September 20, 2021
September 20, 2021

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી….

186 ગામડાંઓમાં વીજળી ગુલ, NDRFની 9 ટીમ તૈનાત

સૌરાષ્ટ્રમાં મેધરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કાઠિયાવાડમાં આજે શ્રીકાર વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લામાં નોંધાયો છે જેમાં બાણુગાર ગામમાં 22 ઇંચ વરસાદથી પરિસ્થિતિ કફોડી બની છે. રાજકોટને ધમરોળ્યુ તો જૂનાગઢ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. સૌરઠમાં જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેને પગલે લોકોની કફોડી સ્થિતિ જોવા મળી રહી છે.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈ કાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે.

ભારે વરસાદને પગલે રાજકોટ અને જામનગરમાં ભારે તારાજી સર્જાઈ છે. સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. રાજકોટના લોધિકા તાલુકાના છાપરા ગામે કાર તણાઇ છે. જેનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. ત્યારે મળતી માહિતી મુજબ કારમાં 3 લોકો સવાર હતા. અને કારમાંથી એક વ્યક્તિના બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે બે લોકો હજુ પણ અંદર હોવાની આશંકા છે. હાલ રાજકોટ ફાયર બ્રિગેડ જવાનો બચાવ માટે પહોંચ્યા છે.

ભારે વરસાદના કારણે રાજ્યમાં 15 સ્ટેટ હાઈવે સહિત 136 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગર, વલસાડ, રાજકોટ અને દ્વારકામાં થયો છે. તે ઉપરાંત છેલ્લા બે કલાક એટલે કે આજે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 71 તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 180 મિમી અને રાજકોટના લોધિકામાં 136 મિમી વરસાદ ખાબક્યો છે.

નોધનીય છે કે, સૌરાષ્ટના અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર અને સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ સક્રીય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ વહીવટી તંત્રને પણ એલર્ટ રહેવાની સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

 41 ,  1