મહેસાણા જિલ્લાનાં 24 વર્ષીય આર્મી જવાન મા ભોમની રક્ષા કરતાં કરતાં શહિદ…

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા કુડા ગામના 24 વર્ષીય આર્મી જવાનનું કાશ્મીરમાં ફરજ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જે બાદ શુક્રવારે આર્મી દ્વારા સન્માન સાથે જવાનના પાર્થિવ દેહને તેના વતન લઈ જઈ અંતિમયાત્રા યોજવામાં આવી હતી.

સામાન્ય રીતે સૌ કોઈ જાણીએ છીએ કે, ભારતીય આર્મી એટલે દેશને લોખંડી સુરક્ષા વચ્ચે દેશવાસીઓ માટે સમર્પિત એક જીવન છે ત્યારે આર્મીમાં જોડાનાર દરેક ભારતીય જવાન પોતે પોતાના પ્રાણ હથેળી પર જ રાખતો હોય છે. આવા જ એક જાહબાઝ જવાન મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના કુડા ગામેથી 4 વર્ષ પહેલા આર્મીમાં રાષ્ટ્ર સેવા અને સુરક્ષા માટે જોડાયા હતા.

કુડા ગામના 24 વર્ષીય આર્મી જવાન પ્રવિણસિંહ ઠાકોર હાલમાં કાશ્મીર ખાતે પોતાની ફરજ બજાવતા હતા અને એક માસ પહેલા જ તેમણે દાંપત્ય જીવનની શરૂઆત કરતા લગ્ન ગ્રંથીથી જોડાઈ જીવનસંગીની સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પરંતુ પ્રવિણસિંહ એક આર્મી જવાન હોવાથી લગ્ન બાદ પોતાની પહેલી ફરજ રાષ્ટ્ર સેવા અને સુરક્ષાને માનતા તેઓ પોતાની 508 ASC આર્મી બટાલિયનમાં કાશ્મીર ખાતે ફરજ પર હાજર થયા હતા. જ્યાં પ્રવિણસિંહ સાથે આકસ્મિક રીતે એક દુઃખદ ઘટના ઘટી, જેમાં પ્રવિણસિંહએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં.

શુક્રવારે આ જવાનના પાર્થિવ દેહને જન્મભૂમિ ખેરાલુના કુડા ગામે લાવી આર્મી દ્વારા પૂર્ણ સન્માન સાથે ખેરાલુ તાલુકા પંથકમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

આ અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકોએ એકત્ર થઈ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વીર જવાનને ભરતમાતાના ખોળે અંતિમ વિદાય આપી હતી. જયહિંદ અને જય જવાનના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

તાજેતરમાં ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર પણ હાજર રહ્યા હતાં.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી