ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી મંદિરના ભંડારામાં આવેલા ચાંદીના મોટાભાગના આભૂષણો નકલી નીકળ્યા

ભાદરવી પૂનમ પર 6 લાખથી વધુ માઈભક્તોએ મા અંબાના કર્યા દર્શન

ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ આરાસુરમાં બિરાજમાન મા અંબા પ્રત્યે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે. જેમાં ખાસ કરીને ભાદરવી પૂનમ પર માતાજીના દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી ભક્તોની ભીડ ઉમટતી હોય છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ સરકારે ભાદરવી પૂનમનો મેળો રદ્દ રાખ્યો હતો. પરંતુ આ દરમિયાન બાધા-આખડીવાળા ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા રખાયા હતા. ભાદરવી પૂનમ પર 6 લાખથી વધુ માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. ભક્તોએ માતાજીના ભંડારમાં ચાંદીના આભૂષણ પણ ચડાવ્યા હતા, જેમાંથી મોટાભાગના નકલી હોવાનું સામે આવ્યું છે.

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાતો હોય છે અને સાત દિવસના મેળામાં લાખો ભક્તો ઉમટતા હોય છે. જો કે, મહામારીન ધ્યાનમાં રાખીને મેળાનું આયોજન રદ્દ કરાયું હતું જ્યારે બાધા, આખડીવાળા ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા રખાયા હતા. 6 દિવસ એટલે કે 15 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધીમાં અંબાજી ખાતે 5થી 6 લાખ ભક્તો પહોંચ્યા હતા. તેમાંથી મોટાભાગનાએ પોતાની બાધા પૂરી કરવા માટે માતાજીના ભંડારમાં ચાંદીના છત્તર, ત્રિશુલ, ખાખર જેવા અનેક આભૂષણો ચડાવવામાં આવ્યા હતા. જો કે, ભંડારમાં રહેલા આ આભૂષણની જ્યારે તપાસ કરવામાં આવી તો તેમાથી મોટાભાગના નકલી હોવાનું સામે આવ્યું હતું.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના સોના-ચાંદીની ગણતરી કરનારના જણાવ્યા પ્રમાણે, મંદિરમાં આવતા મોટાભાગના ચાંદીના આભૂષણો નકલી હોય છે. અંબાજીની પ્રસાદ પૂજાપાઠની દુકાનમાંથી આભૂષણો ભક્તોને ચાંદીના ભાવ કરતા પણ વધુ એટલે કે 60થી 70 હજાર રૂપિયા કિલોના ભાવે આપવામાં આવતા હોય છે.

આ અંગે વાત કરતાં કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ‘આભૂષણો જે નકલી નીકળ્યા છે તે અંબાજી મંદિરના ભંડારામાં મૂકવામાં આવ્યા છે. તેથી કયા ભક્તે મૂક્યું છે તે નક્કી કરી શકાય નહીં. જો કોઈ ભક્ત દ્વારા આ બાબતે ફરિયાદ કરવામાં આવશે તો તે તેણે જ્યાંથી ખરીદ્યું હશે તે વિસ્તારના વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી તેની સામે યોગ્ય તપાસ કરવામાં આવશે’

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી