‘પ્રધાનમંત્રી વનધન વિકાસ યોજના’ વન વિસ્તારના લોકોને બારમાસી રોજગારીની તક પુરી પાડશે

આહવા ખાતે યોજાઈ ‘પ્રધાનમંત્રી વનધન વિકાસ યોજના’ ની એકદિવસીય કાર્યશાળા

‘પ્રધાનમંત્રી વનધન વિકાસ યોજના’ વનપેદાશોના મૂલ્યવર્ધિત ઉત્પાદનથી, વનવાસી પ્રજાજનો માટે આર્થિક ઉન્નતિના દ્વાર ખોલશે, તેમ ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે જણાવ્યુ હતુ. વનોમા વસતા આદિવાસી, ગ્રામજનો અને વન વિભાગના કર્મચારી-અધિકારીઓના ‘વન પરિવાર’ને સંબોધતા વ્યાસે, આગામી પેઢીને પણ વન પેદાશોના મૂલ્યવર્ધિત ઉત્પાદનો લાભાન્વિત કરી શકે, તેવુ સુચારુ વ્યવસ્થા તંત્ર ગોઠવવાનુ આહવાન કરતા, વન ને ધનનો સ્ત્રોત માની વડાપ્રધાનએ ‘પ્રધાનમંત્રી વનધન યોજના’ અમલી બનાવી છે, જેનો મહત્તમ લાભ લેવાની અપીલ કરી હતી.

આહવા વન વિભાગની ડિવિઝન કચેરી ખાતે આયોજિત ‘પ્રધાનમંત્રી વનધન યોજના’ની કાર્યશાળાને સંબોધતા નાયબ વન સંરક્ષકએ સહભાગી વન વ્યવસ્થાના આગમન પછી, વનવિભાગની બદલાયેલી કાર્યપદ્ધતિનો ચિતાર રજૂ કરી, સ્માર્ટફોનના આ યુગમા ગૌણ વન પેદાશો, અને તેના મૂલ્યવર્ધિત ઉત્પાદનોની માંગ તથા બજાર વ્યવસ્થા ઉપર આવેલા બદલાવ ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો.

ડાંગ જેવા શુદ્ધ હવા, પાણી, અને આબોહવા ધરાવતા જંગલ પ્રદેશની પ્રત્યેક વન પેદાશો સો ટચના સોના જેવી ખરી,અને શુદ્ધ છે, ત્યારે તેનુ સાચુ મૂલ્ય પિછાણી તેના જતન, સંવર્ધન સાથે સમાજનો ઉત્થાન કરવાનુ પણ તેમણે આહવાન કર્યું હતુ.

સંપૂર્ણ આદિવાસી વસ્તીનુ પ્રભુત્વ ધરાવતા ડાંગ જિલ્લામા ‘પ્રધાનમંત્રી વનધન યોજના’ના સુચારૂ અમલીકરણમા આદિજાતિ વિકાસ વિભાગની ભૂમિકાનો ખ્યાલ આપતા, ડાંગના પ્રાયોજના વહિવટદાર કે.જે.ભગોરાએ, ડાંગમા મંજૂર થયેલા ૨૦ વનધન કેન્દ્રોને રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તરફથી સહાય પણ ચૂકવવામા આવી છે તેમ જણાવ્યુ હતુ.

આગામી દિવસોમા આ કેન્દ્રો સાથે સંકળાયેલા સખી મંડળો, વન સમિતિઓ, અને સભાસદો વિગેરેને જરૂરી તાલીમથી સુસજજ કરવા સાથે,  સાધન સહાય પણ ઉપલબ્ધ કરાવશે તેમ તેમણે વધુમા ઉમેર્યું હતુ. લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર રાજેન્દ્રભાઈ પટેલે આ યોજનામા બેન્કોની ભૂમિકા અંગે સ્પષ્ટીકરણ કરતા, વનધન કેન્દ્રોના વિકાસમા બેન્કોના સકારાત્મક સહયોગથી ખાતરી આપી હતી.   કાર્યશાળાના આયોજક એવા દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક નિલેશ પંડયાએ, ડાંગ જિલ્લામા ‘પ્રધાનમંત્રી વનધન વિકાસ યોજના’ હેઠળ ઉત્તર અને દક્ષિણ વનવિભાગમા દસ દસ મળી કુલ ૨૦ ક્લસ્ટર તૈયાર કરાયા છે તેમ જણાવ્યુ હતુ. પંડયાએ આ ૨૦ ક્લસ્ટરોમા પ્રત્યેક ક્લસ્ટર દીઠ ૧૫ થી ૨૦ જૂથો તથા વન સમિતિઓને સાંકળી, તેના સેંકડો સભાસદોને લાભાંવિત કરાશે તેમ જણાવ્યુ હતુ.

યોજનાની કાર્યપદ્ધતિ જણાવતા નાયબ વન સંરક્ષક શ્રી પંડયાએ, ગૌણ વન પેદાશોનુ એકત્રીકરણ, તેનુ મૂલ્યવર્ધિત ઉત્પાદન, લઘુતમ વેચાણ ભાવ, સહિત વનપેદાશોના જતન, સંવર્ધન સાથે પ્રત્યેક સભાસદોને પેઢી દર પેઢી ઘર આંગણે જ બારમાસી આવકનો સ્ત્રોત ઉપલબ્ધ થાય તેવો આ યોજનાનો આશય છે તેમ જણાવ્યુ હતુ.

‘વન વિકાસ નિગમ’ તથા ‘ટ્રાયફેડ’ ના પ્રતિનિધિઓએ મૂલ્યવર્ધિત ઉત્પાદન, બજાર વ્યવસ્થા, લઘુતમ વેચાણ દર જેવા જટિલ પ્રશ્ને ઉપયોગી જાણકારી આપવા સાથે, ગૌણ વનપેદાશોનુ મૂલ્ય સ્પષ્ટ કર્યું હતુ.   એ.સી.એફ. સર્વ રોહિત ચૌધરી અને ટી.એન.ચૌધરીએ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું હતું. પરિક્ષેત્ર વન અધિકારીશ્રી રાહુલ પટેલે કાર્યશાળાની કાર્યવાહી સાંભળી હતી.‘દંડકારણ્ય’ સભાખંડમા આયોજિત એક દિવસિય આ કાર્યશાળામા ડાંગના ૨૦ ક્લસ્ટરમા સમાવિષ્ટ સ્વસહાય જૂથો, વન સમિતિઓના પ્રમુખ/મંત્રીશ્રીઓ, વન અધિકારીઓ, તથા યોજના સાથે સંકળાયેલા વિભાગો/સંસ્થાઓના અધિકારી, પ્રતિનિધિનોએ ઉપસ્થિત રહી કાર્યશાળામા ભાગ લીધો હતો.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી