શું હવે “સ્યુસાઇડ નોટ પોલીટીક્સ”નો નવો અધ્યાય શરૂ થશે ?

ઠાકરેના હાથમાં ભાજપની સામે વધુ એક હથિયાર હાથમાં..?

ગુજરાત નજીકના સિનિયર સાંસદ મોહન ડેલકરની સ્યુસાઇડ નોટથી મચી હલચલ..

સ્યુસાઇડ નોટમાં ભાજપના નેતા પ્રફુલ પટેલના નામનો ઉલ્લેખ હોવાનો દાવો….

કંગના-ટીઆરપી કાંડ- વોટ્સએપ ચેટ અને હવે સ્યુસાઇડ નોટ…!!

પ્રફુલ પટેલનું નામ બહાર આવતાં ઠાકરેની દાઢી સળવળી….!

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ )

ભારતમાં અને દુનિયાના ઘણા દેશોમાં લોકો વિવિધ કારણોસર જીવન ટૂંકાવી લેતા હોય છે. જેને આત્મહત્યા કે આપઘાત કહી શકાય. જાપાનમાં એકલા રહેતા લોકો દ્વારા આપઘાતના કિસ્સાઓ વધી જતાં એકલતા-લોન્લીનેસ- માટેના અલગ મંત્રી બનાવ્યાં છે. ભારતમાં દર વર્ષે હજારો લોકો આપઘાત કરતાં હોય છે. સામાન્ય લોકોના આપઘાતની ચર્ચા થતી નથી. હાં, કોઇ પરિવાર સામૂહિક આપઘાત કરે તો સમાચાર બનતા હોય છે. પરંતુ કોઇ અભિનેત્રી કે અભિનેતા કે પછી જેને સેલેબ્રિટી કહી શકાય એવા જીવન ટૂંકાવે ત્યારે ટોક ઓફ ધી ટાઉન ચર્ચાનો વિષય બનતો હોય છે. તેમાં પણ જ્યારે મોહન ડેલકર જેવા વગદાર અને અખબારી ભાષામાં કહીએ તો દબંગ પ્રકારના નેતા અને સિનિયર સાંસદ જ્યારે જીવન ટૂંકાવે ત્યારે રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. એટલુ જ નહીં તેમની સ્યુસાઇડ નોટનો ઉપયોગ રાજકારણમાં હરિફ પાર્ટીને દબાવવા થાય તો…?

મોહન ડેલકર રહે છે ગુજરાતને અડીને આવેલા દાદરા અને નગર હવેલી પ્રદેશમાં. સેલવાસ દા.ન.હ.નું મુખ્યમથક છે. દરિયા કિનારે અને સરસ મજાનું તથા ગોવાને ટક્કર મારે એવુ સ્થળ છે. મોહન ડેલકર આ પ્રદેશમાંથી 6 વખત સાંસદ રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત છેલ્લે અપક્ષ તરીકે પણ ચૂંટાયા હતા. ચાલુ સપ્તાહમાં મુંબઇની એક હોટેલમાંથી તેઓ મૃત હાલતમાં મળી આવ્યાં અને તેમના રૂમમાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી. તેમને નજીકથી ઓળખનારા માની જ ના શક્યા કે મોહનભાઇ આપઘાત કરે. પણ જે બન્યું તે હકીકત છે અને વધુ હકીકત એ છે કે જે સ્યુસાઇડ નોટ મળી આવી છે જેમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓની સાથે ભાજપના નેતા પ્રફુલ પટેલનું નામ પણ હોવાનું બહાર આવતાં મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની દાઢી સળવળી….( ભલે તેઓ દાઢી નથી રાખતા એ અલગ વાત છે) પણ હવે જબરૂ રાજકારણ ભાજપ અને ઠાકરેની વચ્ચે શરૂ થશે….

મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન પછી ઠાકરે અને ભાજપની વચ્ચે કોલ્ડ વોર નહીં પણ હોટ..હોટ..ગરમાગરમ યુધ્ધ ચાલી રહ્યું છે. જેનો અનુભવ ટીવી ચેનલના એડિટર અર્નબ ગોસ્વામીને થયો જ છે. ઉદ્ધવ…તું હૈ કૌન…એમ ગાજી ગાજીને બોલનાર ગો-સ્વામી ભૂલી ગયા કે સત્તા કોની છે. અને અલીપુરની જેલમાં રહેવું પડ્યું. તેમનો અવાજ હવે ધીમો થયો છે અને ટીઆરપી કાંડમાં ગો-સ્વામીની ઘેટી એવી ફસાઇ છે કે તેનો વોટ્સએપ ચેટ જગ જાહેર થતાં ભાજપની નેતાગીરી પણ તેનાથી નારાજ હશે જ. પણ તેઓ જાહેરમાં ગો.સ્વામીની સામે એક શબ્દ પણ ઉચ્ચારતા નથી.

ટીઆરપી કાંડ- વોટ્સએપ ચેટ કાંડ અને હવે મોહન ડેલકરની સ્યુસાઇડ નોટ કાંડ. ઠાકરે પાસે હરિફને ડરાવવા વધુ એક પત્તુ હાથમાં આવ્યું છે. જેમાં પ્રફુલ્લ પટેલનું નામ છે. કદાજ નોટમાં એવુ લખેલુ હશે કે તેમના કારણે આપઘાત કર્યો હશે. કેમ કે પ્રફુલ્લ પટેલ મોહન ડોલકર જ્યાંથી ચૂંટાયા તે સંઘપ્રદેશના વહીવટદાર-એડમિન- છે. કેન્દ્ર સરકારે 3-4 વર્ષ પહેલાં જ તેમને દા.ન.હ.ના વહીવટદાર બનાવ્યા ત્યારે ગુજરાતમાં ઘણાંને નવાઇ લાગી હતી. તેઓ મૂળ તો આણંદના ભાજપના સાંસદ દિલીપ પટેલના રાજકીય પી.એ. હતા. તેમને ગુજરાત વિધાનસભાની ટિકિટ જે તે સમયે મળી અને જીત્યા બાદ ગુજરાતના ગૃહમંત્રી બન્યા હતા. જો કે તે પછીની ચૂંટણીમાં તેઓ હારી ગયા પણ વફાદારી ના છોડી એટલે કેન્દ્ર સરકાર દ્વારા સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના એડમિન બનાવ્યા ત્યારે ગુજરાત ભાજપમાં ઘણાંને લાગ્યુ હશે કે પ્રફુલભાઇને લોટરી લાગી….!

એક આખા સંઘપ્રદેશના વહીવટદાર એટલે અઘોષિત સીએમ અને અઘોષિત રાજ્યપાલ. તેમની ઉપર વડાપ્રધાન સિવાય કોઇ નહીં. બની શકે કે કોઇ કારણોસર મોહન ડેલકરને તેમની સાથે રાજકિય અને વહીવટીય ઘર્ષણમાં ઉતરવુ પડ્યુ હશે. સાચી વાત તો મોહન ડેલકર અને તેમની સ્યુસાઇડ નોટ જાણે. પણ ઠાકરે હવે ભાજપનું નાક દબાવવા માટે ડેલકરની સ્યુસાઇડ નોટનો રાજકિય ઉપયોગ કરે તો તે યોગ્ય હશે..? તે યોગ્ય ગણાશે..? ક્યા ઐસા હોના ચાહિયે…? રાજકારણ અને રાજકિય કાવા દાવા એક તરફ રાખો. જે હવે આ દુનિયામાં નથી તેમની સ્યુસાઇડ નોટમાં જેમના નામો હોય તો તેમની તપાસ કે પૂછપરછ કરવામાં આવે, ડેલકર પરિવારની પણ પૂછપરછ કરવામાં આવે અને તથ્ય તથા ગૂણદોષના આધારે પોલીસ પગલા ભરી શકે. પ્રફુલ પટેલ દોષિત હોય તો તેમની સામે કાર્યવાહી થાય અને તેઓ દોષિત ના હોય તો તેમને ભાજપથી બદલો લેવા માટે બદનામ કરવામાં આવે તો તે એક નવી પરિપાટી ગણાશે અને મહારાષ્ટ્રમાં જ્યારે ઠાકરે સત્તામાં નહીં હોય તો એ જ ટીઆરપી કાંડ…એ જ વોટ્સએપ ચેટની ફરી તપાસ થશે તો..? આ જ સ્યુસાઇડ નોટની વિશ્વસનિયતા સામે સવાલ થાય તો…?

રાજકારણને રાજકારણની જગ્યાએ રાખો અને કોઇની સ્યુસાઇડ નોટનો રાજકિય ઉપયોગ કે દુરૂપયોગની નવી પ્રથા ટાળવી જોઇએ, રાજકારણમાં વારા પછી વારો…જેવું હોય છે. કાલે ઠાકરે સીએમ નહોતા. આજે છે અને કાલે સીએમ પદે અજીત પવાર હોઇ શકે કે પછી કોંગ્રેસના નાના પટોળે પણ હોઇ શકે. ભાજપના સીએમ દેવેન્દ્ર ફડણવીસે સપને મેં નહીં સોચા થા કી વે ફિર સે સીએમ નહીં બનેગે….પણ થયું. તેઓ ફરી ફરીને ફરી સીએમ બન્યા અજીત પવારના ટેકાથી અને પછી શું થયું તેઓ દેવેન્દ્રભાઇ જાણે જ છે…

મહારાષ્ટ્રના રાજકારણ પર નજર રાખનારા એમ કહે છે કે ઠાકરે નશીબવાળા છે કે તેમના હાથમાં ભાજપને દબાવવા ગોસ્વામી પછી વધુ એક હથિયાર મોહન ડેલકરની સ્યુસાઇડ નોટના રૂપમાં મળ્યું છે…! દેશના સૌથી વધુ સમૃધ્ધ રાજ્ય મહારાષ્ટ્રમાં .ભાજપને સત્તા ગુમાવવાનો વસવસો તો હશે જ. પણ દો નવાબો કી તરહ પહલે આપ…પહલે આપ…ની જેમ મને ટેકો આપ….મને ટેકો આપ…એમ શિવસેના અને ભાજપની રાજકિય લડાઇમાં કોંગ્રેસ અને એનસીપી ફાવી ગઇ.

અબ દેખના યે હૈ કી ઠાકરે કી સ્યુસાઇડ નોટ સોરી…સોરી…મોહન ડેલકરની સ્યુસાઇડ નોટ ભાજપ અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેની લડાઇને કિસ મુકામ પર લે જાતી હૈ…! પણ લાગે છે કે હવે રાજકારણમાં એક નવું “સ્યુસાઇડ નોટ પોલીટીક્સ”નો નવો અધ્યાય શરૂ થવા જઇ રહ્યો છે. હવે અખબારોમાં મોહન ડેલકર, તેમની સ્યુસાઇડ નોટ, પ્રફુલ પટેલ, મહારાષ્ટ્ર, ઠાકરે, ભાજપ, સામસામે આરોપ-પ્રતિઆરોપ કા દૌર શુરૂ હોગા…!

સિનિયર સાંસદ ડેલકર 1989, 1991 અને 1996માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા, જ્યારે 1998ની ચૂંટણી તેઓ ભાજપની ટિકિટ પર જીત્યા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં પરત ફર્યા હતા, અને 2009 તેમજ 2014ની ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી. જોકે, ગત લોકસભા ચૂંટણીમાં તેઓ અપક્ષ લડીને જીત્યા હતા. ડેલકર 58 વર્ષના હતા, અને તેઓ 1989થી દાદરા અને નગર હવેલી લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ ભાજપ અને કોંગ્રેસન બંનેની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, અને તેમણે બાદમાં ભારતીય નવશક્તિ પાર્ટીની સ્થાપના પણ કરી હતી.

દાદરા અને નગર હવેલી….

૧૯૪૭માં ભારતની આઝાદી પછી દાદરા અને નગર હવેલીના નાગરિકો, યુનાઇટેડ ફ્રન્ટ ઓફ ગોઅન્સ ‍(UFG), ધ નેશનલ મુવમેન્ટ લિબરેશન ઓર્ગેનાઇઝેશન (NMLO), અને આઝાદ ગોમંતક દળે દાદરા અને નગર હવેલીનો કબ્જો પોર્ટુગીઝો પાસેથી ૧૯૫૪માં લઇ લીધો હતો.

૩૧ ડિસેમ્બર ૧૯૭૪ના રોજ ભારત અને પોર્ટુગલ વચ્ચેની સંધિ વડે ગોઆ, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી ભારતના ભાગ તરીકે અધિકૃત રીતે સ્વીકારાયા હતા.

ડિસેમ્બર ૨૦૧૯માં ભારતની સંસદમાં દાદરા અને નગર હવેલીને દમણ અને દીવ સાથે જોડીને ૨૬ જાન્યુઆરી ૨૦૨૦થી એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટેનો ઠરાવ પસાર કર્યો હતો. દાદરા અને નગર હવેલી નવા કેન્દ્ર શાસિત પ્રદેશના ત્રણ માંનો એક જિલ્લો બન્યો છે….

-દિનેશ રાજપૂત

 96 ,  1