September 20, 2021
September 20, 2021

રાજ્યમાં 20મી સપ્ટેમ્બર સુધી સારા વરસાદની આગાહી

ખેડૂતો માટે રાહતના સમાચાર

રાજ્યમાં લાંબા સમયથી જગતના તાત મેઘરાજાની રાહ જોઈ રહ્યાં છે પણ મેઘરાજા જાણેકે, હાથતાળી આપીને જતા રહેતાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જોકે, હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ મોટી રાહત મળશે. હવામાન વિભાગે આગામી 20મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી 14મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની વકી, બુધવાર સુધીમાં વરસાદની સિસ્ટમ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.7 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં દિવસ દરમિયાન ધુપ-છાવનું વાતાવરણ રહ્યું હતું, જેને કારણે લોકોએ બપોર પછી ગરમીનો અનુભવ કર્યો હતો. જોકે આગામી અઠવાડિયાથી 10 દિવસ દરમિયાન અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાશે, જે 8 સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે, જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં 8થી 14 સપ્ટેમ્બર મધ્યમથી ભારે તથા કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડશે, જેને કારણે વરસાદની જે ઘટ પડી છે, તેમાં ઘટાડો થવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. હાલમાં રાજ્યમાં વરસાદની ગેરહાજરીને કારણે ગુજરાતમાં કુલ વરસાદની ઘટ 41 ટકા છે, પરંતુ આગામી અઠવાડિયામાં સારા વરસાદને કારણે રાજ્યમાં વરસાદની ઘટમાં નોંધપાત્ર ઘટાડો થવાના સંકેતો હવામાન વિશેષજ્ઞે આપ્યા છે.

 29 ,  1