‘ટાર્ગેટ કિલિંગ’ પર મોદી સરકાર એક્શન મોડમાં

જમ્મુ-કાશ્મીરમાં તાબડતોબ મોકલાયા 5500 જવાન

જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ 138 આતંકવાદીઓને ઠાર કર્યા છે જ્યારે 55 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમ છતા પ્રદેશમાં સામાન્ય લોકો પર આતંકવાદી હુમલામાં વધારો થયો છે જેને ધ્યાનમાં રાખીને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ ઘાટીમાં વધારાના જવાનો મોકલવાનો નિર્ણય લીધો છે. BSFના 2500 અને CRPFના 3000 જવાનોને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવશે.

CRPFનું કહેવું છે કે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં જે રીતે સામાન્ય લોકો પર આતંકવાદી હુમલા વધ્યા છે, તેને રોકવા માટે નવી વ્યૂહરચના હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે. રસ્તાઓ પર વધુ સૈનિકોની તૈનાતી પણ તેનો એક ભાગ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ સીઆરપીએફના એક અધિકારીએ કહ્યું કે ઘાટીમાં સૈનિકોની તૈનાતી વધારવામાં આવી રહી છે. ખાસ કરીને શ્રીનગરમાં જ્યાં તાજેતરમાં હુમલા થયા છે. તેમનું કહેવું છે કે સુરક્ષા દળો રાત્રે પણ પેટ્રોલિંગ કરી રહ્યા છે. જ્યાં BSF પોતાની 25 વધારાની કંપનીઓ જમ્મુ-કાશ્મીર મોકલી રહ્યું છે, તો બીજી તરફ CRPF તરફથી સામાન્ય લોકો પર હુમલાને ધ્યાનમાં રાખીને 25 વધારાની કંપનીઓ કાશ્મીર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, આગામી અઠવાડિયામાં વધુ પાંચ કંપનીઓ ત્યાં તૈનાત કરવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસોમાં સામાન્ય લોકો પર થયેલા આતંકી હુમલા બાદ ઘાટીમાં પોલીસ અને સુરક્ષા દળો એલર્ટ પર છે. જેના કારણે પોલીસે લગભગ 15 હજાર લોકો પર ચાંપતી નજર રાખી છે. આ સાથે દરરોજ 8000 જેટલા વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી