 ,  1