મોરવા હડફ પેટાચૂંટણી – ભાજપે જૂના જોગી, તો કોંગ્રેસે પાયાના કાર્યકર્તાને મેદાને ઉતાર્યાં

 આગામી તા.17મી એપ્રિલે મોરવાહડફ બેઠક પર મતદાન યોજાશે

મોરવાહડફ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરશે. ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા પણ આજે ઉમેદવારી નોંધાવશે.

આગામી 17 એપ્રિલના રોજ યોજાનાર મોરવા હડફની પેટાચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. હાલ જોતા અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષાબેન સુથારને ટિકીટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસે પાયાના જમીની કાર્યકર એવા સુરેશ કટારાને મેદાને ઉતાર્યા છે. 

ભાજપ ઉમેદવાર પ્રાથમિક માહિતી

મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારને ટિકિટ ફાળવવામાં આવી છે. નિમિષાબેન સુથારના સસરા એ.કે. સુથાર ત્રણ ટર્મ સુધી જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2013માં મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી ત્યારે ભાજપે નિમિષાબેન સુથારને ટિકિટ ફાળવી હતી. નિમિષાબેન સુથારનો 15716 મતની લીડથી કોંગ્રેસના ઉમેદવાર ભુપેન્દ્ર ખાંટ સામે વિજય થયો હતો. નિમિષાબેન સુથારે ઇલેટ્રિકલ ઈજનેર સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ હાલ પંચમહાલ જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો પણ ધરાવે છે. ધારાસભ્યના પોતાના કાર્યકાળ દરમિયાન નિમિષાબેન સુથારે કરેલા વિકાસ કાર્યો અને તેઓનું મતદારો ઉપરનું પ્રભુત્વ ધ્યાનમાં લઈ 17 એપ્રિલે યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.

કોંગ્રેસ ઉમેદવારની પ્રાથમિક માહિતી 

મોરવા હડફ બેઠકની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે સુરેશ છગનભાઈ કરાટાના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર સુરેશ કરાટા છેલ્લાં 25 વર્ષથી કોંગ્રેસ પક્ષના સક્રિય સભ્ય છે અને 10 વર્ષ સુધી મોરવા હડફ તાલુકાની સાગવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે ખેતી કામ સાથે સંકળાયેલા છે. સુરેશભાઈએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તેઓના જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ છે, તેઓના પત્ની અગાઉ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્ય પણ રહી ચૂક્યા છે. એવી જ રીતે તેઓના પિતા પણ ત્રણ ટર્મ તાલુકા પંચાયત સદસ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત સ્થાનિક અને આદિવાસી સમાજના હોવાથી કોંગ્રેસ દ્વારા તેઓની પસંદગી કરવામાં આવી છે.

 59 ,  1