મહામંડલેશ્વર ભારતીબાપુ થયા બ્રહ્મલીન, સંત સમાજમાં શોકની લાગણી

બાપુના નશ્વર દેહને જૂનાગઢમાં વિધિ અનુસાર સમાધિ આપવામાં આવશે

વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુ 93 વર્ષની વયે બ્રહ્મલીન થયા છે. મહામંડલેશ્વર ભારતી બાપુએ અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમમાં શનિવારે મોડી રાત્રે દેહ ત્યાગ કર્યો હતો. ભારતીબાપુએ દેહ ત્યાગ કરતા સાધુ -સંતોમાં શોકનો માહોલ છે. સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમમાં સવારે 9.30 વાગ્યા સુધી ભારતી બાપુના બ્રહ્મલીન દેહને દર્શન માટે રાખવામાં આવશે.

ભારતીબાપુના પાર્થિવ દેહને જૂનાગઢ ખાતે સમાધિ સ્થાને લઈ જવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું.

બાપુના અંતિમ દર્શન કરવા માટે આશ્રમમાં ઘણા બધા સંતો અને સાધુ આવી પહોંચ્યા હતા. જગન્નાથજી મંદિરમાં મહંત દિલીપદાસજીએ એક મહાન સાધુ ગુમવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું. 

બાપુના નશ્વર દેહને જૂનાગઢ લઈ જવામાં આવશે અને ત્યાં વિધિ અનુસાર તેમને સમાધિ આપવામાં આવશે. ભારતીબાપુએ ધાર્મિક અને સામાજીક સેવાકીય પ્રવૃતિ દ્વારા અનેક પથદર્શક કામગીરી કરી હતી જેના લીધા વિવિધ સંપ્રદાયના સાધુઓમાં દુખની લાગણી જોવા મળી રહી છે. 

 64 ,  1