ઓત્તારી, મોરારીબાપુ, રાંદેરિયા અને તનિષ્ક વચ્ચે તો જબરો ગાઢ સંબંધ છે…!

મોરારીબાપુએ ભગવાન શ્રી કૃષ્ણનું હળહળતું અપમાન કર્યું….આપણે જાગ્યા…?

નાટકમંડળીના સિધ્ધાર્થ રાંદેરિયાએ ગાયત્રી મંત્રનું અપમાન કર્યું….આપણે ઉંઘતા રહ્યાં..!

તનિષ્ક કંપનીએ મુસ્લિમ પરિવારમાં હિન્દુ યુવતીને પુત્રવધુ બતાવી….આપણે….? દે ધનાધન..!!!

હિન્દુત્વ એટલે હિન્દુત્વ, તેને માપવાના બેવડા નહીં એક જ ધોરણ હોવુ જોઇએ..હોના ચાહિયે કે નહીં….?

નેટડાકિયા-ખાસ અહેવાલ

તાજેતરમાં ટીઆરપી કાંડની અસર જાહેરખબરો આપનાર કેટલીક કંપનીઓ ઉપર પણ પડી છે. ટીઆરપીના ખોટા આંકડા બતાવીને કેટલીક ટીવી ચેનલો વધારે જાહેરખબરો મેળવતી હતી તે ટીવી ચેનલોને પાર્લે બિસ્કિટ અને બજાજ કંપનીઓ જાહેરખબરો આપવાનું ટાળ્યું છે. વિવિધ કંપનીઓ ગ્રાહકો સુધી પહોંચવા માટે જાહેરખબરોનો આશરો લે છે. જાહેરખબરો એવી બનાવવામાં આવે છે કે લોકોને ગમે અને એ પ્રોડક્ટ ખરીદવા માટે પ્રેરાય. જો કે ટાટા કંપનીની જવેલરી બ્રાન્ડ તનિષ્ક માટે બનાવવામાં આવેલી જાહેરખબર સામે કેટલાક હિન્દુ સંગઠનોને વાંધો પડ્યો છે અને જાહેરખબરમાં એક મુસ્લિમ પરિવારમાં હિન્દુ પુત્રવધુને દર્શાવીને કંપની લવ જેહાદને પ્રોત્સાહન આપવા માંગે છે એવો આરોપ થયો અને ગુજરાતના ગાંધીધામમાં તનિષ્કના શોરૂમમાં ટોળુ ધસી ગયું અને શોરૂમના સંચાલકોને માફીપત્ર જાહેરમાં મૂકવાની ફરજ પડી છે. શોરૂમમાં તોડફોડની અફવા પણ ફેલાવવામાં આવી. શોરૂમના સંચાલકોએ જાતે માફીપત્ર જાહેરમાં મૂક્યો કે તેમને ફરજ પાડવામાં આવી તેનો કોઇ ખુલાસો થયો નથી અને થશે પણ નહીં.

બેશક, દેશમાં લવ જેહાદના કેટલાક કિસ્સાઓ બન્યા છે અને લઘુમતિ સમાજના યુવાનો હિન્દુ સમાજની છોકરીઓને પોતાની મોહજાળમાં ફસાવીને નિકાહ કરીને તેનું જીવન બરબાદ કરવાના આરોપો હિન્દુ સંગઠનો દ્વારા અવારનવાર થયા છે. તનિષ્કની જાહેરખબરમાં હિન્દુ યુવતીને મુસ્લિમ પરિવારની પુત્રવધુ બતાવીને તેનો ખોળો ભરવાની પ્રથા મુસ્લિમ પરિવાર અપનાવીને હિન્દુ યુવતીના રીતરિવાજને આદર આપે છે એવો ભાવાર્થ આ જાહેરખબરમાંથી નિકળે છે અને કંપનીએ પણ એવો જ સંદેશો આપતી આ જાહેરખબર બનાવી, પરંતુ કેટલાકને ન ગમી. મુસ્લિમ પરિવાર હિન્દુ પરંપરાને અપનાવે છે…એવો કોઇ સંદેશો કોઇએ ગ્રહણ ના કર્યો

દરેક ધર્મનું માનસન્માન થવુ જોઇએ. પરંતુ તાજેતરમાં એવા બનાવો અને કિસ્સા બન્યા છે કે કોઇ હિન્દુ સંત કે હિન્દુ કલાકાર હિન્દુ ધર્મનું અપમાન કરે તો….?

ચાલો જોઇએ….

રામાયણના કથાકાર મોરારીબાપુએ તાજેતરમાં જ ભગવાન શ્રી કૃષ્ણનું હળહળતુ ઘોર અપમાન કર્યું. મોરારીબાપુના ગામ અને વતન તલગાજરડામાં કેટલા હિન્દુ સંગઠનોએ હલ્લાબોલ મચાવ્યો…? કેટલા હિન્દુ સંગઠનો કે સંતો-મહંતોએ મોરારીબાપુનો બહિષ્કાર કર્યો…? કેટલા લોકોએ મોરારીબાપુની સામે કથામાં ધરણાં-દેખાવો કર્યા….? મિડિયામાં કેટલુ આવ્યું….? મોરારીબાપુને સરકારના કોઇ મંત્રીએ એમ પૂછ્યું કે તમે કેમ હિન્દુ ધર્મના ભગવાનનું ઘોર અપમાન કર્યું…?

તાજો દાખલો છે ગાયત્રીમંત્રનો… ગાયત્રીમંત્ર એક પવિત્ર અને આધ્યાત્મિક મંત્ર છે. કરોડો હિન્દુઓ ગાયત્રીમંત્ર સાથે રોજ સવારે પોતાનું જીવન શરૂ કરે છે. ગુજરાતી રંગમંચ કે નાટકના કલાકાર સિધ્ધાર્થ રાંદેરિયાએ પોતાના એક નાટકમાં ગાયત્રીમંત્ર બોલનાર પોતાની પત્નીના તાંબાના લોટામાં મદિરા નાંખીને ગાયત્રીમંત્રનું મનફાવે તેમ એટલે કે લોકોને ગુદગુદી થાય એવો અર્થ કરીને ગાયત્રીમંત્રનું ઘોર અપમાન કર્યું. કેટલા હિન્દુ સંગઠનોએ રાંદેરિયાના ઘરની બહાર ધરણાં દેખાવો કર્યા….? કેટલાએ રાંદેરિયાની નાટકોનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી….? સરકારના કોઇ મંત્રીએ ગાયત્રીમંત્રનું મનફાવે તેમ માત્રને માત્ર હસવાના ઇરદાથી અર્થઘટન કરનારી પેલી નાટકમંડળીની સામે કેસ કર્યો….?

જુઓ ભાઇ, હિન્દુત્વ એટલે હિન્દુત્વ. પછી તેને જોખવાના અલગ અલગ કાટલા ના હોય. થયું એવું કે મોરારીબાપુ શ્રીકૃષ્ણનું ઘોર અપમાન કરે, મદિરાપાન કરનાર ગણાવે ત્યારે મોરારીબાપુનો ભારે નહીં પણ હળવો વિરોધ થાય. અને બીજુ કે જેમણે આખી જિંદગી રામાયણ વાંચવામાં અને સંભળાવવામાં વિતાવી હોય, રામાયણ ઉપરાંત મહાભારતને પણ ટાંકીને સમાજને સારો રસ્તો બતાવનાર મોરારીબાપુની મતિ એવી તે કઇ રીતે મારી ગઇ કે ભગવાન શ્રીકૃષ્ણનું જાહેરકથામાં ઘોર અપમાન…? મોરારીબાપુએ હમણાં જ મથુરા જઇને કાનાની માફી માંગી.

પેલો નાટકિયો રાંદેરિયા ગાયત્રીમંત્રનું નાટકમાં અપમાન કરે અને હિન્દુ સંગઠનો સહન કરે તો તેનો શો મતલબ સમજવો ભાઇ…? એ જ ને કે છોડોને યાર…રાંદેરિયા હિન્દુ છે એટલે તેનો ભારે વિરોધ ના તાય, તેની સામે વિરોધવંટોળ ના થાય, હિન્દુ ધર્મના અને ગાયત્રી પરિવારના આગેવાનો પણ મૂક પ્રેક્ષક બનીને બેસી રહેશે તો આજે રાંદેરિયા તો કાલે બીજો કોઇ બીજો કાંદેરિયા હિન્દુ ધર્મનું અપમાન નહીં કરે તેની ખાતરી વણીકર ભવન આપશે…?

કેટલાક એમ માને છે કે જો ખરી રીતે જોવા જઇએ તો રતન ટાટાની જ્વેલર્સ કંપની તનિષ્કે એક એવો સંદેશો આપ્યો કે મુસ્લિમ પરિવારમાં હિન્દુ પરંપરાનું પાલન કરવાની ફરજ પડે છે. પરંતુ 9 ના આંકડાને ઉલટાવીને જોઇએ તો 6 લાગશે અને સીધી રીતે જોઇએ તો 9 લાગશે. જોનારાની નજર ઉપર આધાર છે. અને હાં, એ પણ ખરૂ કે ટાટાની કંપનીને આવા હિન્દુ-મુસ્લિમ અભિનવ ધરાવતી જાહેરખબર કેમ પસંદ પડી કે બનાવી….? ગાલિબને ફરમાયા હૈ કી દુનિયા મેં ઓર ભી ગમ હૈ મહોબત કે સિવા….એમ બીજા કોઇ કોન્સેપ્ટવાળી જાહેરખબર પસંદ કરવી જોઇતી હતી. આવી વિવાદી જાહેરખબરો ટાળવી જોઇશે હવે દરેક કંપનીઓએ. કેમ કે માનસિક્તા બદલાઇ ગઇ છે. ધોરણો બદલાઇ ગયા છે. અહીં, બાબરીનો ઢાંચો તોડનારાઓને અસામાજિક તત્વો માની લેવામાં આવ્યાં છે. ત્યારે તનિષ્કવાળાઓએ, હિન્દીમાં કહીએ તો તનિક, સોચા હોતા કી ઇસ એડ કા ક્યા પ્રભાવ પડેગા…. તો બરખુદાર…માફીનામા લિખના ન પડતા…..!!

તંત્રી – દિનેશ રાજપૂત

 396 ,  3