જ્યારે સત્યપાલ મલિકની સત્યતાના વડાપ્રધાને કર્યા વખાણ…

300 કરોડ લાંચની ઓફર ફગાવવા બદલ મોદીએ મલિકની થાબડી હતી પીઠ..

ભાજપના પૂર્વ નેતા અને એક પછી એક રાજ્યોમાં રાજ્યપાલ તરીકેની સેવા આપનાર તથા આખા બોલા સત્યપાલ મલિકની સત્યતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આફરીન થયા છે. આ વાત અન્ય કોઇ નહીં પરંતુ ખુદ સત્યપાલ મલિકે જાહેર કરી છે. સામાન્ય રીતે વડાપ્રધાન સાથેની વાતચીતને કોઇ જાહેર કરતા નથી. પરંતુ સત્યપાલ મલિકે અંબાણી અને RSSની ફાઇલ મંજૂર કરવા મળનાર 300 કરોડની ઓફર ફગાવી દેવા બદલ વડાપ્રધાન દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં હું રાજ્યપાલ હતો તે સમયે અનિલ અંબાણી અને આરએસએસના એક અગ્રણી વ્યક્તિની ફાઈલ પાસ કરવા માટે મને રૂ. ૧૫૦-૧૫૦ એમ રૂ. ૩૦૦ કરોડની ઓફર થઈ હતી તેવો દાવો જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ગવર્નર સત્યપાલ મલિકે દાવો કરતાં હોબાળો મચી ગયો છે. આ સાથે જ સત્યપાલ મલિકે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે તે સમયે પીએમ મોદીએ તેમને કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સાથે કોઈ સમજૂતી ના કરશો. તેમણે મને સંપૂર્ણ સમર્થન પણ કર્યું હતું. વધુમાં સત્યપાલ મલિકે પીડીપીના અધ્યક્ષા મહેબૂબા મુફ્તી પર રોશની એક્ટ હેઠળ પોતાના નામે પ્લોટ કરાવ્યો હોવાનો પણ દાવો કર્યો હતો. જોકે, આ દાવાની સામે મહેબૂબા મુફ્તીએ સત્યપાલ મલિક સામે રૂ. ૧૦ કરોડનો માનહાનીનો કેસ કર્યો છે.

તેમના નિવેદનોના કારણે સતત વિવાદોમાં રહેતા મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે શુક્રાવારે જમ્મુ-કાશ્મીરમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે કરેલા દાવાથી ભારે હોબાળો મચી ગયો છે. રાજસ્થાનના ઝુંઝુનૂમાં મેઘાલયના વર્તમાન રાજ્યપાલ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે, કાશ્મીરમાં તેઓ ગવર્નર હતા તે સમયે તેમની પાસે બે ફાઈલો આવી હતી. એક અનિલ અંબાણીની કંપનીની ફાઈલ હતી અને બીજી ફાઈલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલી એક વ્યક્તિની હતી, જે મહેબૂબા મુફ્તી અને ભાજપની ગઠબંધન સરકારમાં મંત્રી હતા. તેઓ પીએમ મોદીના પણ ખૂબ જ નજીક હતા.

સત્યપાલ મલિકે દાવો કર્યો કે મારા સચિવે સૂચના આપી હતી કે તેમાં કૌભાંડ છે. ત્યાર પછી મેં બંને સોદા રદ કરી દીધા હતા. સચિવે મને કહ્યું હતું કે બંને ફાઈલો પાસ કરવા માટે રૂ. ૧૫૦-૧૫૦ કરોડ અપાશે, પરંતુ મેં તેમને કહ્યું કે હું પાંચ કુર્તા-પાયજામા સાથે આવ્યો છું અને માત્ર તેની સાથે જ અહીંથી જતો રહીશ. સત્યપાલ મલિકના આ નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જોકે, તેમના નિવેદનમાં મલિકે બંને ફાઈલો અંગે વિગતવાર કશું જણાવ્યું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ સત્યપાલ મલિક સરકારી કર્મચારીઓ, પેન્શનર્સ અને પત્રકારો માટે લાવવામાં આવેલા એક ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી સંબંધિત એક ફાઈલનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેના માટે તત્કાલીન રાજ્ય સરકારે અનિલ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ સાથે સોદો કર્યો હતો.

ઑક્ટોબર ૨૦૧૮માં સત્યપાલ મલિક જમ્મુ અને કાશ્મીરના ગવર્નર હતા ત્યારે તેમણે કેટલીક ગડબડીની આશંકાઓને પગલે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની સાથેનો સોદો રદ કરી દીધો હતો. બે દિવસ પછી ગવર્નરે ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરોને આ સોદાની માહિતી આપતા કહ્યું હતું કે, તેઓ આ કોન્ટ્રાક્ટના મૂળ સુધી તપાસ કરે કે ખરેખર તેમાં કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો હતો કે કેમ?

તેમના દાવાના સંદર્ભમાં સત્યપાલ મલિકે કહ્યું, તકેદારીના ભાગરૂપે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય લઈને તેમને પણ આ બંને ફાઈલો અંગે વાત કરી હતી તથા એમ પણ કહ્યું કે જે લોકો તેમાં સંડોવાયેલા છે તેઓ તેમનું પણ નામ લઈ રહ્યા છે. મેં તેમને સીધા જ કહ્યું કે હું પદ પરથી હટવા માટે તૈયાર છું, પરંતુ આ ફાઈલોને લીલી ઝંડી નહીં આપું. સત્યપાલ મલિકે આ દાવો કરતા વડાપ્રધાનની પ્રશંસા પણ કરી. તેમણે કહ્યું કે વડાપ્રધાને તેમને ભ્રષ્ટાચાર સાથે કોઈ સમજૂતી નહીં કરવા જણાવ્યું હતું.

સત્યપાલ મલિકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર કાશ્મીરમાં છે. તેમણે કહ્યું કે આખા દેશમાં ૪-૫ ટકા કમિશન માગવામાં આવે છે, પરંતુ કાશ્મીરમાં ૧૫ ટકા કમિશન માગવામાં આવે છે. જોકે, આ અંગે પણ તેમણે વિગતવાર કશું જણાવ્યું નહોતું, પરંતુ એટલું જરૂર કહ્યું કે તેમના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ મોટા ભ્રષ્ટાચારનો કેસ સામે આવ્યો નથી.

દરમિયાન સત્યપાલ મલિકે થોડાક દિવસ પહેલાં દાવો કર્યો હતો કે ૨૦૦૧માં આવેલા રોશની એક્ટ હેઠળ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પોતાના નામે પ્લોટ કરાવ્યા હતા. જોકે, મલિકને આ દાવો કરવો ભારે પડી ગયો છે. પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ તેમના વિરુદ્ધ રૂ. ૧૦ કરોડનો માનહાનીનો કેસ કર્યો છે.

મહેબૂબા મુફ્તીએ અગાઉ સત્યપાલ મલિકના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું હતું અને તેમને નિવેદન પાછું ખેંચવા અથવા કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું. મહેબૂબાના વકીલ અનિલ સેઠીએ સત્યપાલ મલિકને કાયદાકીય નોટિસ પાઠવતા ૩૦ દિવસમાં રૂ. ૧૦ કરોડની વળતરની રકમ ભરપાઈ કરવા અથવા કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા જણાવ્યું હતું. નોટિસમાં કહેવાયું છે કે વળતર તરીકે મળેલા રૂપિયાનો ઉપયોગ મહેબૂબા વ્યક્તિગત લાભ માટે નહીં, પરંતુ જનતાની ભલાઈ માટે કરશે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી