મહીસાગર : બે વિદ્યાર્થીઓના મોત મામલે શિક્ષકો જવાબદાર હોવાનો પરિવારજનોનો આક્ષેપ

મહીસાગરઃ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કેનપુર ગામની હાઇસ્કૂલમાં 15 ઓગષ્ટે ધ્વજવંદન કરતી વખતે થાંભલો ઉંચો કરવા જતા કરંટ લાગતા બે વિદ્યાર્થીઓ દીપક અભેસિંહ રણા(15) અને ગણપત નાથાભાઇ વલવાઇ(15)ના મોત નીપજ્યા હતા.

આ ઘટનામાં મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોએ શાળાના શિક્ષકોની બેદરકારીને કારણે તેમના બાળકોએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સંતરામપુર તાલુના કેનપુરમાં બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો તે હાઇસ્કૂલ ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય મકવાણા અમરસિંહની છે. આ હાઇસ્કૂલમાં 90 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ગરીબ પરિસ્થિતિમાં જીવતા પરિવારનો પુત્ર ગુમાવતા આક્રંદ સાથે મૃતક દીપકના પિતાએ અભેસિંહ રણાએ જણાવ્યું હતું કે, હાઇસ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે. અને શિક્ષકોએ જ થાંભલો ઉભો કરવા માટે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. જેથી શિક્ષકો જ મારા દીકરાના મોત પાછળ જવાબદાર છે.મૃતક વિદ્યાર્થી ગણપતના પિતા નાથાભાઈ વલવાઇએ જણાવ્યું હતું કે, શિક્ષકોની બેદરકારીને કારણે અમારા બાળકોને મોતને ભેટ્યા છે.

જેથી અમને ન્યાય મળવો જોઇએ તેવી અમારી માંગણી છે.હાઇસ્કૂલના સંચાલક અમરસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે, હું બીમાર હતો, જેથી ઘટના વિશે મને કંઇ ખબર નથી. અવાજ આવ્યો એટલે બહાર ગયો, ત્યારે ખબર પડી હતી કે, શિક્ષકો બાળકોને લઇને દવાખાને ગયા છે. સંચાલકે તો આ ભૂલ વિદ્યાર્થીઓની હોવાની જણાવ્યું હતું.

 79 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી