ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસ ભરતીને લઈને જાહેરાત

પોલીસ વિભાગમાં કરાશે મોટી સંખ્યામાં ભરતી

આંજણા-ચૌધરી સમાજના દ્વારા ગાંધીનગર ખાતે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નવ નિયુક્તિ મંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.

આંજણા ચૌધરી સમાજ દ્વારા આયોજીત સન્માન સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધન દરમિયાન મોટી જાહેરાત કરી હતી. હર્ષ સંઘવીએ પોલીસ વિભાગમાં આગામી દિવસોમાં 28,500 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી હતી. પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે. આ ખાલી પદો પર આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મને નાની ઉંમરમાં ગૃહ રાજ્યમંત્રી બનવાનો મોકો મળ્યો છે. મે એક નિયમ નક્કી કર્યો છે કે, TRBનો એક પણ જવાન રૂપિયો ન ઉઘરાવે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ચૌધરી સમાજની પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. સી.આર. પાટીલે સંબોધનમાં જણાવ્યું હતું કે, ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી ચાર્જ સંભાળ્યા બાદ વિકાસના કામો શરૂ કર્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આ પ્રથમ સન્માન સમારંભ છે. ચૌધરી સમાજ ભાજપ સાથે જોડાયેલો ખમીરવંતો સમાજ છે. વિશ્વાસ કરવા જેવો સમાજ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબંધોનમાં જણાવ્યું હતું કે, હું તો તમારા આશીર્વાદ માટે આવ્યો છું, મને આશીર્વાદ આપો હું સારૂ કામ કરી શકું. બધા સમાજને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરીશું. મારા સુધી પહોંચવામાં કોઇને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરી છે. કોઇ પણ કામ હોય અમારી પાસે આવજો. તમારા પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવે તેવા પ્રયત્ન કરીશું. મુખ્યમંત્રી તરીકે મારો સૌપ્રથમ કાર્યક્રમ ચૌધરી સમાજનો કાર્યક્રમ છે.

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી