આમરણાંત ઉપવાસ કરનાર નેતા મહેશ સવાણીએ કર્યા પારણા..

યુવરાજસિંહે અસિત વોરાના રાજીનામા માટે બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનામાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની આપની માંગ સાથે સાત દિવસથી આમરણાંત ઉપવાસ કરનાર મહેશ સવાણીની તબિયત લથડતા એસવીપી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે એસવીપી હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઋષિભારતી બાપુ સહિતના સંતોએ તેમને પારણા કરાવ્યા હતા.

હેડ ક્લાર્ક ભરતીકૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંહ યાદવ અને મહેશ સવાણી છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. આ ઉપવાસ મામલે સરકારે મચક નહીં આપતાં આખરે ‘આપ’એ ઝૂકવું પડ્યું છે.

મહેશ સવાણીએ SVP હોસ્પિટલમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને નૌતમ સ્વામી, મોહનદાસ જી મહારાજ અને ઋષિ ભારતી બાપુના વરદ હસ્તે પારણાં કર્યાં હતાં. બાદમાં તેઓ નવરંગપુરા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે પાલક દીકરીઓના હાથે પણ પારણાં કર્યાં હતાં. ગુલાબસિંહ યાદવે પણ પારણાં કર્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્કની પરીક્ષામાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની માંગ સાથે આમ આદમી પાર્ટી આંદોલન પર ઉતરી છે. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે પત્રકાર પરિષદ સંબોધીને કહ્યુ હતું કે, સરકારને 2 દિવસનું અલ્ટીમેટમ આપીએ છીએ આટલા સમયમાં અસીતવોરાનું રાજીનામુ લેવામાં આવે. ત્યાર બાદ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરશે. રોડ પર આવવું પડે તો પણ આવીશું પરંતુ વિદ્યાર્થીઓનાં હિતમાં લડીશું. 13 જાન્યુઆરીએ આયોજીત થનારી પરીક્ષા અંગે પણ સરકારનું અને ગૃહરાજ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે. આ ઉપરાંત વોરાનું રાજીનામું નહી આવે પછી સિગ્નેચર અભિયાન ચલાવીશું. અસિતવોરા પદ પર રહેશે ત્યાં સુધી 100થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષાનો બહિષ્કાર કરશે. 

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી