મોઝામ્બિકમાં ઇદાઇ વાવાઝોડાંનો કહેર, આશરે 1,000થી વધુ લોકોના મોતની આશંકા

આફ્રિકાના ત્રણ દેશ ઝિમ્બાબ્વે, મોઝામ્બિક અને મલાવી છેલ્લા ચાર દિવસથી પ્રચંડ પૂરનો સામનો કરી રહ્યાં છે. એમાંય ત્રણ કરોડની વસ્તી ધરાવતા મોઝામ્બિકમાં તોફાન અને પૂરે ભયાનક તબાહી સર્જી છે.

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ નૂસીએ જણાવ્યું છે કે આ કુદરતી આફતથી ૧પ લાખ લોકો પ્રભાવિત થયા છે. જ્યારે હજારોથી વધુ લોકોનાં મોત થયાની આશંકા છે. અત્યાર સુધીમાં ૮૪ મૃતદેહ હાથ લાગ્યા છે. આપને જણાવી દઇએ, પાંચ લાખની વસ્તીવાળું શહેર બીરા આશરે ૯૦ ટકા તબાહ થઇ ગયું છે. ઝિમ્બાબ્વે અને મલાવીમાં ૧૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે.

દરિયાઇ તોફાન ઇડાઇએ મોઝામ્બિકના બીરા શહેરમાં પણ ભારે તબાહી મચાવી છે. ઝંઝાવાતી પવન અને અણધાર્યા પ્રચંડ પૂરને કારણે જાનમાલની મોટા પાયે ખુવારી થઇ છે. ધસમસતાં પ્રચંડ પૂરનાં પાણી સાથે હજારો ઘરો તણાઇ ગયાં છે અને મોટા ભાગના રસ્તાઓ પણ ધોવાઇ ગયા છે. સત્તાવાર મૃત્યુઆંક હવાઇ સર્વે બાદ સામે આવશે, પરંતુ એક અનુમાન છે કે, 1,000થી વધુ લોકોનાં મોત થયા છે.

ન્યૂસીએ આ વાવાઝોડાંને ભયાનક આપદા ગણાવી છે. સૌથી પહેલાં વાવાઝોડું ગુરૂવારે સાંજે બેરામાં આવ્યું, ત્યારબાદ પશ્ચિમ તરફ સ્થિત દેશ ઝિમ્બાબ્વે અને મલાવી તરફ આગળ વધ્યું. બંને દેશોના એવા શહેરોમાં વાવાઝોડાંથી નુકસાન વધુ થયું છે જે મોઝામ્બિકની પૂર્વ સીમા પર આવેલા છે.

હાલ આ વાવાઝોડાને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 141 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી