સાસરીયાના ત્રાસથી પુત્રના જન્મદિવસના બે દિવસ પહેલાં જ માતાની આત્મહત્યા

ઉલટી ગંગા-પરણિતાને પુત્ર થતા પુત્રીની ઘેલછામાં સાસરીયાએ ત્રાસ આપ્યો

રામોલ પોલીસ મથકમાં સાસરીયા સામે ફરિયાદ બાદ તપાસ શરૂ

સામાન્ય રીતે પરિણીતા દીકરીને જન્મ આપે ત્યારે તેના સાસરિયાઓ ત્રાસ આપતા હોય છે. પણ રામોલમાં ઉલટી ગંગા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સાસરિયાઓએ પરિણીતાને પુત્ર થતા પુત્રીની ઘેલછા રાખી તેને ત્રાસ આપ્યો હતો. દુઃખની વાત એ છે કે પરિણીતાએ કંટાળીને તેના પુત્રના જન્મદિવસના બે દિવસ પહેલા જ મોતને વ્હાલું કર્યું હતું. આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના કાગડાપીઠમાં રહેતા પ્રદીપ ભાઈ સોલંકી મણિનગર મ્યુનિ. વોર્ડમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. તેમને કુલ ચાર બહેનો છે. જેમાં ભાવનાબહેનના વર્ષ 2018 માં લગ્ન થયા હતા. પ્રદીપભાઈના બનેવી પણ સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. ભાવનાબહેનને સંતાનમાં કાયરવ નામનો એક વર્ષનો પુત્ર છે. લગ્નના ત્રણ માસ બાદથી ભાવના બહેનને તેની સાસુ કામ બાબતે ઠપકો આપી ત્રાસ આપતા હતા. આ બાબતે ભાવના બહેન તેમના પિયરમાં ફરિયાદ કરે તો સંસાર ન બગડે તે માટે તેમને સમજાવીને પિયરજનો પરત સાસરે મોકલતા હતાં. ભાવનાબહેન તેમની સાસુને કઈ કહે તો પતિ તેની માતાનું ઉપરાણું લઈને માર મારતો અને પિયર આવવા દેતો નહિ.

ભાવનાબહેને દીકરાને જન્મ આપતા તેની સાસુએ અમારે દીકરી જોઈતી હતી તે દીકરાને જન્મ આપીને બહુ ખર્ચો કરાવ્યો છે તેમ કહી મહેણાં મારતા હતા. આટલું જ નહીં ભાવનાબહેનની સાસુ તેને દીકરી જણાતી ન હોય તો મરી કેમ ન ગઈ તેમ કહી ત્રાસ આપતા હતા. ગત 6 જાન્યુઆરીના રોજ ભાવનાબહેને તેમના બહેન રેખા બહેનને ફોન કરી કહ્યું હતું કે 9મીએ તેમના પુત્રનો જન્મ આવે છે જેથી કપડા અને ગિફ્ટ ખરીદવાનું કહેતા સાસુ અને પતિ ત્રાસ આપે છે. દીકરો જણ્યો છે તો પિયરમાંથી બધું લઈ આવ તેમ કહેતા ભાવના બહેને તેની બહેનને કહ્યું કે તેના પુત્રનું મોઢું જોઈને તે બેઠી છે નહીં તો ક્યારની મરી જાત.

બીજે દિવસે રેખાબહેનનો ફોન પ્રદીપ ભાઈ પર આવ્યો અને કહ્યું કે ભાવના બહેનના પતિનો ફોન આવ્યો હતો અને ભાવના બહેને ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો છે. આ બાબતે પોલીસને પણ જાણ કરાઈ હતી. રામોલ પોલીસે તપાસ કર્યા બાદ ભાવનાબહેનના પતિ જીતુ વાઘેલા અને સાસુ મણીબહેન વાઘેલા સામે દુષપ્રેરના નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 90 ,  1