મિશન 2022: આજથી ગુજરાત કોંગ્રેસની મેમ્બરશીપ ડ્રાઈવ

કાર્યકર બૂથ લેવલ પર ઘરે-ઘરે જશે અને લોકોને કોંગ્રેસની વિચારધારાથી વાકેફ કરશે

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોગ્રેસ દ્વારા મેમ્બરશીપ ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે 1 નવેમ્બર એટલે કે આજથી 31 માર્ચ, 2022 સુધી ગુજરાત કોંગ્રેસ સભ્યપદ નોંધણી ઝૂંબેશ ચલાવશે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ રઘુ શર્માએ આ સદસ્યતા અભિયાન લૉન્ચ કર્યું હતું.

કોંગ્રેસના આ સદસ્યતા અભિયાનમાં બે મહત્ત્વના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ 50 ટકા મહિલાઓને અભિયાન થકી સદસ્ય બનાવવામાં આવશે. આ સિવાય મતદાર યાદીના પેજ દીઠ ઓછામાં ઓછા એક સભ્યને કોંગ્રેસના સદસ્ય બનાવવા તેમજ એક બૂથ પરથી ઓછામાં ઓછા 25 સભ્યોને કોંગ્રેસના સદસ્યો બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસ ભાજપની જેમ મિસકૉલ પાર્ટી નહીં બની રહે, પરંતુ ઘરે-ઘરે પહોંચીને સભ્યો બનાવવામાં આવશે. જેમાં સરકારની નિષ્ફળતા ઉજાગર કરવાની સાથે જન જાગરણ અભિયાન પણ ચલાવવામાં આવશે. જેમાં આગામી 14 થી 29 નવેમ્બર સુધી મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોના મુદ્દે પદયાત્રા, ધરણાં, વિરોધ પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.

આજથી શરૂ થઈ રહેલા સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રદેશના નેતાઓથી લઈને કાર્યકર બૂથ લેવલ પર ઘરે-ઘરે જશે અને લોકોને કોંગ્રેસની વિચારધારાથી વાકેફ કરશે. જ્યારે પ્રથમ વખત મત આપવા જનારા યુવાનોને કોંગ્રેસના વિઝનથી વાકેફ કરવામાં આવશે. ગુજરાતમાં 52 હજાર કરતાં વધુ બૂથ પર 31 માર્ચ, 2022 સુધી સદસ્યતા અભિયાન ચાલશે. જેના થકી ગુજરાતમાં મિશન-2022ની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી