વ્હીલચેર પે હો કે સવાર ચલી રે…મૈં તો અપને લોગો કે પાસ ચલી રે..! ખેલા હોબે..?!

ભાજપના નેતાઓ પણ મીઠી મૂંઝવણ અનુભવી રહ્યાં હશે કે હવે શું કરવુ…?

શુવેન્દુ અધિકારી પણ જાણતા હશે કે ઘાયલ દીદી કા યે રૂપ ડેન્જર હૈ..

વ્હીલચેર એક એવુ સાધન છે કે તે ભલભલાના મનમાં સહાનુભૂમિ જન્માવે છે…

ચાર સાંસદોની વિધાનસભા ચૂંટણીમાં એન્ટ્રી- ભાજપ અનસ્ટોપેબલ…

એકાએક વ્હીલચેરમાં જુએ તો ઘડી ડિટરજન્ટ પાવડર કી તરહ- ફર્ક તો દિખતા હૈ…!

જેવા સાથે તેવા- વ્હીલચેરનો જવાબ, સ્ટ્રેચર…?!

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

બંગાળમાં ઇન દિનો ખેલા હોબે…શબ્દ લોકોનો જીભે રમી રહ્યો છે. ટીવી ડિબેટમાં અને ટીવી મિડિયા દ્રારા બંગાળ જઇને લોકોને એકત્ર કરી યોજાતા ઓપિનિયન કાર્યક્રમમાં પણ સત્તાધારી પાર્ટી ટીએમસી અને સત્તા મેળવવા માંગતી ભાજપના ટેકેદારો અને કાર્યકરો ચર્ચામાં ખેલા હોબે….ખેલા હોબે…કહીને સીએમ મમતા બેનર્જી દ્વારા ભાજપને આ શબ્દ દ્વારા કરાયેલા પડકારનો પડઘો સંભળાઇ રહ્યો છે. ખેલા હોબે…ની સાથે હવે એક નવી તસ્વીર બંગાળના ચૂંટણી જંગના મેદાનમાં મતદારો સમક્ષ ઉભરીને આવી છે અને તસ્વીર એ છે કે ખેલા હોબે….કહેનાર સીએમ વ્હીલચેરમાં ડાબો પગ લાંબો કરીને બેઠા છે અને વ્હીલચેરમાં બેસીને જ તેઓ ફરીથી પદયાત્રા કરી રહ્યાં છે.. લોકોની વચ્ચે જઇને સહાનુભૂતિ મેળવી રહ્યાં છે.

માત્ર બંગાળની ચૂંટણીઓમાં જ નહીં પણ કદાજ ભારતના રાજકિય ઇતિહાસમાં એવુ પહેલીવાર બની રહ્યું છે કે કોઇ રાજ્યના સીએમ અને તે પણ લડાયક મિજાજના અને મહિલા સીએમ, એમ કહીને વ્હીલચેરમાં આવી ગયા કે તેમના ઉપર હુમલો થયો…..!! જો કે ચૂંટણી પંચે હુમલાની થીયરીને નકારી કાઢીને હુમલો નહીં પણ હાદસા-અકસ્માતે તેમને ડાબા પગમાં દરવાજા પર કોઇએ ધક્કો મારતા વાગ્યું હોવાનું જાહેર કર્યું. પણ રાજકારણમાં તે પછીના ખુલાસા છેવાડાના મતદાર સુધી પહોંચે ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઇ જતુ હોય છે. બંગાળના મતદારોમાં ટીએમસીના કાર્યકરો એ વાત ઠસાવી રહ્યાં હશે કે દીદી પર હમલા હુવા ઔર દેખો દીદી આપકે લિયે, આપકે દર્દ કે લિયે અપના દર્દ ભૂલ કર વ્હીલચેર પર બૈઠ કર આપકે લિયે નિકલ પડી હૈ…!!

મમતાને હરાવીને સત્તા મેળવવા માટેની રણનીતિ ઘડનારા ભાજપના નેતાઓ પણ “સીએમ ઓન વ્હીલ ચેર…” જોઇને મીઠી મૂંઝવણ અનુભવી રહ્યાં હશે કે હવે શું કરવુ…? કેમ કે બંગાળના વર્તમાન રાજકિય ઇતિહાસ અને તેમની સાથે કામ કરનાર શુવેન્દુ અધિકારી પણ ગવાહ છે કે , સામાન્ય હવાઇ ચપ્પલ પહેરનાર દીદી જ્યારે જ્યારે આવા ખતરનાક ઇમોશનલ મૂડમાં આવી છે ત્યારે ત્યારે સહાનુભૂતિ વોટનો ઢગલો તેમની તરફેણમાં થયો છે. ભાજપે ભલે તેને નાટક કે કોંગ્રેસે ભલે પાખંડ ગણાવે પણ રાજકિય રીતે જોઇએ તો મમતાદીદીએ પહેલા હિન્દુ કાર્ડ અને હવે ઇમોશનલ કાર્ડ રમીને સૌ મિડિયાને પણ નવાઇ પામતા કર્યા છે. કેટલાક મિડિયામાં મમતાદીદી પ્રત્યેના સૂર કંઇક હળવા પડ્યા હોય તેમ દીદીના ઇમોશનલ કાર્ડને મજબૂત ગણાવી રહ્યાં છે.

પહેલા ટાઇમ્સનાઉ અને હવે એબીપી ટીવી મિડિયાના સર્વેમાં જણાવાયુ છે કે બંગાળમાં મમતા અને ટીએમસી હજુ પણ મતદારોની પહેલી પસંદગી છે. અને આ સર્વે “સીએમ ઓન વ્હીલ ચેર…” પહેલા છે. હુમલો-હાદસા પછીના સર્વો હજુ જાહેર થયા નથી. વ્હીલચેર એક એવુ સાધન છે કે તે ભલભલાની સહાનુભૂમિ અને લાગણી જન્માવે છે. કોઇ વ્યક્તિ વ્હીલચેર પર બેઠો હોય કે તેને લઇ જવામાં આવી રહ્યો હોય તો મનમાં સંવેદના જાગે-અરરર…બિચ્ચારો…તેને ક્યાં , શું કઇ રીતે વાગ્યું તે જાણવાનો કોઇ પ્રયાસ ભાગ્યે જ કરે. સત્તાના 10 વર્ષ જ નહીં પણ વર્ષોથી લોકોની વચ્ચે રહેનાર પોતાના નેતાને મતદારો એકાએક વ્હીલચેરમાં જુએ તો ઘડી ડિટરજન્ટ પાવડર કી તરહ- ફર્ક તો દિખતા હૈ…!

બંગાળ જીતવા માટે ભાજપ કેટલુ આક્રમક છે તે એ બાબતથી જાહેર થાય છે કે બીજા-ત્રીજા તબક્કાની બેઠકો માટે ભાજપે પોતાના 4 સાંસદોને વિધાનસભામાં ઉતાર્યા છે.. જેમાં બે રાજ્યસભાના છે અને બે લોકસભાના છે. રાજ્યસભાના એક સાંસદ સ્વપ્ન દાસગુપ્તાની ઉમેદવારે લઇને ટીએમસી જોરમાં આવી ગઇ છે. ટાઇમ્સના કટારલેખક એવા સ્વપ્ન દાસગુપ્તાને ભાજપે રંજન ગોગોઇની જેમ સીધી નિમણંક દ્વારા મૂક્યા છે. જેમ કે સચિન તેંડૂલકર, રેખા વગેરેને સીધી નિમણૂંક દ્વારા રાજ્યસભાના સાંસદ બનાવાયા તેમ તેમને પણ 2016મા મૂક્યા અને હજુ મુદત પૂરી થઇ નથી.

દાસગુપ્તા ભાજપની સાથે સત્તાવાર રીતે જોડાયેલા નથી. ભાજપની તરફ સહેજ ઢળેલા હોવાથી તેમને 2016માં રાજ્યસભામાં મૂકવામાં આવ્યાં છે. હવે જો તેઓ બંગાળમાં ભાજપના ઉમેદવાર તરીકે લડે તો નિયમાનુસાર તેમનુ રાજ્યસભાનું સભ્યપદ જતું રહે. આ નિયમો ટાંકીને ટીએમસીએ રાજ્યસભાના સભાપતિ સમક્ષ સમગ્ર મુદ્દો લઇ જવાની જાહેરાત કરી છે. એવી ચર્ચા છે કે ભાજપે દાસગુપ્તાને વિધાનસભાની ચૂંટણીમાંથી પડતા મૂકવા પડે અથવા રાજયસભામાંથી તેમને રાજીનામુ અપાવવુ પડે.

ભાજપના 4 સાંસદોમાંથી એક બાબુલ સુપ્રિયો તો કેન્દ્રના મંત્રી પણ છે. એટલે કેન્દ્રીય મંત્રીને વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રખાયા છે. આને આ રીતે સમજીએ. જેમ કે પુરૂષોતમ રૂપાલા. તેઓ કેન્દ્રના મંત્રી છે. તેમને અમરેલી વિધાનસભા બેઠક લડવાનું કહેવામાં આવે તેમ સુપ્રિયોને બંગાળની ટોલીગંજ બેઠક માટે વિધાનસભામાં ઉભા રખાયા છે. જો તેઓ અને બીજા સાંસદો જીતશે તો સાંસદની બેઠક કે બેઠકો ખાલી કરવી પડે. જો કે આ બેઠકોની પેટા ચૂંટણી કરતાં ભાજપ માટે સાંસદોની સાથે બીજ ઉમેદવારો પણ જીતે અને બંગાંળમાં કેસરિયો લહેરાય તેની વેતરણમાં છે.

હજુ તો એક પણ તબક્કાનું મતદાન યોજાયુ નથી. તે પહેલા બંગાળમાં જે બની રહ્યું છે તે રાજકિય રીતે રસપ્રદ બની રહ્યું છે. જો કે ભાજપે બંગાળમાં સીએમના ચહેરા તરીકે કોઇને જાહેર કર્યા નથી. કેરળમાં મેટ્રોમેન ઇ. શ્રીધરનને ભાવિ સીએમ રીકે જાહેર કર્યા છે. પણ બંગાળમાં કોઇ ફોડ પાડ્યો નથી. બની શકે તે રણનીતિનો કોઇ ભાગ હોઇ શકે. હાલ તો ભાજપ માટે એક મુદ્દાનો કાર્યક્રમ- ચૂંટણી જીતો…મતદારોને પોતાની તરફ લાવીને ચૂંટણીઓ જીતો. પણ ટીએમસીના ઇમોશનલ કાર્ડની સામે ભાજપે તેના કરતાં પણ મજબૂત હુકમનો એક્કો ઉતારવો પડે. ભાજપમાં સવાલ એ પણ હશે કે મમતાના “સીએમ ઓન વ્હીલચેર” નો રાજકિય જવાબ કઇ રીતે આપવો…?! કઇ રીતે આપશે..?

ભાજપ દીદીને જવાબ આપવા જલ્દીથી કંઇક કરે… કેમ કે દીદી કા ખેલા હોબે….શુરૂ હો ગયા હૈ…વહીલ ચેર પર બૈઠેગી…ગલી ગલી મેં ઘૂમેંગી…ખેલા હોબે.. બોલેંગી…ઔર સીધી સીએમ કી કુર્સી કી ઔર…? દીદી કી માધુરી દિક્ષિત સ્ટાઇલ કી લલકાર- વ્હીલચેર પે હો કે સવાર ચલી રે…..મૈં તો અપને લોગો કે પાસ ચલી રે….કોઇ રોક શકે તો રોક લે…ડિંગડિંગા ડિંગ….ડિંગ ડિંગ.. …ડિંગડિંગા ડિંગ….ડિંગ ડિંગ..!!

-દિનેશ રાજપૂત

 72 ,  1